યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો

News No Comments on યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,     રવિવાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી નાથ સંપ્રદાયના ગોરક્ષપીઠના પીઠાધિશ્વર યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં ઉભરી આવ્યા છે. વિસનગર પંથકના લોકોને એ વાતની ખબર નહી હોય કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિસનગર સાથે વર્ષોથી નાતો હતો. જેઓ વિસનગર રામાપીર મંદિરના મહંત સ્વ.ગુલાબનાથજી મહારાજના ગુરૂભાઈ હતા. જેઓ વર્ષમાં બે-ત્રણ વખત વિસનગર આવતા હતા. યોગી આદિત્યનાથને ગુજરાત સાથે જોડતી કડી હોય તો તે છે માત્ર વિસનગર.
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશના પ્રાદેશીક પક્ષોને મ્હાત કરી ભગવો લહેરાવ્યા બાદ નાથ સંપ્રદાયના ગોરક્ષપીઠના પીઠાધીશ્વર સાંસદ યોગી આદિત્યનાથને યુ.પી.ના મુખ્યમંત્રી બનાવતા આજ સમગ્રદેશમાં યોગી આદિત્યનાથનુ નામ ગુંજતુ થયુ છે. પરંતુ વિસનગરમાં કડા દરવાજા રામાપીર મંદિર માટે યોગી આદિત્યનાથ નામ એ અજાણ્યુ નથી. રામાપીર મંદિરના નાથ સંપ્રદાયના સ્વ.ગુલાબનાથજી મહારાજ અને યુપીના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથ એ બન્ને ગુરૂભાઈ હતા. યોગી આદિત્યનાથ તેમના મોટા ગુરૂભાઈ ગુલાબનાથજીને મળવા વર્ષમાં બે ત્રણ વખત વિસનગર આવતા હતા. મહંત અવૈદ્યનાથજીના કારણે મહંત ગુલાબનાથજી અને યોગી આદિત્યનાથજી એકબીજાના નજીકમાં આવ્યા હતા. ગુલાબનાથજી અને યોગી આદિત્યનાથજી વચ્ચે ઉંમરમાં મોટો ફરક હતો. પરંતુ એતો સમગ્ર વિસનગર પંથક જાણે છેકે જે લોકો ગુલાબનાથજીના સંપર્કમાં આવ્યા તે ક્યારેય ગુલાબનાથજીને ભુલી શક્યા નથી. તેમનુ જ્ઞાન અને આવકાર આપતો સ્વભાવથી ગુરૂભક્તો ગુલાબનાથજીથી કાયમ આકર્ષિત રહેતા. આજ રીતે યોગી આદિત્યનાથનુ પણ તેમના મોટા ગુરૂ ભાઈ ગુલાબનાથજી સાથે આકર્ષણ રહેતુ અને વર્ષમાં બે થી ત્રણ વખત મળવા વિસનગર આવતા હતા.
રામાપીર મંદિરના પ્રમુખ શંકરનાથજીના જણાવ્યા પ્રમાણે ધાર્મિક કામમાં ગુલાબનાથજી અને આદિત્યનાથજી બન્ને સાથે જતા હતા. વારંવાર મળવાના કારણે સબંધ વધ્યો હતો. એકબીજા વગર રહી શકતા નહોતા. તા.૫-૧૨-૨૦૧૬ ને સોમવારના રોજ મહંત ગુલાબનાથજીની ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો ત્યારે યોગી આદિત્યનાથ તાત્કાલીક ઉત્તર પ્રદેશથી વિસનગર આવ્યા હતા. ગુલાબનાથજી મહારાજને ભંડારવાની તેમની અંતીમવિધિની તમામ જવાબદારી યોગી આદિત્યનાથે સંભાળી હતી. મોટા ગુરૂભાઈ ગુલાબનાથજી મહારાજના અવસાનથી યોગી આદિત્યનાથજી એટલા દુઃખી થયા હતા કે તેમણે ત્રણ દિવસ સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો. યોગી આદિત્યનાથજીને ભંડારવાની સમાધી આપવાની તમામ જવાબદારી ઉપાડી હતી.
વર્ષ-૨૦૧૪ માં લોકસભાની ચુંટણી આવતી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ષ ૨૦૧૩ માં પી.એમ.ના ઉમેદવાર જાહેર કર્યા હતા. જે અગાઉ બે વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૧ માં સમગ્ર દેશના સંત સમાજની બેઠક મળી હતી. જેમાં સંત સમાજે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે સ્વિકાર્યા હતા. સંત સમાજની આ બેઠકમાં નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન જાહેર કરવાના મહત્વના નિર્ણય પાછળ યોગી આદિત્યનાથ અને ગુલાબનાથજી મહારાજની મહત્વની ભૂમિકા હતી.

Leave a comment

Back to Top