You are here
Home > News > તાલુકા પંચાયતમાંથી વિકાસ કામોના બીલ મંજુર ન થતા કમાણા સરપંચની ભાજપ અગ્રણી જશુભાઈ સમક્ષ રજુઆત

તાલુકા પંચાયતમાંથી વિકાસ કામોના બીલ મંજુર ન થતા કમાણા સરપંચની ભાજપ અગ્રણી જશુભાઈ સમક્ષ રજુઆત

તાલુકા પંચાયતમાંથી વિકાસ કામોના બીલ મંજુર ન થતા
કમાણા સરપંચની ભાજપ અગ્રણી જશુભાઈ સમક્ષ રજુઆત

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કમાણા ગામના મહિલા સરપંચ દ્વારા સરકારી યોજનામાં ગામમાં કરવામાં આવેલ વિકાસ કામોના ઘણા સમયથી તાલુકા પંચાયતના બે કર્મચારી દ્વારા બીલો મંજૂર કરવામાં નહી આવતા મહિલા સરપંચે ટીડીઓ અને ધારાસભ્યને રજુઆત કરી હતી. જેમાં ન્યાય નહી મળતા છેવટે મહિલા સરપંચે ન્યાય અપાવવા માટે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને લેખીત રજુઆત કરી હતી. ત્યારે જશુભાઈએ ગત ગુરુવારે તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લઈ વિકાસ કામોની તપાસ કરી મહિલા સરપંચે કરેલ વિકાસ કામોના બિલ ઝડપી મંજૂર કરવા જણાવ્યુ છે. આ સાથે જશુભાઈ પટેલ તાલુકા પંચાયતના બન્ને કર્મચારીથી સરપંચોને થતી હેરાનગતી દૂર કરવા સરકારમાં રજુઆત કરવાના છે.
વિસનગર તાલુકાના કમાણા ગામના મહિલા સરપંચ અનિતાબેન પટેલે સરકારની વિવિધ યોજનામાંથી ગામમાં સી.સી.રોડ તથા સંરક્ષણ દિવાલનુ કામ કરાવ્યુ હતુ. પરંતુ તાલુકા પંચાયતના પાતાળકુવા શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર તથા વિકાસ શાખાના અ.મ.ઈ.દ્વારા વિકાસ કામના બીલો મંજૂર કરવામાં ઘણા સમયથી ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. ત્યારે મહિલા સરપંચે વિકાસ કામના બીલો મંજૂર કરાવવા માટે તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરી હતી. જેમાં કોઈ કારણોસર મહિલા સરપંચને ન્યાય ન મળતા છેવટે તેમને ન્યાય અપાવવા ભાજપના પાયાના કાર્યકર અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને તાલુકા પંચાયતના પાતાળકુવા શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર એ.એમ.દાદુ તથા વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ દ્વારા વિકાસ કામના બીલો મંજૂર કરવા માટે થતી હેરાનગતી બાબતે રજુઆત કરી હતી. ત્યારે જશુભાઈએ મહિલા સરપંચની રજુઆતને ધ્યાને લઈને ગત ગુરુવારે તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરીની મુલાકાત લઈ કમાણા ગામના વિકાસ કામોના બિલ મંજુર કરવા બાબતે ચર્ચા કરી હતી. જેમાં ટીડીઓએ કમાણાના વિકાસ કામમાં ગામના બબલદાસ પટેલ દ્વારા વિકાસ કામના બિલ નામંજુર કરવા વાંધા અરજી આવી હોવાથી તેની તપાસ પાતાળકુવા શાખાના ના.કાર્યપાલક ઈજનેર એ.એમ.દાદુને તપાસ સોંપવામાં આવી છે. પરંતુ નાયબ કાર્યપાલક ઈજનેર એ.એમ.દાદુ તપાસ કરવામાં ઢીલી નિતી અપનાવી રહ્યા હોવાથી મહિલા સરપંચ અનિતાબેન પટેલ દ્વારા થયેલ વિકાસ કામનુ બિલ મંજૂર થતુ નથી. વધુમાં નાયબ કાર્યપાલક ઈજનેર એ.એમ.દાદુ તથા વિકાસ શાખાના અ.મ.ઈ.વિકાસ કામોની ટકાવારી લેવા માટે સરપંચોના બીલો મંજુર કરવા ખોટી હેરાનગતી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા હતી. જશુભાઈ પટેલ ભાજપના પાયાના સિનિયર કાર્યકર હોવાથી તેઓ રાજ્યના કેબીનેટ મંત્રીઓનો સીધો સંપર્ક ધરાવે છે. જેથી તેઓએ તાલુકા પંચાયતના આ બન્ને કર્મચારીના વર્તનથી આવનારી ચુંટણીમાં પાર્ટીને મોટુ નુકશાન થશે તેવુ લાગતા આ બન્ને કર્મચારી સામે કડક પગલા ભરવા સરકારમાં રજુઆત કરવાના છે. જોકે તાલુકા પંચાયતના આ બન્ને કર્મચારીથી તાલુકાના મોટાભાગના સરપંચો હેરાન પરેશાન થઈ ગયા છે. જેમાં વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલનો ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાથે નજીકના સબંધ હોવાથી તેના વિરુધ્ધ કોઈ સરપંચ રજુઆત કરતા નથી. પરંતુ આવનારી ચુંટણીમાં આ બન્ને કર્મચારીના વર્તનથી ભાજપને નુકશાન ભોગવવાનો વારો આવે તો કંઈ નવાઈ નહી? અત્યારે તો જશુભાઈએ કરોડો રૂપિયાના વિકાસ કામો કરતી ભાજપ સરકારની ખરડાતી છબી બચાવવા માટે સરકારી કર્મચારીઓથી લોકોને પડતી મુશ્કેલી દુર કરવા તાલુકા પંચાયત નજીક આવેલ કાંસા પીપલ્સ કો.ઓ.ક્રેડીટ સોસાયટીમાં પોતાનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
અત્રે નોંધપાત્ર બાબત છેકે વિસનગર તાલુકામાં સરકારી ગ્રાન્ટમાંથી થતા વિકાસ કામોમાં બીલની ટકાવારી લેવા માટે પોતાના લાગતા વળગતા લોકો પાસે વાંધા અરજી કરાવી સરપંચોના નાક દબાવતા હોવાનુ ચર્ચાય છે. જોકે આ ચર્ચા સાચી હોય તો તાલુકાના જાગૃત નાગરિકો અને સરપંચોએ આવા કર્મચારીને ફરજના પાઠ ભણાવવા જોઈએ.

Leave a Reply

Top