
ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગોની શોર્ટેજ રૂા.૧૦૦ માં પંજો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નોટબંધી બાદના પ્રથમ તહેવાર ઉત્તરાયણમાં પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓ મંદીના ડરે સસ્તા ભાવમાં પતંગ વેચ્યા હતા. ત્યારે તહેવારની પૂર્વ સંધ્યાએ વિસનગરમાં પતંગની શોર્ટેજ થઈ હતી. રૂા.૧૦૦ માં પંજો વેચાયો હતો. ગૌરવપથ રોડ ઉપર પતંગ રસીયાઓનો મેળો જામ્યો હતો. તહેવારના ઉત્સાહમાં નોટબંધીની ક્યાય અસર જોવા મળી નહોતી.
સરકાર દ્વારા નોટબંધી કરાયા બાદ બજારોમાં મંદીનો માહોલ હતો. વેપાર ધંધા ઉપર અસર થતા ૫૦ થી ૬૦ ટકા વેપાર થઈ ગયા હતા. ત્યારે ઉત્તરાયણના તહેવારમાં પતંગ વેચાશે કે નહી તેના ડરે મોટાભાગના પતંગના વેપારીઓએ પતંગની ખરીદી ઓછી કરી હતી. આમ તો દર વર્ષે જાન્યુઆરીની પહેલી તારીખ બાદ પતંગના સ્ટોલ અને દુકાનો શરૂ થઈ જતી હતી. ત્યારે આ વર્ષે તા.૯-૧ થી પતંગના સ્ટોલ શરૂ થયા હતા. પતંગની દુકાનો અને સ્ટોલ શરૂ કરાયા બાદ ચાર દિવસ ખુબજ ઓછી ઘરાકી રહી હતી. વેપારીઓએ ખરીદ કિંમતે પતંગ વેચાણ કર્યા હતા. ત્યારે ઉત્તરાયણના આગળના દિવસે તા.૧૩-૧ ની સવારથીજ પતંગની ખરીદી કરવા માટે ધસારો થયો હતો. શહેર અને ગામડાના પતંગ રસીયા પતંગ દોરી લેવા ઉમટ્યા હતા. આખો દિવસ બજારોમાં મેળો જોવા મળ્યો હતો. સાંજના સમયે તો પતંગની શોર્ટેજ થતા ભાવ ઉચકાયા હતા. કલર અને વ્હાઈટ ચીલ રૂા.૬૦ માં કોડી વેચાતા હતા. તે ભાવ કોડીના રૂા.૧૦૦ થઈ ગયો હતો. જ્યારે અડધીયા, પુણીયાનો ભાવ પંજાના રૂા.૧૦૦ થઈ ગયા હતા. દર ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ગૌરવપથ રોડ ઉપર જે મેળો જામતો હતો તેવો માનવ મેળો ઉમટ્યો હતો. પીપુડાના જુદા જુદા અવાજથી આખો ગૌરવપથ ગાજી ઉઠ્યો હતો. ઉત્તાયણના પર્વે નોટબંધીની ક્યાંય અસર જોવા મળી નહોતી. ઉત્તરાયણના દિવસે સવારે ખુબજ પવન હોવાથી પતંગ રસીયાઓની મજા બગડી હતી. પરંતુ બપોર પછી પવન ઓછો થતા લોકોએ પતંગ ચગાવવાની મજા લુંટી હતી. વાસી ઉત્તરાયણના દિને રવિવાર હોવાથી લોકોએ બે દિવસ મનભરી પતંગ ચગાવવાની મજા માણી હતી.