You are here
Home > News > સંકલન સમીતીના માર્ગદર્શનમાં ગઠબંધનના સભ્યોએ અતુટ એકતા દર્શાવતા – વિસનગર પાલિકાના પ્રમુખ પદે કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ

સંકલન સમીતીના માર્ગદર્શનમાં ગઠબંધનના સભ્યોએ અતુટ એકતા દર્શાવતા – વિસનગર પાલિકાના પ્રમુખ પદે કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ

સંકલન સમીતીના માર્ગદર્શનમાં ગઠબંધનના સભ્યોએ અતુટ એકતા દર્શાવતા

વિસનગર પાલિકાના પ્રમુખ પદે કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ પદેથી પ્રજ્ઞાબેન પટેલે રાજીનામુ આપતાની સાથેજ બીજા સવા વર્ષ માટે પ્રમુખ કોણ તેની અટકળો શરૂ થઈ હતી. પ્રમુખની ચુંટણીમાં ખેચતાણ થશે, કેમ્પ થશે. હોર્સ ટ્રેડીંગ થશે તેવી અનેક ચર્ચાઓ અને શંકાઓ વચ્ચે સંકલન સમીતીના પીઢ આગેવાન સભ્યોની સમય સુચકતા અને માર્ગદર્શન વચ્ચે ગઠબંધનના તમામ સભ્યોએ એકતા બતાવતા વિસનગર પાલિકાના પ્રમુખની ચુંટણી માટેેની ખાસ સાધારણ સભામાં કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ બીનહરિફ ચુંટાયા હતા. ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરે શકુન્તલાબેન પટેલને પ્રમુખ તરીકે જાહેર કરતાજ ગઠબંધનના તમામ સભ્યોએ મતભેદ ભુલી શકુન્તલાબેન પટેલને અભિનંદન આપી ગઠબંધનની એકતા પાંચ વર્ષ સુધી અખંડ રહેશે તેમ સાબીત કરી બતાવ્યુ હતુ. વિધાનસભાની ચુંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં સફળ રહી. કોંગ્રેસે ભાજપના ગઢમાં મોટુ ગાબડુ પાડ્યુ છે.
વિસનગર પાલિકા પ્રમુખ પદેથી સવા વર્ષની ટર્મ પુરી થતા પ્રજ્ઞાબેન પટેલે ૧ લી માર્ચના રોજ કલેક્ટર સમક્ષ રાજીનામુ ધરી દીધુ હતુ. જે રાજીનામા સાથેજ પ્રમુખના મુખ્યત્વે બે દાવેદાર કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ અને નૈનાબેન પટેલમાંથી કોણ પ્રમુખ બનશે તેની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ હતી. કલેક્ટરે તા.૨૪-૩ ના રોજ પ્રમુખની ચુંટણીનુ જાહેરનામુ પડ્યા બાદ પ્રમુખની ચુંટણીની તારીખ નજીક આવતાજ પ્રમુખના દાવેદાર શકુન્તલાબેન પટેલ પાસે ૧૭ થી ૧૮ સભ્યો છે. તો ક્યારેક ચર્ચાઓ થતી હતી કે નૈનાબેન પટેલ પાસે બહુમતી સભ્યો છે. સર્વ સંમતીથી કોંગ્રેસમાંથી પ્રમુખનુ એક નામ સુચવવા સંકલન સમીતીએ કોંગ્રેસના ૧૨ સભ્યોને તક આપી હતી. પરંતુ બન્ને મહિલા સભ્યો પ્રથમ દાવેદાર અને જીતના આશાવાદી હોવાથી ચુંટણી નિશ્ચીત બની હતી.
પાલિકાના સભાગૃહમાં પ્રમુખના બન્ને દાવેદારો વચ્ચે સભ્યોની ખેચતાણ ન થાય અને ૨૦૧૬ જેવા વરવા દૃશ્યો ન સર્જાય તે માટે સંકલન સમીતીએ પ્રમુખની ચુંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. સેન્સ આપી અને હાથ ઉંચા કરી જાહેરમાં મત આપી કોઈની નજરમાં આવવુ એના કરતા પ્રમુખની પસંદગી માટે ગુપ્ત મતદાન થાય તે સંકલન સમીતીનો નિર્ણય ગઠબંધનના તમામ સભ્યોએ આવકાર્યો હતો. પ્રમુખની સત્તાવાર ચુંટણી ૨૪-૩ ના રોજ પાલિકાના સભાખંડમાં બપોરે ૧૨-૩૦ કલાકે હતી. પરંતુ સંકલન સમીતી દ્વારા પ્રમુખની ચુંટણી પ્રક્રિયા આગળના દિવસથી શરૂ થઈ હતી.
