You are here
Home > News > મહેસાણા-અંબાજી આબુરોડ રેલ લાઈન માટે માગ્યા કરતાં વધુ આપનાર નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરવાનું ભાજપ અગ્રણીઓ ચુક્યા

મહેસાણા-અંબાજી આબુરોડ રેલ લાઈન માટે માગ્યા કરતાં વધુ આપનાર નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરવાનું ભાજપ અગ્રણીઓ ચુક્યા

મહેસાણા-અંબાજી આબુરોડ રેલ લાઈન માટે માગ્યા કરતાં વધુ આપનાર
નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરવાનું ભાજપ અગ્રણીઓ ચુક્યા

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
ભારત આઝાદ થયું તે પહેલાંની વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા પંથકની માંગણી હતી કે, મહેસાણા અંબાજી સુધી જૂના સર્વ થયા પ્રમાણે રેલલાઈન નંખાય. આઝાદીના સાત દાયકા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધારણા કરતાં વધારે આપ્યું હોવા છતાંય તેમનું અભિવાદન કરવાનું કેટલાક ભાજપી અગ્રણીઓ ચુકી ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ગુજરાત પંથકની માંગણી હતી કે, મહેસાણા તારંગા રેલ લાઈન ગેજ પરિવર્તન કરાય તો ટ્રેન ચાલુ રહે. ટ્રેનની મુસાફરી ઘણી સસ્તી છે. તે માટે રેલ પેસેન્જર એસોસીએશન લડત આપી રહ્યુ હતુ. કોંગ્રેસના શાસનકાળમાં કોંગ્રેસી અગ્રણીઓ રસીકભાઈ દવે, બાબુભાઈ વાસણવાળા જેવા કાર્યકરોએ લાંબા સમય સુધી માંગણી માટે મહેસાણામાં રેલરોકો, પ્રતિક ઉપવાસ જેવા કડક કાર્યક્રમો આપ્યા છતાં કોઈ પરિણામ મળ્યુ નહતુ. કોંગ્રેસી સાંસદ જીવાભાઈ પટેલે થોડીક કાર્યવાહી રેલ કાર્યાલય પાસે કરાવી હતી પણ તેનું પરિણામ મળ્યુ નહતુ. ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ રેલ બજેટમાં મહેસાણા-તારંગા રેલ લાઈન માટે કોઈ જોગવાઈ ન થતાં પાછળથી થોડી જોગવાઈ થતાં આ વિસ્તારના લોકોમાં હતાશા ફેલાઈ હતી કે નરેન્દ્રભાઈ મોદી જો ન કરે તો આ રેલલાઈન કદી બનવાની નથી. બીજુ રેલ બજેટ આવ્યુ તેમાં ફક્ત નવીન રેલ લાઈનો માટે નાણાંની જોગવાઈ કરી હતી. મહેસાણા તારંગા માટે કોઈ અલાયદી જાહેરાત કરાઈ નહતી. બજેટ બાદ અચાનક એક દિવસ સમાચાર મળ્યા કે મહેસાણા-તારંગા ગેજ પરિવર્તન ઉપરાંત અંબાજી આબુરોડ સુધી રેલલાઈન માટે ૧૬૦૦ કરોડ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે. સમાચાર સાંભળી પંથકમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી. પણ જે ભાજપી નેતાઓ તેમના દસ મીનીટના વક્તવ્યમાં પચાસ વાર નરેન્દ્રભાઈ મોદીનું નામ લે છે તેવા નેતાઓ તરફથી નરેન્દ્રભાઈ મોદીને અભિવાદન આપતા કોઈ કાર્યક્રમો કરવામાં ના આવ્યા. તેમના માદરે વતન વડનગરમાં પૂર્વ પાલિકા પ્રમુખ સુનીલદત્ત મહેતા દ્વારા અભિવાદન કાર્યક્રમ કરાયો. રેલ એસોસીએશન દ્વારા થોડા દિવસો પછી મીટીંગ બોલાવી નરેન્દ્રભાઈ મોદી, સાંસદ જયશ્રીબેન પટેલ, રેલમંત્રી રમેશ પ્રભુ, વી.વી.રાવલ અને સોમાભાઈ મોદીનો આભાર માનતો ઠરાવ કરી મોકલી અપાયો. અને તેમનો આનંદ અખબારોના માધ્યમથી દર્શાવાયો. નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતનનુ ઋણ અદા કરવા એટલુ મોટું ભગીરથ કાર્ય કર્યુ છેકેે જો નરેન્દ્રભાઈ મોદી પી.એમ. ન હોત તો કદી મહેસાણા-અંબાજી રેલલાઈન બનત નહિ. છતાં વિસનગર, ખેરાલુ, પાટણ મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા કોઈ અભિવાદન કાર્યક્રમ કરાયો ન હતો. જો કોઈ ભાજપના નેતા દ્વારા એક રોડ મંજૂર કરાય તો તેનો અભિવાદન કાર્યક્રમ કરાય અને લાખ્ખો રૂપિયા ખર્ચી અખબારના પાને જાહેરાત અપાય છે. જ્યાર નરેન્દ્રભાઈ મોદી માટે કોઈપણ ભાજપી નેતાઓએ અભિવાદન કાર્યક્રમ તો ન કર્યા પણ અખબારમાં અભિનંદનની જાહેરાત આપવાનુ પણ યાદ કર્યુ નહિ. ફક્ત જૂના ભાજપના કાર્યકર પૂર્વ જીલ્લા પ્રમુખ જસુભાઈ પટેલે અભિવાદન કાર્યક્રમ યોજી અખબારોમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ સંગઠન દ્વારા ભાજપી અગ્રણીઓને સૂચના અપાય તો દબાયે ચંપાયે કાર્યક્રમો કરવા પડે છે. નરેન્દ્રભાઈ મોદી માટે ભાજપ સંગઠન સૂચના ન આપી શકે પણ ભાજપના અગ્રણીઓ જે ભાજપના નામે તરી ગયા છે એવા નેતાઓને નરેન્દ્રભાઈ મોદીનો અભિવાદન કરવાનો સમય ન મળ્યો તે દુઃખની વાત છે. કેટલાક નેતાઓ સહકારી સંસ્થાઓના અગ્રણી છે તેમના ઘરનું કોઈ ખર્ચ કરવાનો નહતો છતાં તેમણે અભિવાદન કાર્યક્રમ કરવાનું ટાળ્યું તે તેમની માનસિકતા બતાવે છે.

Leave a Reply

Top