You are here
Home > News > એક લાખ નેવુ હજાર મતમાંથી એક લાખ છત્રીજા હજાર મતના હક્ક માટે લડત વિસનગરના રાજકારણમાં ભુકંપ સર્જતુ અંબાજીનુ એકતા સંમેલન

એક લાખ નેવુ હજાર મતમાંથી એક લાખ છત્રીજા હજાર મતના હક્ક માટે લડત વિસનગરના રાજકારણમાં ભુકંપ સર્જતુ અંબાજીનુ એકતા સંમેલન

એક લાખ નેવુ હજાર મતમાંથી એક લાખ છત્રીજા હજાર મતના હક્ક માટે લડત
વિસનગરના રાજકારણમાં ભુકંપ સર્જતુ અંબાજીનુ એકતા સંમેલન

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકાના રાજકારણમાં હંમેશા નાના સમાજોની અવગણના થતી આવી છે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે વિધાનસભા હોય. મહત્વના હોદ્દા આપતી વખતે નાના સમાજોની ક્યારેય ગણના કરવામાં આવી નથી. ત્યારે વિધાનસભાની આવનારી ચુંટણીને લક્ષમાં રાખી શહેર અને તાલુકાના વિવિધ સમાજોના આગેવાનોનુ અંબાજી ખાતે એકતા સંમેલન મળતા શહેર અને તાલુકાના રાજકારણમાં ભુકંપ સર્જાયો છે. પાટીદાર આંદોલન એ કોઈ સમાજના વિરોધમાં નહી પરંતુ પાટીદાર સમાજના હક્ક માટે છે તેજ રીતે અંબાજીમાં મળેલુ એકતા સંમેલન કોઈ સમાજના વિરોધ માટે નહી પરંતુ નાના સમાજોના હિત માટે છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી. સુંશી ગ્રામ પંચાયતની ચુંટણીમાં અન્ય સમાજના વ્યક્તિને સરપંચ બનાવી ગામના નાના સમાજોએ પોતાના હક્ક માટે અભૂતપૂર્વ એકતા બતાવી છે. આ નાના ગામની એકતામાંથી શીખ મેળવી શહેર તાલુકાનુ એકતા સંમેલન મળ્યુ હોવાનુ ચર્ચાય છે. એકતા સંમેલનમાં મોટે ભાગે કોંગ્રેસના આગેવાનો હતા જેમણે આ સંમેલન યોજી કોંગ્રેસને ગર્ભિત ચેતવણી આપી છેકે કોંગ્રેસ અન્ય નાના સમાજમાંથી કોઈને ટીકીટ આપશે તોજ ફાવશે.
વિસનગર શહેર-તાલુકાના બક્ષીપંચ, એસ.સી., એસ.ટી., માઈનોરેટી, રાજપૂત, બ્રાહ્મણ, જૈન, સોની, સુથાર, પંચાલ, દરજી વિગેરે નાના સમાજોનુ એકતા સંમેલન તા.૨૬-૨-૨૦૧૭ ને રવિવારના રોજ યાત્રાધામ અંબાજીમાં આવેલ ચૌધરી વિશ્રાંતીગૃહમાં મળ્યુ હતુ. જેમાં નાના મોટા ૧૦૦ થી પણ વધારે વાહનોનો ખડકલો થયો હતો. આ સંમેલનમાં શહેર અને તાલુકામાંથી વિવિધ સમાજના ૧૨૦૦ થી પણ વધારે આગેવાનો ઉમટી પડ્યા હતા. આખો હૉલ ખીચોખીચ ભરાતા લોકોને બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. પૂર્વ પાલિકા પ્રમુખ વજીરખાન પઠાણે સભાના પ્રમુખ માટે પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ હરેશભાઈ ચૌધરીની દરખાસ્ત કરી હતી. જેને પૂર્વ પાલિકા પ્રમુખ ગણપતભાઈ પરમાર, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ દેસાઈ વિગેરેએ ટેકો આપ્યો હતો. સંમેલનનો હેતુ સમજાવી તેની રૂપરેખા પ્રો.સુરેશભાઈ પાલડીવાળાએ આપી હતી અને સંમેલનને સ્વર્ગ બનાવવા જણાવ્યુ હતુ.
