You are here
Home > News > બિભત્સ વર્તન અને નિષ્ક્રીય કામગીરીના મુદ્દે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી કર્મચારીઓની બદલી કરવા સરપંચોની રજુઆત

બિભત્સ વર્તન અને નિષ્ક્રીય કામગીરીના મુદ્દે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી કર્મચારીઓની બદલી કરવા સરપંચોની રજુઆત

બિભત્સ વર્તન અને નિષ્ક્રીય કામગીરીના મુદ્દે

તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી કર્મચારીઓની બદલી કરવા સરપંચોની રજુઆત

(પ્ર.ન્યુ.સ.)   વિસનગર,રવિવાર

વિસનગર તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલના બિભત્સ વર્તન અને નિષ્ક્રીય કામગીરીથી વિકાસ કામો કરતા સરપંચો ત્રાસી ગયા છે. આ બાબતની ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને જાણ હોવા છતાં તેઓ સરપંચોની હેરાનગતી દુર કરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકાના સરપંચો એસો.ના હોદ્દેદારો અને જીલ્લા ડેલીગેટોએ ગત સોમવારે વિવાદાસ્પદ વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ અને ભ્રષ્ટાચારી કર્મચારીઓની બદલી કરવા જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ વિકાસ શાખાના અ.મ.ઈ.ની સજારૂપ બદલી કરવાની ખાત્રી આપી છે. આ ઉપરાંત સરપંચ એસો.ના પ્રમુખે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી કર્મચારીઓની બદલી કરાવવા રજુઆત કરી છે.

વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી તાલુકાના દરેક ગામોનો અદ્‌ભૂત વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. પરંતુ તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ. ઓજસ પટેલના બિભત્સ વર્તન અને નિષ્ક્રિય કામગીરીથી ઘણા સમયથી સરપંચો ત્રાસી ગયા છે અને તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ બાબતની ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીને જાણ હોવા છતાં તેઓ સરપંચોને થતી હેરાનગતી દુર કરવા અ.મ.ઈ.ની બદલી કરવા કોઈ પગલા ભરતા નથી. જ્યારે બીજી બાજુ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ તાલુકાના સરપંચોનો વિશ્વાસ જીતવા પોતાનો સહયોગ આપવાની વાતો કરે છે. જો ધારાસભ્ય તાલુકાનો સર્વાંગી વિકાસ કરવા માગતા હોય તો લોકો સાથે બિભત્સ વર્તન કરી તાલુકાનો વિકાસ રૂંધતા અ.મ.ઈ.ની બદલી કેમ કરાવતા નથી? શું ધારાસભ્ય ઋષિકેશભાઈનુ સરકારમાં કંઈ ઉપજતુ નથી? જેવા અનેક સવાલો સરપંચો કરી રહ્યા છે. ત્યારે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ કોઈપણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર તાલુકાનો વિકાસ કરવા વિવાદાસ્પદ અ.મ.ઈ.સામે કડક પગલા ભરવા જીલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગાને રજુઆત કરી સરપંચોને ન્યાય આપવો જોઈએ. હાલમાં તો દરેક ગામમાં વિકાસ કામો આગળ ધપાવવા માટે વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલ, ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોર, સરપંચ એસો.ના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી (દઢિયાળ), મંત્રી ભીખાલાલ પટેલ(ઘાઘરેટ), ભરતભાઈ ચૌધરી(રાવળાપુરા), અનિતાબેન પટેલ(કમાણા), જયદિપસિંહ ઠાકોર (પુદગામ), સહીતના સરપંચો, જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, જીલ્લા ડેલીગેટ હસમુખભાઈ ચૌધરી, શિલાબેન પટેલ, તથા મહેશભાઈ પટેલે ગત સોમવારે મહેસાણા ખાતે જીલ્લા વિકાસ અધિકારી એસ.કે. લાંગાને લેખિત અને મૌખિક રજુઆતો કરી વિવાદાસ્પદ વિકાસ શાખાના અ.મ.ઈ.ની બદલી કરવાની માગણી કરી છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ તમામ રજુઆત કર્તાઓને ધ્યાને રાખીને અ.મ.ઈ.ના બિભત્સ વર્તન અને નિષ્ક્રીય કામગીરીનો રીપોર્ટ કરવા ટીડીઓ વિજયભાઈ ચૌધરીને સુચના આપી હતી. અને ટીડીઓના રીપોર્ટના આધારે અ.મ.ઈ.ની સજારૂપ બદલી કરવાની ખાત્રી આપી હતી.જોકે થોડા દિવસ પહેલા કમાણા સરપંચ અનિતાબેન પટેલે કાંસાના વતની અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને લેખીત રજુઆત કરી અ.મ.ઈ. ઓજસ પટેલ તથા પાતાળકુવા શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર એ.એમ.દાદુ દ્વારા બીલો મંજુર કરવા માટે થતી હેરાનગતીમાં ન્યાય અપાવવા માગણી કરી હતી.

અત્રે નોંધપાત્ર બાબત છેકે, મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીના આદેશથી વિસનગર તાલુકા પંચાયતના આઈ.આર.ડી.શાખાના અ.મ.ઈ. મનસુખભાઈ પટેલની ગત શનિવારે અચાનક મહેસાણા પંચાયત ખાતે બદલી કરી તેમની જગ્યાએ નાણાંપંચના કામોમાં એમ.બી. લખવાનો અધિકાર ન હોય તેવા ખેરાલુ તાલુકા પંચાયતના એમ.બી.પટેલની નિમણુંક કરવામાં આવતા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સરપંચોમાં ભારે રોષ પેદા થયો હતો. ત્યારે ગત સોમવારે તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતના ડેલીગેટો અને સરપંચ એસો.ના હોદ્દેદારોએ આઈ.આર.ડી.શાખાના નિષ્ઠાવાન અ.મ.ઈ.મનસુખભાઈ એ.પટેલની બદલી અટકાવવા ડીડીઓ લાંગા સમક્ષ રજુઆત કરી હતી. આ ઉપરાંત સરપંચ એસો.ના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીએ ભાજપના કેબીનેટ મંત્રીઓ સાથે સીધો સંપર્ક ધરાવતા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલની મુલાકાત લઈ નિષ્ઠાવાન અ.મ.ઈ. મનસુખભાઈ પટેલની બદલી અટકાવવા તથા વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ સહીત ભ્રષ્ટાચારી કર્મચારીની બદલી કરાવવા રજુઆત કરી હતી. જેમાં જશુભાઈએ ડીડીઓ લાંગાને ફોન કરી તાલુકાના વિકાસ કામો પુરા કરવા આઈ.આર.ડી. શાખાના અ.મ.ઈ. મનસુખભાઈ પટેલની બદલી અટકાવવા ભલામણ કરી હતી. હવે આગામી સમયમાં વિવાદાસ્પદ અ.મ.ઈ. ઓજસ પટેલની બદલી ક્યારે થાય છે તેની સરપંચો રાહ જોઈને બેઠા છે.

Leave a Reply

Top