You are here
Home > News > લગ્નમાં ચાંલ્લા નહિ લેવાના બદલે ચાંલ્લાની ચેરીટી કેમ નહિ?

લગ્નમાં ચાંલ્લા નહિ લેવાના બદલે ચાંલ્લાની ચેરીટી કેમ નહિ?

લગ્નમાં ચાંલ્લા નહિ લેવાના બદલે
ચાંલ્લાની ચેરીટી કેમ નહિ?

લગ્ન સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. પ્રવર્તમાન સંજોગોમાં સુખી સંપન્ન લોકો દ્વારા ઉજવાતા પ્રસંગમાં ચાંલ્લા લેવામાં આવતો નથી. હાલમાં ઉજવાયેલ ઘણા લગ્નપ્રસંગમાં ચાંલ્લો લેવાનુ ટેબલજ મૂકવામાં આવ્યુ નહોતુ, જે સરાહનીય છે. પ્રસંગ ઉજવનારની ઉચ્ચ ભાવના દૃષ્ટિગોચર થાય છે. લગ્નનો ચાંલ્લો એ વર્ષોની લગ્ન પરંપરાનો એક ભાગ છે. ચાંલ્લા વિનાનો લગ્નપ્રસંગ અધૂરો લાગે છે. લગ્ન પ્રસંગે આવનાર વ્યક્તિ પાસેથી ચાંલ્લો લેવામાં ન આવે તો લગ્નપ્રસંગમાં કંઈક અધૂરુ હોય તેવુ આવનારને લાગે છે. ચાંલ્લો એ એકબીજાના સબંધની ઢાલ છે. પોતાના ઉપર ચડેલી ઢાલ ઉતરે તેવું દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે. લગ્નપ્રસંગનો ચાંલ્લો દરેક વ્યક્તિ દ્વારા એક સરખો હોતો નથી. ચાંલ્લો એ સંબંધોનુ બેરોમીટર છે. જે બતાવે છેકે કોને કોના સાથે કેટલો સંબંધ છે. ચાંલ્લો સંબંધ દેખાડવાનો પ્રસંગ છે. આવો ચાંલ્લો ન લેવાય એટલે લગ્નપ્રસંગ લુખ્ખો લાગે છે. ચાંલ્લો ન લેવાય એટલે પ્રસંગમાં આવનાર વ્યક્તિ છોભીલુ પડે છે. ચાંલ્લો ન લેવાનું કંકોત્રીમાં લખેલુ હોય તો લોકો જમણવારમાં સહકુટુંબ આવતા ક્ષોભ અનુભવે છે. લગ્નનો એકભાગ એટલે ચાંલ્લા બંધ કરાય એટલે લગ્નપ્રસંગમાં અધૂરાપણુ દેખાય છે. જે લોકો પ્રેમથી લગ્ન પ્રસંગ કરવા માંગતા હોય તો તે ભલે ચાંલ્લો લે નહિ પણ ચાંલ્લાનુ ટેબલ જરૂર મૂકે, ચાંલ્લામાં આવેલા નાણાંનો સદ્‌ઉપયોગ ચેરીટીમાં કરી શકાય. ગામમાં ગૌ શાળા, વૃધ્ધાશ્રમ, સદાવ્રત, પાણીની પરબ જેવી સંસ્થાઓ હોય છે, આ સંસ્થાઓ લોકસહકારથી ચાલતી હોય છે. તેવી સંસ્થામાં ચાંલ્લાના નાણાં કેમ આપી ન શકાય? લગ્નમાં ચાંલ્લો કરનારના ૧૦૦ થી ૧૦૦૦ રૂપિયા બચી જાય. ચાંલ્લો નહિ કરનારને કઈ મોટો ફાયદો થતો નથી, પણ ચાંલ્લાના ભેગા થયેલા હજ્જારો રૂપિયા કોઈ સંસ્થાને મોટી મદદ કરી શકે છે. ચાંલ્લાનો રિવાજ લગ્નપ્રસંગ કરનારને મદદના ઉદ્દેશથી શરૂ થયેલો છે. આપણા વડીલોના ઉદ્દેશને કેમ આપણે બંધ કરીએ છીએ તે પ્રશ્ન છે. ચાંલ્લાના નાણાંમાંથી મંદિર, મહાદેવ, સ્મશાનગૃહ, આરોગ્ય કેન્દ્રોમાં નાણાં આપી શકાય. તે પણ આપવાની ઈચ્છા ન હોય તો દરેક સમાજમાં આર્થિક પછાતની સંખ્યા ઓછી નથી. આપણા સમાજના આર્થિક પછાત કુટુંબના દિકરા દીકરીઓને ભણવાની ફી ચાંલ્લાના પૈસામાંથી આપી શકાય. કદાચ કોઈ સુખી સંપન્ન વ્યક્તિ આર્થિક પછાત સગા સંબંધીઓના બાળકોને ભણાવવામાં મદદ કરતા પણ હોય. તે એમ કહે કે અમે આવુ કરીએ છીએ તો તમારા ધંધા રોજગારમાં, તમારા ખેતરમાં કામ કરતા ખેતમૂજરોના બાળકોની ફી અને દવા પણ ચાંલ્લાના નાણામાંથી આપી શકાય. ભારત દેશમાં ગરીબ વર્ગની સંખ્યા મોટી છે. જેથી દાન કરવાની જગ્યા શોધવી મુશ્કેલ નથી. ચાંલ્લો લેવાનો બંધ કરવાનો વિચાર કરનાર કુટુંબો ચાંલ્લા નહિ લેવાનો વિચાર છોડી તેમની લગ્નકંકોત્રીમાંજ જાહેર કરી શકે છેકે, ચાંલ્લાની રકમ અમે ચેરીટીમાં આપવાની છીએ. જે લોકોએ આ તંત્રી લેખ વાંચ્યા પહેલા લગ્નકંકોત્રી છપાવી નાંખી છે તેવા લોકો ચાંલ્લાના ટેબલ પાસે વરકન્યાની ચૉરી ઉપર લગ્નપ્રવેશના સ્થળ ઉપર બેનર લગાવી ચાંલ્લો ચેરીટીમાં જશે તેવી જાહેરાત કરી શકે છે. જેથી ચાંલ્લો લેવાયો પણ ગણાશે અને ચાંલ્લો નહિ લેવાનો આનંદ પ્રસંગ કરનારને થશે. અને લગ્નપ્રસંગમાં આવી ચાંલ્લાનુ ટેબલ નહિ જોઈ નિરાશ થઈ છોભીલા પડતા સંબંધીઓને પણ ચાંલ્લો કર્યાનો આત્મ સંતોષ થશે. સાથે સાથે લગ્ન પ્રસંગ કરનાર દ્વારા કરાનાર દાનમાંથી જે પણ પુણ્ય મળશે તેમાંથી ચાંલ્લો કરનારના ભાગમાં પણ થોડુ પુણ્ય આવશે.

Leave a Reply

Top