આ એકતા સંમેલનમાં સંબોધન કરતા વજીરખાન પઠાણે જણાવ્યુ હતુકે છેલ્લા ઘણા સમયથી એકતા સંમેલન યોજવાનુ સર્વે નાના સમાજો ઈચ્છતા હતા, જે આજે પરિપુર્ણ થયુ છે. હવે પછી મોટા પાયે સંમેલન યોજવાનુ સુચન કરી તેનો તમામ ખર્ચ પોતે આપશે તેવી જાહેરાત કરી હતી. આ એકતા સંમેલનને તેમના સમાજનો ટેકો છે. આ સમાજોને ગૌરવ અપાવવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. વજીરખાન પઠાણે વધુમાં જણાવ્યુ હતું કે, એકતા સંમેલન માટે વર્ષોથી સ્વપ્ન હતું ત્યારે તે સાકાર કરવા બદલ જીવણભાઈ દેસાઈ, હરેશભાઈ ચૌધરી, ગણપતભાઈ પરમાર, બળવંતસિંહ ઠાકોર વિગેરે કાર્યકરો આગેવાનોને અભિનંદન પાઠવુ છુ. ગણપતભાઈ પરમારે તેમના વક્તવ્યમાં આ સંગઠનમાં ગામેગામના યુવાનો જોડાય અને સંગઠન પ્રત્યે જાગૃતિ લાવવા સમગ્ર તાલુકામાં અભિયાન ચલાવવા જણાવ્યુ હતુ. જીવણભાઈ દેસાઈએ ગામેગામ દરેક બુથે સભ્ય નોંધી વધુ આ સંગઠનને અસરકારક બનાવવા તેમજ હવે પછી ૧૦ થી ૧૫ હજાર વિવિધ નાના સમાજોના લોકોને બોલાવી મોટુ સંમેલન યોજવા જાહેરાત કરી હતી. જેમણે જણાવ્યુ હતુ કે, આ બધા સમાજો વિકાસમાં પાછળ ન રહી જાય તે માટે આગામી રણનિતિ તૈયાર કરવાની છે.
પ્રાસંગીક પ્રવચનમાં એન.સી.મહેતા, રામજીભાઈ દેસાઈ-ડેલીગેટ, વિજયભાઈ પ્રજાપતિ, સિધ્ધરાજસિંહ ચાવડા, બકાજી ઠાકોર, હિંમતસિંહ ઠાકોર, બળવંતસિંહ ઠાકોર, હરેશભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ ચૌધરી સરપંચ, વિઠ્ઠલભાઈ ચૌધરી, ધરમસિંહભાઈ દેસાઈ વિગેરે આગેવાનોએ પોતાના વક્તવ્યમાં એકજ વાત ઉપર ભાર મુક્યો હતો કે, હવે નાના સમાજો જાગૃત થયા છે અને પોતાની સતત અવગણના તથા અપમાનો સહન કરી એક થયા છે. આ સમાજોને સર્વક્ષેત્રે માન સન્માન અપાવવા અને સામાજીક, રાજકીય, સહકારી તેમજ અન્ય તમામ ક્ષેત્રે આગળ લાવવા એકતા સંમેલનનો હેતુ છે. આવનારી વિધાનસભાની ૨૦૧૭ ની ચુંટણીમાં પક્ષ આ કોઈપણ સમાજમાંથી કોઈને ટીકીટ આપશે તો, કોઈપણ સ્વાર્થ, અપેક્ષા અને ખેચતાણ વગર આ એકતા સંમેલન જીતાડવાની જવાબદારી લેશે. આ સમાજોની પક્ષ અવગણના કરશે તો, આ સમાજોમાંથી પક્ષ સીવાય ઉભા રહેલા કોઈપણ ઉમેદવારને વિજયી બનાવી સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાય તેવુ મજબૂત સંગઠન કાર્ય મા અંબાની સાક્ષીએ કરવાનુ છે. શહેર અને તાલુકામાં થઈ કુલ એક લાખ નેવુ હજાર મતોમાંથી એક લાખ છત્રીસ હજાર મતોની છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષથી અવગણના થાય છે તે હવે સાખી લેવામાં આવશે નહી. તમામ સમાજોએ મા અંબાની સાક્ષીએ અને મા અંબાના આશિર્વાદથી સંગઠીત થઈને નવસર્જન સંગઠન ઉભુ કર્યુ છે.
