You are here
Home > Prachar News > દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ-ઉત્તમભાઈ પટેલ – વડનગર ગંદકી-ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે

દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ-ઉત્તમભાઈ પટેલ – વડનગર ગંદકી-ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે

દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ-ઉત્તમભાઈ પટેલ

વડનગર ગંદકી-ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ માદરે વતન વડનગર એ દેશ માટે નમુનારૂપ ગૌરવરૂપ ગામ હોવુ જોઈએ ત્યારે વડનગરનો વહીવટ કરતા લોકોની અણઆવડત તથા કંઈ પામવાની ભાવનાના કારણે આજ વડનગર ગંદકી, ગેરરીતી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ હોવાનો રોષ ગામના જાગૃત નાગરિક ઉત્તમભાઈ પટેલે વ્યક્ત કર્યા છે.
ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છેકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ગામ વડનગરની ઘાંસકોળ દરવાજો, નદીઓળ દરવાજો, અર્જુનબારી દરવાજાના નવીન રોડ બનાવેલ છે. જેમાં મેટલ, કોંકરેટ, સીમેન્ટ, કપચી અને ખીલાસરી જે માપ પ્રમાણે નાખવી જોઈએ તે માપ જળવાતુ નથી. કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરી હોય તેવુ દેખાય છે. કોઈ કોર્પોરેટર કે રોડ બનાવવામાં આવે છે તે વિસ્તારના નાગરિકને સાથે રાખવામાં આવતા નથી. વડનગરનુ ઐતિહાસિક ટાવર જે પડી ગયુ તેની પાછળ ગટરલાઈનનુ કામ કરતા કોન્ટ્રાક્ટરની અણઆવડત છે. જમીનની અંદર લાયબ્રેરીના બીમ તોડી ટાવરને પાડવામાં આવ્યુ છે. ટાવરનુ મટેરીયલ્સ ક્યા ગયુ તેનો કોઈ હિસાબ નથી.
વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી જાહેરાતો કરે છે ઘેર ઘેર શૌચાલયો બનાવો, સ્વચ્છ ભારત બનાવો. વડનગર પાલિકાએ પેપરોમાં જાહેરાત આપી વડનગરને ૧૦૦ ટકા શૌચમુક્ત જાહેર કરે છે. પરંતુ હકીકત અલગ છે. શૌચાલય બનાવવામાં પૂરતુ મટીરીયલ્સ વાપરવામાં આવ્યુ નથી. હાલમાં શૌચાલયના ખોખા છે, શૌચાલયો ચાલુ હાલતમાં નથી. જે લોકોએ શૌચાલય બનાવ્યા તેના ચેક પણ આપવામાં આવ્યા નથી. વડનગરના છ દરવાજામાંથી એકપણ દરવાજો ગંદકી વગરનો નથી. નિયમિત સફાઈ નહી થવાના કારણે આખુ ગામ ગંદકીથી ખદખદી રહ્યુ છે. હાટકેશ્વર મહાદેવ સામે જે હૉલ બનાવવામાં આવ્યો છે તેમાં ઝાડી-જાખરા ઉગી ગયા છે. હૉલના કમ્પાઉન્ડમાં લોકો પેશાબ અને કુદરતી હાજતે જતા ગંદકી અને દુર્ગંધ મારી રહી છે. વડનગરની ફરતે જે બાયપાસ રોડ બનાવ્યા છે તેનો ઉપયોગ માત્ર શૌચાલયો માટેજ થાય છે. વડાપ્રધાનશ્રી જે સ્કુલમાં ભણતા હતા તે સ્કુલ આગળનો રોડ ખાડાખૈયાવાળો છે. સ્ટેશન રોડ, અમતોલ દરવાજો વિગેરે ઐતિહાસિક નગરીના રોડ એવા છેકે કોઈ વાહન લઈને નીકળી શકતુ નથી. વડનગરની પ્રજા છેલ્લા ૩ વર્ષથી બીસ્માર રોડની મુશ્કેલીનો સામનો કરી રહી છે. સ્કુલના મેદાનમાં સડેલી શાકભાજી, પ્લાસ્ટીક અને માટીના ઢગલાથી ગંદકી ફેલાયેલી છે. બાળકોના સ્વાસ્થ્યની પણ ચીંતા કરવામાં આવતી નથી.
વડનગરમાં પાણીની લાઈનો અને ગટરલાઈનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પાઈપલાઈનો પાછળ પાલિકા સદસ્યોના ભ્રષ્ટાચારના કારણે ત્રણ વર્ષ થવા આવ્યા છતા પાણીની કે ગટરની લાઈનો ઉપયોગમાં લઈ શકાતી નથી. પાઈપલાઈનો ક્યારે ચાલુ થશે તેવો પ્રજા જવાબ માગે ત્યારે પાલિકાના વહીવટદારો ઉધ્ધત જવાબ આપે છે. આ લાઈનો ચાલુ થશે કે નહી તેનો પણ લોકોને ડર છે. ગટરલાઈન લીકેજ થવાના કારણે લાયબ્રેરી પડી ગઈ હતી તેમ વાટા માર્યા વગરની ભુગર્ભ ગટરલાઈનો ચાલુ થશે ત્યારે પાણી લીકેજના કારણે મકાનોને નુકશાન તો નહી થાયને તેવી લોકોને ચીંતા સતાવી રહી છે.
