You are here
Home > News > આપેલુ વચન નિભાવ્યુ-બોલેલુ પાળી બતાવ્યુ વિસનગર પાલિકા પ્રમુખે ૧ લી માર્ચે રાજીનામુ આપ્યુ

આપેલુ વચન નિભાવ્યુ-બોલેલુ પાળી બતાવ્યુ વિસનગર પાલિકા પ્રમુખે ૧ લી માર્ચે રાજીનામુ આપ્યુ

આપેલુ વચન નિભાવ્યુ-બોલેલુ પાળી બતાવ્યુ
વિસનગર પાલિકા પ્રમુખે ૧ લી માર્ચે રાજીનામુ આપ્યુ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના વિકાસમંચના સવા વર્ષની મુદતના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલનો સમજુતી પ્રમાણે સમય પુર્ણ થતા પ્રમુખ રાજીનામુ આપશે કે નહી તેવી અટકળો વચ્ચે પ્રમુખે ૧ લી માર્ચના રોજ ડીડીઓ એસ.કે.લાંઘાને રાજીનામુ આપી વિરોધીઓના મોં સીવી નાખ્યા હતા. પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે આપેલુ વચન નિભાવ્યુ છે અને બોલેલુ પાળી બતાવ્યુ છે તેવી લાગણી સાથી કોર્પોરેટરોએ વ્યક્ત કરી હતી.
વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રસના ગઠબંધનના શાસનમાં પ્રથમ મહિલા પ્રમુખ સીટના અઢી વર્ષની મુદતમાં વિકાસમંચના પ્રજ્ઞાબેન પટેલને સવા વર્ષની મુદત માટે પ્રમુખ બનાવ્યા હતા. આ મુદત પૂર્ણ થવાની આરે સમય આવતા પાલિકાના કેટલાક સભ્યો અને નગરજનોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી કે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ રાજીનામુ આપશે કે નહી. જોકે સંકલન સમિતિએ રાજીનામુ માગતા પ્રમુખે ૧૫ દિવસ પહેલા સંકલન સમિતિને રાજીનામુ આપી દીધુ હતુ. રાજીનામુ આપતા પહેલા પ્રમુખ પ્રજ્ઞાબેેન પટેલને એક મહેચ્છા હતી કે એક નાનો ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ કરવો અને બધાની વચ્ચે રાજીનામુ આપવુ. પરંતુ કેટલાક પરિબળોના કારણે પ્રમુખ કાર્યક્રમ કરી નહી શકતા તેમણે સંકલ્પ મૉલમાં શુકન રેસ્ટોરન્ટમાં ફક્ત સભ્યોને આમંત્રણ આપી એક નાનો જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં પોતાની શાસન દરમ્યાન કોઈને કંઈ બોલાઈ ગયુ હોય તો હાજર સભ્યો સમક્ષ પ્રમુખે દિલગીરી વ્યક્ત કરી મન હળવુ કર્યુ હતુ. પોતાના પ્રમુખના શાસનમાં સહકાર આપવા બદલ સભ્યોનો આભાર માન્યો હતો.
તા.૨૮-૨ ના રોજ જમણવાર સાથેના સભ્યોના સાથેના કાર્યક્રમ બાદ તા.૧-૩-૨૦૧૭ ના રોજ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ મહેસાણા કલેક્ટરને રાજીનામુ આપવા માટે ગયા હતા. જેમની સાથે પી.સી.પટેલ, શકુન્તલાબેન પટેલ, નયનાબેન પટેલ, ફુલચંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ સુરભી, જગદીશભાઈ ચૌહાણ, ઈકબાલભાઈ ચોક્સી અને ઉપપ્રમુખ મગનજી ઠાકોર સાથે ગયા  હતા. આ સભ્યોની રૂબરૂમાં પ્રમુખે એસ.કે.લાંઘાનેે અંગત કારણોસર સ્વેચ્છાએ રાજીખુશીથી રાજીનામુ આપતા હોવાનુ જણાવી રાજીનામુ આપ્યુ હતુ. પ્રમુખે રાજીનામુ આપતાજ પ્રમુખ રાજીનામુ આપશે કે નહી તેવા વિવાદોનો અંત આવ્યો હતો. રાજીનામા બાદ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સાથેની એક મુલાકાતમાં પ્રમુખે જણાવ્યુ હતુ કે દરેક બોર્ડમાં દરેક પ્રમુખના શાસનમાં પાણીની અવ્યવસ્થાને લઈને ભારે હોબાળા થયા છે. ત્યારે વૉટર વર્કસ ચેરમેન રાજુભાઈ ગાંધીનો અનુભવ, કુનેહ અને આવડતને લઈ પાલિકામાં પાણી મુદ્દે કોઈ હોબાળો થયો નથી. જે બદલ હું રાજુભાઈ ગાંધીનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.

Leave a Reply

Top