આ નાના સમાજોના સંગઠનનો મજબુત પાયો નંખાઈ ચુક્યો છે. ત્યારે હવે પછી બધાજ સમાજના તમામ આગેવાનો કાર્યકરોને બોલાવી રાજકીય પક્ષો નોંધ લે તેવુ વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરી સંમેલનના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આપણે સંગઠીત થયા છીએ તે કોઈ સમાજનો કે વ્યક્તિનો વિરોધ કરવા નહી પરંતુ એકત્રીત થયેલા બધાજ નાના સમાજોનો શૈક્ષણિક, આરોગ્ય, સામાજીક, વ્યવસાયીક, આર્થિક તેમજ રોજગાર ક્ષેત્રે વિકાસ થાય તેમજ સ્વમાનભેર જીવી શકે તથા આવનારી ભાવિ પેઢીની કારકિર્દિ ઉજ્જવળ બને તે માટે છે. જેના માટે તમામ સમાજોએ એકતા સાધવાની છે. ગામેગામ, મહોલ્લે મહોલ્લે આ બધાજ સમાજોને મળી તેની કમિટી બનાવવાની છે. આ એકતાના ભગીરથ કાર્યમાં જોડાઈ યુવાનો વિશેષ જવાબદારી ઉપાડી લે. આ સમાજોને સ્વમાન અને ગૌરવભેર જીવવા રાજકીય ક્ષેત્રે પણ પરિણામલક્ષી એકતા બતાવવાની છે. વિભાજીત બધાજ સમાજો જાગૃત થઈ એકતાનો નિર્ણય આજે મા અંબાની સાક્ષીએ કર્યો છે તે માટે તમામ સમાજો અભિનંદનને પાત્ર છે. એક સારા આશયથી થયેલી એકતાને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. કોઈની વાતો કે અફવાઓમાં આવ્યા વગર નવસર્જન સંગઠન કામ કરશે.
આવેલ સર્વ સમાજોનો સુર હતો કે, વિસનગર શહેર અને તાલુકા બહારના, બહાર કાયમ રહેતા હોય અને ચુંટણી સમયે વિસનગરમાં મહત્વકાંક્ષા પુરી કરવા આવી જતા લોકોને કોઈપણ ભોગે સ્વિકારવાના નથી. આ વખતે પક્ષો આવા લોકોને ટીકીટ આપી દેશે તો ભોગવવાનો વારો આવશે. સંમેલનમાં હાજર તમામ સમાજોએ જરૂર પડે વારા પધ્ધતિ પણ અપનાવવાનો નિર્ણય લીધો છે. તમામ સમાજોની સેનાના યુવાનોએ એકતા સંમેલનને સંપુર્ણ ટેકો આપવાનો સુર વ્યક્ત કર્યો હતો. એકત્રીત થયેલા તમામ સમાજોમાં જો કોઈપણ વ્યક્તિ રોડા નાખવાનો પ્રયત્ન કરશે તો તેવી વ્યક્તિ કે આગેવાનને બાજુએ મુકી દેવાનો પણ નિર્ણય કરાયો છે. એકતા સંમેલનમાં વિસનગર શહેર તાલુકાના ગામેગામના સરપંચો, ડેલીગેટો, સમાજના પ્રમુખો, સમાજના આગેવાનો, સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ, હોદ્દેદારો, સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો તમામે હાજરી આપી ભેદભાવ અને મનદુઃખ ભુલી પોતાના સમાજોને સન્માન અપાવવા એકતાના મક્કમ દર્શન કરાવ્યા હતા. આ સંમેલનથી નવસર્જન થયેલ સંગઠન આવનાર સમયમાં રાજકારણમાં નવા સમીકરણો સર્જશે તેમ જણાય છે.

Leave a Reply

Top