વડાપ્રધાન ગંગા નદીની સફાઈની વાત કરે છે. જ્યારે તેમના વતનમાં આવેલ શર્મિષ્ઠા તળાવના કિનારે ગંદકીના ઢગ છે. છેલ્લા કેટલાક સમયથી બેટ(ઓપન એર થીયેટર) બંધ હાલતમાં છે. શર્મિષ્ઠા તળાવના બ્યુટીફીકેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તાનારીરીના કાર્યક્રમમાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવાથી તેમાં ખોટા ખર્ચા બતાવી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. મહાદેવની સામેનો હૉલ, બાલમંદિરની બાજુમાં ગામ સેવકનુ મકાન પચ્ચીસ વર્ષથી ઉપયોગ વગરનુ બંધ હાલતમાં પડી રહ્યુ છે. સ્ટેશન રોડ ઉપર જકાતનાકુ હતુ. તેમાં દુકાનો બનાવેલ છે તે પણ વર્ષોથી બંધ હાલતમાં પડી રહી છે. તેમજ સ.નં.૩૧૧૮ માં જે શોપીંગ સેન્ટરની નીચેની દુકાનોની હરાજી કરી બાકીના ઉપરના માળ બંધ હાલતમાં છે તેની જવાબદારી જેતે વખતના પાલિકા પ્રમુખની છે. તેમના ઉપર શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. વડનગરમાં આવી ઘણી સરકારી વિરાસતો છે જેના દેખરેખ માટે કોઈ જવાબદાર વ્યક્તિજ નથી.
વડનગર પાલિકાના અગાઉના ટર્મના પ્રમુખે માતોર રોડ ઉપર ગેરકાયદેસર શોપીંગ સેન્ટર બનાવેલ છે. હજુ એ જગ્યાનુ એકત્રીકરણ પણ થયુ નથી, પાર્કિંગની જગ્યા પણ નથી. આ પ્રમુખે તેમના શાસનમાં સત્તાના જોરે વડાપ્રધાનના ગામમાં ગણી ન શકાય એટલી જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યાની ચર્ચા છે. આ પ્રમુખે તે શાસનમાં એકજ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી મોટો ભ્રષ્ટાચાર કરી બન્ને ન્યાલ થઈ ગયા છે. આ બન્ને વિરુધ્ધ તપાસ થાય તો ઘણુ બધુ બહાર આવે તેમ છે.
વડનગર પાલિકાને ગુજરાત અને કેન્દ્ર સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી છે. ગામમાં બાગ બગીચા, ઓપન એર થીયેટર, તેની બાજુમાં આવેલ નવગ્રહ બગીચો, તાનારીરી ગાર્ડન આવી ગણી વિરાસતો છે. ગ્રાન્ટમાંથી તેની રખેવાળીનુ આયોજન પણ કરી શકતા નથી. આ બધા બગીચા સુકાઈ જવાના આરે છે. ઓપન એર થીયેટર પરની રાઈડ અને બોટીંગ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં ભંગાર થઈને પડી છે. ગામમાં રહેલી ગંદકી અને ભ્રષ્ટાચાર દુર કરો તો વડાપ્રધાનનુ વચન સાર્થક બનશે. નહીતો વડનગર ભારતનુ પ્રથમ નંબરનુ ગંદકી અને ભ્રષ્ટાચારયુક્ત ગામ કહેવાશે.
છેલ્લે ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છેકે, વડનગરમાં ગણી ન શકાય એટલી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતેે તપાસ કરવા કોઈ અધિકારી આવે તો તમામ પુરાવા આપવામાં આવશે. સરકારે છપ્પનની છાતી રાખી તપાસ કરાવવી જોઈએ. દેશ સુધારવો હોય તો પહેલા વડાપ્રધાનનુ ગામ સુધારવુ જોઈએ. ભાજપના જુના અને જાણીતા પાયાના કાર્યકર ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છેકે, આવા ભ્રષ્ટાચાર કરી વડનગરની ઘોર ખોદનાર લોકોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. વડનગરનો વિકાસ નહી પણ લોકોને અરાજકતામાં ધકેલનાર કોન્ટ્રાક્ટરને પણ સજા કરવી જોઈએ. જો આ બન્ને સામે પગલા નહી ભરાય તો વડનગરની વડનગરના બીજા મોટા માથાના નામ પણ જાહેર કરવામાં આવશે. જે લોકો વહીવટ કરે છે તે લોકો પાસે ખાવાના પણ ફાંફાં હતા અને આવે કરોડો રૂપિયાની જમીનો ક્યાંથી આવી તેની તપાસ થવી જોઈએ. આ લોકોના બેંક એકાઉન્ટ પણ ચેક કરવા જોઈએ. ઉત્તમભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી છેકે, વડનગરની પ્રજાની માગણીઓ નહી સંતોષાયતો ઉપવાસ ઉપર ઉતરીશ.

Leave a Reply

Top