You are here
Home > Prachar News > લોકોની ધીરજ અને સહનશક્તિ ચરમસીમાએ – નોટબંધીના મુદ્દે લોકો રોડ ઉપર ઊતરી આવવાના દિવસો દૂર નથી

લોકોની ધીરજ અને સહનશક્તિ ચરમસીમાએ – નોટબંધીના મુદ્દે લોકો રોડ ઉપર ઊતરી આવવાના દિવસો દૂર નથી

pen_png7408

તંત્રી સ્થાનેથી

લોકોની ધીરજ અને સહનશક્તિ ચરમસીમાએ

નોટબંધીના મુદ્દે લોકો રોડ ઉપર ઊતરી આવવાના દિવસો દૂર નથી

નોટબંધી બાદ પી.એમ.એ.આપેલા વચન મુજબ ૫૦ દિવસ સુધી લોકોએ દરેક મુશ્કેલીઓ હસ્તા મોંએ સહન કરી લીધી. લોકોએ યાતનાઓ એટલા માટે સહન કરી કે ૫૦ દિવસ પછી સારા દિવસો આવશે, મોંઘવારી ઘટશે. કાળા બજારીયા કાળા નાણાંના સંગ્રહખોરો ફસાશે, નાના માણસોને બીજી રીતે ફાયદો થશે, પણ આમાનું કશુ થયુ નથી. અને નોટબંધીના ૬૫ દિવસ બાદ પણ લોકોની નાણાંની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવેલો દેખાતો નથી. છતાં પૈસે લોકો અત્યારે નિર્ધન છે. સરકાર જાહેર કરે છેકે અઠવાડીયામાં બેંકો ૨૪૦૦૦/- રૂપિયા આપશે. પણ તે ૨૪૦૦૦/- લેવા માટે કદાચ લોકોને છ ધક્કા પણ ખાવા પડે તો નવાઈ નહિ કહેવાય. અત્યારે એક પણ બેંક એક સાથે ૨૪૦૦૦/- રૂપિયા આપતી નથી. હવે લોકોની ધીરજ ખૂટવા લાગી છે. ધીરજ આક્રોશમાં પરિવર્તન પામી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ બેંકોને તાળા મારવા, બેંકો ઉપર પથ્થરમારા કરાયાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. નાની ચિનગારી મોટો દાવાનળ બને તે પહેલા સરકારે નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો લાવવાની જરૂર છે. બેંકમાંથી પૈસા મળશે કે નહિ તેની બીકમાં લોકો જે નાણાં તેમની પાસે આવે છેતે દબાવી રાખે છે, બજારમાં નાણાં ફરતા નથી. સરકારે દરેક વ્યક્તિનો ભય દૂર કરવાની જરૂર છે. બેંકોમાંથી જેટલા જોઈએ તેટલા નાણાં મળતા થાય તો લોકો નાણાંનો સંગ્રહ બંધ કરે છે. સરકાર કેશલેસ વહેવાર ચાલુ થાય તે માટે બેંકોને રોકડી નોટ પુરતા પ્રમાણમાં પહોચાડતી નથી. બેંકોમાં ૧૫ લાખ કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આર.બી.આઈ.દ્વારા જાહેર કરાતી માહિતી મુજબ હવે ફક્ત ૪૦૦ કરોડ રૂપિયા આવવાના બાકી છે. જે કદાચ એન.આર.આઈ.ઓ અને મોટા ડેક્લેરેશનો કરવાવાળા સંગ્રહખોરોને ત્યાંથી પૈસા આવી પણ જાય. તે સામે સરકારે ફક્ત ૪૦ ટકા નોટોજ ફરતી કરી છે. ફરતી કરેલી નોટોમાંથી મોટાભાગનો હિસ્સો કાળાબજારીયા પાસે બેંકોના અધિકારીઓની મહેરબાનીથી પહોંચી ગયો છે. પ્રજા પાસે તો ૧૫ થી ૨૦ ટકા જ નવા નાણાં ફરે છે. જેથી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે. લોકોની સહનશક્તિ ખૂટી ગઈ છે. ખેડૂતો અને મજુરીયાત વર્ગના લોકોને પણ નાણાંની તંગી પડી રહી છે. જેમ જેમ લોકોની મુશ્કેલીઓ વધશે તેમ તેમ પ્રજાનો આક્રોશ વધશે અને એક દિવસે નોટોની તંગીના મુદ્દે લોકો રોડ ઉપર ઉતરી આવે તો નવાઈ નહિ. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છેકે નાણાંની તંગી રખાશે તો કેશલેસ વહેવારો વધશે તે વાત એકદમ સાચી નથી. થોડાઘણા અંશે સાચી સાબિત થઈ શકે પણ પૈસાની તંગીથી લોકો અસહ્ય પીડા ભોગવી રહ્યા છે તે વાત એકદમ સાચી છે. દેશમાં બનતી સરકાર લોકોના મતથી બને છે. જે મતોથી સરકાર બની છે તે લોકો હવે વધારે હેરાન થશે તો આગામી ચુંટણીઓમાં વિપરીત પરિસ્થિતિ આવી શકે છે. લોકોનો આક્રોશ દાવાનળ ન બને તે માટે તંત્રે વહેલામાં વહેલી તકે બેંકોના માધ્યમથી નાણાં છૂટા કરી નાણાંકીય પરિસ્થિતિ સુધારવી જોઈએ.

Leave a Reply

Top