તા.૨૩-૩-૨૦૧૭ ને ગુરૂવારના રોજ કડા રોડ ઉપર આવેલ દર્શન હોટલમાં સંકલન સમીતી અને ગઠબંધનના ૨૯ સભ્યોની મીટીંગનુ આયોજન કરાયુ હતુ. બપોરે ૪-૦૦ કલાકે મીટીંગ હતી. જેમાં સંકલનના સભ્યો અને ૨૮ સભ્યો હાજર થઈ ગયા હતા. પરંતુ વોર્ડ નં.૧ ના સભ્ય રશ્મીનબેન બારોટ નહી આવતા અનેક તર્કવિતર્કો શરૂ થયા હતા. સંકલન સમીતીના સભ્યો અને ગઠબંધનના સભ્યો વચ્ચે કેટલીક ચોખવટો બાદ પ્રમુખની પસંદગી માટે ગુપ્ત મતદાન શરૂ થયુ હતુ. પ્રમુખના ઉમેદવાર શકુન્તલાબેન પટેલ અને નૈનાબેન પટેલના નામનુ બેલેટ બનાવાયુ હતુ. વોર્ડ વાઈઝ હાજર ૨૮ સભ્યોએ બેલેટ ઉપર સીક્કો મારી મતપેટીમાં મત નાખ્યો હતો. મતદાન બાદ મતપેટી સીલ કરી મત પેટી સાચવવા આર.કે.સેઈફ લોકર્સનો સ્ટોગરૂમ તરીકે ઉપયોગ કરાયો હતો. મતદાન બાદ કેટલાક સભ્યોનો આગ્રહ હતો કે તુર્તજ મતગણતરી કરવામાં આવે. પરંતુ સંકલન સમીતીની આ ખાનગી ચુંટણી અને સત્તાવાર ચુંટણી વચ્ચે એક રાત્રીનો સમય હોઈ પરિણામ જાહેર થયા બાદ ગમે તે પરિબળો કામ કરી શકે તેમ હોઈ મત ગણતરી કરવા પ્રમુખની સત્તાવાર ચુંટણીના એક કલાક પહેલાનો સમય નક્કી કરવામાં આવ્યો. દર્શન હોટલમાં પ્રમુખની ચુંટણી બાદ બન્ને પ્રમુખના દાવેદારો જીતનો દાવો કરતા જોવા મળ્યા હતા.
તા.૨૪-૩ ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે પાલિકાના સભાખંડમાં પ્રમુખની સત્તાવાર ચુંટણી હતી. ત્યારે સવારે ૧૦-૦૦ કલાકેથીજ સંકલન સમીતી ચુંટણીમાં કોને બહુમતી મળશે તેની સભ્યોમાં તાલાવેલી જોવા મળતી હતી. સવારે ૧૧-૦૦ કલાકે પાલિકા પ્રમુખની ઓફીસમાં સંકલન સમીતીના સભ્યો અને પાલિકા સભ્યોની હાજરીમાં સ્ટોગરૂમ આર.કે.સેઈફ લોકર્સમાંથી મતપેટી લાવવામાં આવી. મતપેટી ખોલી મતગણતરી થઈ. જેમાં શકુન્તલાબેન પટેલને ૧૬ મત મળ્યા જ્યારે નૈનાબેન પટેલને ૧૧ મત મળ્યા હતા. શહેરના વિકાસની જવાબદારી જેમને સોપવામાં આવી છે તેમાંથી એક સભ્યએ પ્રમુખના બન્ને દાવેદારોને મત આપ્યા હોવાથી એક મત રદ થયો. કદાચ આ સભ્યએ બન્ને પ્રમખુના દાવેદારો આગળ મત આપવાના સોગંધ લીધા હશે. રશ્મીનબેન બારોટ પ્રમુખની ચુંટણીના દિવસે પણ ગેરહાજર રહ્યા હતા. પ્રમુખપદ માટે શકુન્તલાબેન પટેલને બહુમતી મળતાજ પ્રમુખની ચેમ્બરમાં સભ્યોએ શકુન્તલાબેન પટેલને અભિનંદન આપ્યા હતા. જોકે આ પરિણામથી કેટલાકના મો પડી ગયા હોવાનુ જોવા મળતુ હતુ. પ્રમુખપદના બીજા દાવેદાર નૈનાબેન પટેલ અને તેમના પતિ રાજુભાઈ પટેલ રંગવાળાએ ખેલદીલી બતાવી શકુન્તલાબેનને અભિનંદન આપ્યા હતા. સભ્યોના આ નિર્ણયને સહર્ષ વધાવ્યો હતો. સંકલન સમીતી અને ગઠબંધનના સભ્યો વચ્ચેની સમજુતી પ્રમાણેની પ્રમુખની ચુંટણી થઈ ગઈ હતી, પરંતુ હજુ સત્તાવાર ચુંટણી બાકી હતી.
