ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ

ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ

News No Comments on ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ

ચીફ ઓફીસર તથા શપથ લેનાર ગઠબંધનના સભ્યોની નિષ્ક્રીયતાથી
વિસનગર પાલિકાના વર્ષોથી પડી રહેલા ભંગારમાં કૌભાંડ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યોએ ચુંટણી સમયે ભલે શપથ લીધા હોય કે અમે ભ્રષ્ટાચાર કરીશુ નહી અને કરવા દઈશુ નહી. પરંતુ પાલિકામાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો થતા હોય છે તે થયેજ રાખે છે. તેને કોઈ રોકી શકતુ નથી. તેની પાછળ ચીફ ઓફીસર અને સભ્યોની નિષ્ક્રીયતા જવાબદાર છે. વિસનગર પાલિકાનો વર્ષોથી ભંગાર પડી રહ્યો છે. તેનો નિકાલ કોઈ કરતુ નથી અને આ ભંગાર સમયાંત્તરે પગ કરી રહ્યો છે. વારંવાર ભંગાર ચોરાય છે તેમ છતા ચીફ ઓફીસર હાથ ઉપર હાથ ધરી ભંગારમાં થતા કૌભાંડનો તમાશો જોઈ રહ્યા છે. ભંગારની હરાજી કેમ નથી કરતા તે શંકા ઉપજાવતો પ્રશ્ન છે.
વિસનગર પાલિકાના લાલ દરવાજા વૉટરવર્કસ તથા ફાયર સ્ટેશનમાં પાલિકાના વૉટર વર્કસ , સ્વચ્છતા અનેે બાંધકામ વિભાગનો ભંગાર વર્ષોથી પડી રહ્યો છે. આ ભંગાર બાબતે કેટલાક કર્મચારી જણાવી રહ્યા છેકે અમે પાલિકામાં નોકરી ચડ્યા ત્યારનો જોઈ રહ્યા છે. ૨૦ થી ૨૫ વર્ષ જુનો ભંગાર હોવાનુ કહેવાય છે. લાલ દરવાજા વૉટર વર્કસમાં બીડના ગટરના ઢાંકણા, જાહેર શૌભાલયના લાકડાના બારણા, લોખંડની પાઈપો, વાલ, સબમર્શીબલ પંપ, ટ્યુબલાઈટના ફીક્ચર્સ, ટ્યુબવેલના ઢગલો કેબલ, લોખંડની જાળી, જાપા વિગેરે ભંગાર પડ્યો છે. જ્યારે ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશનમાં ટ્રેક્ટરની ટ્રોલીઓ, લોખંડની પાઈપો, સ્વચ્છતા કર્મચારીની હાથલારીઓ, પ્લાસ્ટીકની પાઈપો, ટ્રેક્ટર વિગેરે હજ્જારો મણ વજનનો ભંગાર પડ્યો છે. નવાઈની બાબત તો એ છેકે લાખ્ખો રૂપિયાનો ભંગાર પડ્યો છે પરંતુ તેની ડેડ સ્ટોક રજીસ્ટરમાં કોઈ નોંધ નથી. કેટલા વજનનો ભંગાર સ્ટોકમાં છે તેની કોઈ માહિતી નથી. પટણી દરવાજા સર્વે નં.૩૦૫ માં પણ ભંગાર પડ્યો છે. ત્યારે તેની કોઈ નોંધ નથી.
વિસનગર પાલિકાના આ ભંગારની વારંવાર ચોરી થાય છે. ગત વર્ષ હજ્જારો રૂપિયાનો કેબલ ચોરાયો હતો. ત્યારે કેબલ ચોરીની ફરીયાદમાં ઓછી કિંમતનો કેબલ ચોરાયાનો ગુનો નોંધાયો હતો. આવો તો અનેક વખત ભંગાર ચોરાયો છે પરંતુ પોલીસ સ્ટેશન સુધી ચોરીનો બનાવ પહોચ્યો નથી અને અંદરોઅંદર ભાગ બટાઈ થઈ જાય છે. ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશનમાં ટ્રેક્ટર અને તેની ટ્રોલીઓ ભંગારમાં પડી છે. વર્ષો જૂના વાહનો પડી રહ્યા હોય તો ટાયર દબાઈ ગયેલી હાલતમાં વાહનો હોય ત્યારે ટ્રેક્ટર અને તેની ટ્રોલીઓના ટાયર નથી. વ્હીલ પ્લેટો નથી વ્હીલના ડ્રમ પણ દેેખાતા નથી. લોખંડ અને સીમેન્ટની પાઈપોના આધારે ટ્રોલીઓ અને ટ્રેક્ટરો ઉભા રાખવામાં આવ્યા છે. આ ટ્રેક્ટર અને ટ્રોલીના ટાયરો, વ્હીલ પ્લેટો, ડ્રમ વિગેરે ક્યા અને ક્યારે ગુમ થયા તેની કોઈ માહિતી નથી. પાલિકા દ્વારા થતા બાંધકામમાં શૌચાલયના લાકડાના બારણા સેન્ટીંગના ઉપયોગમાં બહાર જાય છે પરંતુ પાછા આવતા નથી. આવો તો લાખ્ખો રૂપિયાનો ભંગાર ગુમ થઈ ગયો છે. પાલિકા કર્મચારીઓની અંદરોઅંદરની ચર્ચાથી જાણવા મળ્યા પ્રમાણે ભંગાર વેચીને વ્યવહારો સાચવીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય છેકે ભંગાર વેચીને કોને સાચવવામાં આવે છે?
ભંગાર વેચવા માટે ગઠબંધનના શાસનમાં બે વખત હરાજી ગોઠવાઈ પરંતુ દરેક હરાજીમાં ભંગારના વેપારીઓએ રીગ કરી નાખી છે. ભંગારની કિંમત જોઈએ તેટલી ઉપજતી નથી તેમ કહી સભ્યો હરાજી મુલત્વી રાખે છે. હરાજી મુલત્વી રાખવાનુ કહેનાર સભ્યો પણ શંકાના દાયરામાં છે. વર્ષોથી પડી રહેલો ભંગાર ચોરાય તે ચાલે છે પરંતુ ભંગારના વેપારીઓ હરાજી કરી ભંગારની ખરીદી કરે અને તેમાંય પાલિકાની આવક થાય તે ચલાવી લેવામાં આવતુ નથી. કોના લાભમાં વારંવાર હરાજી મુલત્વી રાખવામાં આવે છે? ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ તથા ગઠબંધનના સભ્યો હાથ ઉપર હાથ ધરી ભંગારની ચોરીનો તમાશો જોયે રાખે છે પરંતુ ભંગારનો યોગ્ય નિકાલ થાય અને પાલિકાને આવક થાય તે માટે કોઈ કાર્યવાહી કરતા નથી. પાલિકા કર્મચારીઓ, ચીફ ઓફીસર અને ગઠબંધનના સભ્યો સુફીયાણી વાતો કરે છેકે પાલિકાનુ ખાધેલુ કોઈને પચતુ નથી. ત્યારે સુફીયાણી વાતો કરતા આ લોકો ભંગારમાં થતુ કૌભાંડ કેમ જોઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર કરે નહી, પરંતુ ભ્રષ્ટાચાર અને કૌભાંડ દેખે છે અને તેને રોકતા નથી તે પણ એટલાજ દોષીત છે.

Leave a comment

Back to Top