You are here
Home > News > કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો

કેળવણી મંડળ દ્વારા કેસ વીડ્રો કરતાં ચેરીટી કમિશ્નરના હુકમથી
કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડની જમીનનો વિવાદ ટળ્યો

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
કડવા પાટીદાર કેળવણી મંડળની કમાણા રોડ ઉપર આવેલ જમીનનો ચેરીટી કમિશ્નરમાં થયેલી હરાજીનો વિવાદ મંડળે કેસ વીડ્રો કરતા હરાજી ચેરીટી કમિશ્નર દ્વારા રદ કરાઈ છે. જ્યારે હરાજી સામે વાંધા આપનાર ચાર વ્યક્તિઓના વાંધાનો હક્ક કાયમ અબાધિત રાખ્યો છે. કડવા પાટીદાર કેળવણી મંડળે ચાર વ્યક્તિઓને ભવિષ્યમાં જમીન વેચતા વિશ્વાસમાં લેવા પડશે.
પ્રાપ્ત માહિતી મુજબ કડવા પાટીદાર કેળવણી મંડળને ૧૯૪૨ ની સાલમાં કમાણા રોડ ઉપર આવેલ આશરે ત્રણ વીઘા જમીન ગોવિંદચકલાના પટેલે બક્ષીસ કરી એ શરતે આપેલી કે આ જમીનનું જે ઉત્પાદન આવે તેમાંથી જમીનનું કિરાયુ ભરાતાં જે વધે તે સંસ્થાની ગાયો માટે અથવા અન્ય ગાયો માટે વાપરવામાં ઉપયોગ કરવો. આ જમીન કડવા પાટીદાર કેળવણી મંડળે ચેરીટી કમિશ્નરની મંજૂરી લઈ વેચાણ આપવા માટે ત્રણ કરોડ રૂપિયાની અપસેટ વેલ્યુથી હરાજી જાહેર કરેલી જેનું ટેન્ડર પણ ભરાયેલુ. જમીન ગાયોના નિભાવના હેતુ માટે બક્ષીસ લેખથી હોવાથી તે વેચાણ થઈ શકે નહિ તેવી વાંધા અરજીઓ ખેડૂતના વારસદાર પટેલ માધવલાલ કનૈયાલાલ અને પટેલ અશોકકુમાર રણછોડભાઈ તથા સામાજીક કાર્યકરો પૂર્વ પાલિકા પ્રમુખ પટેલ ગીરીષભાઈ અંબાલાલ તથા પૂર્વ કોર્પોરેટર પટેલ મનીષકુમાર રમેશભાઈ દ્વારા વાંધા અરજીઓ આપેલી હોવા છતાં ચેરીટી કમિશ્નરે જમીનની હરાજી કરી નાંખેલી. ત્યારબાદ વાંધા અરજી માટેની પ્રથમ મુદતમાં કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચેરીટી કમિશ્નરમાં જવાબ રજૂ થયો હતો કે દાતાએ જમીન ગાયોના નિભાવ માટે આપેલી છે. જમીન પડતર હોવાથી તેમાંથી કોઈ ઉપજ આવતી ન હોવાથી જો જમીનને વેચવામાં આવે તો જમીન દાતાનો ગાયોના નિભાવવાળો આશય શક્ય બને તેમ છે. તથા દાતાએ જમીન વેચવી કે ન વેચવી તે માટે બક્ષીસ લેખમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ બીજી મુદતે કડવા પાટીદાર કેળવણી મંડળે તેમનો કેસ વીડ્રો કરી લેતાં વિવાદ પૂર્ણ થયેલો. પણ વાંધા આપનારના વકીલની દલીલને લઈને ચેરીટી કમિશ્નરે એવો ઓર્ડર કર્યો છે કે ભવિષ્યમાં કેળવણી મંડળ જમીન બાબતે કોઈ કાર્યવાહી કરે તો ચાર વાંધા લેનારને સાથે રાખી નિકાલ કરવો. ચેરીટી કમિશ્નરના હુકમ મુજબ કડવા પાટીદાર કેળવણી મંડળ ભવિષ્યમાં જમીન વેચવા વિચારે ત્યારે ચાર વાંધા આપનારને વિશ્વાસમાં લેવા પડશે. જેથી હવે આ જમીન વેચવાનો પ્રશ્ન અતિ કઠીન બની ગયો છે. જમીન દાનમાં આપનાર ખેડૂતના વારસદારોને આ જમીન કેળવણી મંડળ માટે બિનઉપયોગી હોવાથી તે જમીન પાછી મળવી જોઈએ તેવો દાવો કોર્ટમાં કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી કમાણા રોડ ઉપર કેળવણી મંડળની જમીનના મુદ્દે ઊભા થયેલા વિવાદનો અંત આવ્યો છે.

Leave a Reply

Top