ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી – વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ

ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી – વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ

Prachar News No Comments on ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી – વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ

ગેસ કટરથી એટીએમ મશીન કાપી રૂા.૪.૧૯ લાખની ચોરી કરી

વિસનગર પોલીસની આબરૂનુ ચોરોએ ચિરહરણ કર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પોલીસ દ્વારા ફક્ત નામનુ નાઈટ પેટ્રોલીંગ થતુ હોય તેમ જણાય છે. ચોરો વાહનમાં ગેસ કટર લઈને આવે અને આસાનીથી મેઈન રોડ ઉપરના એટીએમ સેન્ટરમાં એટીએમનુ કેશબોક્ષ કાપી રૂા.૪.૧૯ લાખની કેશ લઈ જાય તે બનાવ વિસનગર પોલીસનુ નાક કાપ્યા બરાબર છે. શહેરમાં વારંવાર ચોરીના બનાવ બનતા પોલીસની નિષ્ક્રીય કામગીરી ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. બેંક મેનેજરની ફરીયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં કાંસા ચાર રસ્તા પાસે કાંસા રોડ ઉપર આવેલ સોના કોમ્પલેક્ષમાં પંજાબ નેશનલ બેંક આવેલી છે. બેંકની બહાર બેંકનુ એટીએમ સેન્ટર છે. ખેરાલુ તાલુકાના સાગથળા ગામના મુળ વતની અને કાંસા એન.એ. ગુલાબપાર્ક સોસાયટીમાં રહેતા સુનીલકુમાર ઈશ્વરભાઈ પટેલ પંજાબ નેશનલ બેંકમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.૨૦-૨-૨૦૧૭ના રોજ સુનીલકુમાર પટેલ સવારે પોણા દશેક વાગે બેંકમાં પહોચી સીસીટીવી ચાલુ કરી ચેક કરતા એટીએમના બે કેમેરા બંધ હાલતમાં હતા. બેંક મેનેજર તથા સફાઈ કામદારે એટીએમનુ શટર્સ બંધ હોઈ ખોલીને અંદર જોતા એટીએમ મશીનનો નીચેનો કેશનો ભાગ કપાયેલો જણાયો હતો. મશીનમાં રહેલુ કેશનુ બોક્ષ જણાયેલ નહી. એટીએમ સેન્ટરમાં અંદર લગાવેલ સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો. જ્યારે બહારની સાઈડ લગાવેલો કેમેરા દિવાલ તરફ ફેરવી નાખ્યો હતો. એટીએમ મશીન ચેક કરતા છેલ્લે તા.૧૮-૨-૨૦૧૭ ના રોજ ટ્રાન્ઝેક્શન થયુ હતુ. એટીએમમાં છેલ્લે રૂા.૪,૧૯,૫૦૦ ની કેશ હતી.
બેંક મેનેજરે સીસીટીવી કેમેરા ચેક કરતા તા.૧૯-૨ ની રાત્રે ૧-૩૦ થી ૨-૧૫ દરમ્યાન ચાર જેટલા ચોરો એક વાહનમાં આવી, ગેસ કટરથી મશીનનો નીચેનો કેશનો ભાગ કાપી ફક્ત ૪૫ મીનીટમાં રૂા.૪,૧૯,૫૦૦ ની ચોરી કરી હોવાનુ માલુમ પડ્યુ હતુ. બેંક મેનેજરે આ બાબતની પોલીસને જાણ કરતા વિસનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ચોરીનુ પગેરૂ શોધવા તાત્કાલીક એફ.એસ.એલ. અને ડોગ સ્કવૉર્ડની ટીમ ઉતરી પડી હતી. બેંક મેનેજર સુનિલકુમાર પટેલની ફરીયાદ આધારે પોલીસે રૂા.૪,૧૯,૫૦૦ ની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધપાત્ર બાબત છેકે નાઈટ પેટ્રોલીંગ કરતી પોલીસ બરાબર ઉંઘમાં આવે અને ઘરભેગી થાય તેવા સવારે ૪ થી ૫ વાગ્યાના અરસામાં મોટાભાગે ચોરીઓ વધારે થતી હોય છે. જ્યારે વિસનગરમાં પંજાબ નેશનલ બેંકના એટીએમમાં રાત્રે દોઢ વાગ્યાથી સવા બે વાગ્યા વચ્ચે જે ચોરી થઈ તે વખતે પોલીસ પેટ્રોલીંગમાં હતી, તો પ્રશ્ન એ થાય છેકે પોલીસ હતી ક્યાં? કાંસા ચાર રસ્તા ઉપરના પોલીસ પોઈંટ ઉપર આખી રાત પોલીસ હોવાનુ કહેવાય છે. ત્યારે આ પોલીસ પોઈંટથી લગભગ ૧૦૦ મીટરના અંતરે આવેલ પંજાબ નેશનલ બેંકના એટીએમ આગળ વાહન આવ્યુ તો પોલીસને કેમ ન દેખાયુ? જોકે આ બનાવની રાત્રે પોલીસ પેટ્રોલીંગમાંજ નહોતી તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. આમેય વિસનગર સીટી પોલીસનુ નાઈટ પેટ્રોલીંગ ફક્ત કહેવા પૂરતુ હોય છે. રાત્રે જોરશોરથી મોટા અવાજે વાગતા સ્પીકરો પણ પોલીસને સંભળાતા નથી, પછી ગેસ કટરથી એટીએમ કાપવાનો અવાજ તો ક્યાંથી સંભળાય? હાઈવે ઉપર અનેક માર્કેટો, શો-રૂમ આવેલા છે. ચોરો ગેસ કટરથી મશીન કાપી કેશ ચોરી જતા આ બનાવથી હાઈવે પર આવેલ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિસનગર વેપારી મહામંડળ વર્ષોથી જે માગણી કરી રહ્યુ છે તે પ્રમાણે હાઈવે ઉપર આવતા જતા વાહનોના નંબરની નોંધણી પોલીસે શરૂ કરી હોત તો ચોરીનો આ બનાવ રોકી શકાયો હોત. જોકે ગેસ કટરથી મશીન કાપી ચોરોએ વિસનગર પોલીસનુ નાક કાપી, પોલીસની આબરૂનુ ચિરહરણ કર્યુ છે.

Leave a comment

Back to Top