પાલિકા સભાખંડમાં પ્રમુખની ચુંટણી પ્રક્રિયા માટેનો સમય ૧૨-૩૦ કલાકનો હતો ત્યારે ૧૨-૧૫ કલાકે પાલિકાના તમામ સભ્યો સભાખંડમાં ગોઠવાઈ ગયા હતા. બરોબર ૧૨-૩૦ કલાકે ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની અધ્યક્ષતામાં અને ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ. ચુંટણી અધિકારીએ પ્રમુખના ઉમેદવારને ફોર્મ ભરવા આમંત્રણ આપતા શકુન્તલાબેન પટેલે પ્રમુખની ઉમેદવારી કરવા માટેનુ ફોર્મ લીધુ. આ દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે ચુંટણી અધિકારીને શકુન્તલાબેન પટેલના નામનુ કોંગ્રેસનુ મેન્ડેટ આપ્યુ. પ્રમુખના ઉમેદવારનુ શકુન્તલાબેન પટેલે ફોર્મ ભરતા તેમાં કુસુમબેન ત્રીવેદીએ દરખાસ્તમાં સહી કરી જ્યારે રંજનબેન દર્શનકુમાર પરમાર(જોલી)એ ટેકો આપ્યો. રંજનબેન પરમારે અગાઉ પ્રજ્ઞાબેન પટેલની પ્રમુખની ઉમેદવારીમાં પણ દરખાસ્ત કરી હતી. નોંધપાત્ર બાબત છેકે વર્ષ ૨૦૦૫ માં લાલાભાઈ રબારીએ પ્રમુખનુ ફોર્મ ભર્યુ ત્યારે રંજનબેન પરમારના પતિ તત્કાલીન પાલિકા સભ્ય દર્શનભાઈ પરમારે દરખાસ્ત કરી હતી. શકુન્તલાબેન પટેલે પ્રમુખની ઉમેદવારીનુ ફોર્મ ચુંટણી અધિકારીને આપ્યા બાદ પ્રમુખપદ માટે બીજા કોઈ ફોર્મ નહી આપતા ખાસ સાધારણ સભામાં ચુંટણી અધિકારીએ સભ્યોને પ્રમુખના ટેકામાં હાથ ઉંચો કરવા જણાવતા ગઠબંધનના તમામ ૨૮ સભ્યોએ ટેકો આપ્યો હતો. ચુંટણી અધિકારીએ શકુન્તલાબેન પટેલને પ્રમુખ તરીકે બીનહરિફ ચુંટાયેલા જાહેર કર્યા હતા.
શકુન્તલાબેન નટવરલાલ પટેલને ચુંટાયેલા જાહેર કરતાજ હાજર તમામ સભ્યોએ પ્રમુખને હાર પહેરાવી અને મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગઠબંધનના તમામ સભ્યોએ પ્રમુખ શકુન્તલાબેન પટેલને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના શકુન્તલાબેન પટેલ પ્રમુખ તરીકે ચુંટાતા પાલિકાના સભાખંડમાં કોંગ્રેસ જીંદાબાદના પ્રથમ વખત સુત્રોચ્ચાર થયા હતા. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ દેસાઈએ કોંગ્રેસ જીંદાબાદના સુત્રોચ્ચાર કર્યા હતા. પ્રમુખની ચુંટણી બાદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં શકુન્તલાબેન પટેલે પ્રમુખની ખુરશી સંભાળી હતી. તે વખતે સંકલન સમીતીના પ્રમુખ ગોરધનભાઈ પટેલ, શામળભાઈ દેસાઈ, બાબુભાઈ વાસણવાળા, બાબુભાઈ બેંકર, મનુજી ઠાકોર, જીવણભાઈ દેસાઈ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, ભોગીલાલ બારોટ વિગેરેએ પ્રાસંગીક પ્રવચન કરી શકુન્તલાબેન પટેલ સારો વહીવટ કરી બતાવશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખ શકુન્તલાબેન પટેલે તમામનો આભાર માનતા જણાવ્યુ હતું કે ગઠબંધનના સભ્યો એક રહી ગામની એકતાનો સંદેશો આપ્યો છે. ગઠબંધનને કે પાલિકાને લાંછન લાગે તેવુ કામ ક્યારેય કરીશ નહી. ગઠબંધન અને ભાજપના તમામ સભ્યોને સાથે રાખી ન્યાય આપીશ અને વિકાસ કરીશ. પાણી, રસ્તા, ગટર, લાઈટ વિગેરે પ્રશ્નોનુ નિરાકરણ લાવવા પુરેપુરી શક્તિ લગાડીશ. બધાનો ટેકો મળશે તો પાછી પાની નહી કરૂ.
પ્રજ્ઞાબેન પટેલના રાજીનામા બાદ સવા વર્ષ માટે બીજા મહિલા પ્રમુખની ચુંટણીને લઈ કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધન રહેશે કે તુટશે તેની અનેક અટકળો, શંકાઓ સેવાઈ હતી. પરંતુ સંકલન સમીતીના માર્ગદર્શન અને કુનેહથી કોઈપણ જાતના વાદ વિવાદ વગર પ્રમુખની ચુંટણી પુર્ણ થતા એમ કહી શકાય કે આ ગઠબંધન પાંચ વર્ષ પૂર્ણ કરશે.

Leave a Reply

Top