You are here
Home > News > સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન

સમર્થ ડાયમંડ અને અન્ય દાતાઓના સહયોગથી
વિસનગરમાં “યુગપુરુષ મહાત્માના મહાત્મા”નાટકનુ આયોજન

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
યુગ પુરુષ મહત્માના મહાત્મા નાટક એ કોઈ કાલ્પનીક વાર્તા ઉપર નહી પરંતુ દેશને આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધી તથા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્‌ રાજચંદ્રજી વચ્ચેના આધ્યાત્મિક સબંધની યશોગાથા આ નાટકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. નાટકમાંથી થતી આવક એ દક્ષિણ ગુજરાતના ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બની રહેલ ૨૦૦ બેડની મલ્ટી સ્પેશ્યાલીટી ચેરીટી હોસ્પિટલમાં નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. ત્યારે નાટકમાં આર્થિક દાન તથા સમયદાન આપવા તથા નાટક જોવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વિસનગરમાં તા.૧૫-૪-૨૦૧૭ ને શનિવારના રોજ રાત્રે ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી જ્યોતિ હોસ્પિટલ પાસે નૂતન સર્વ વિદ્યાલયના મેદાનમાં યુગપુરુષ મહાત્માના નાટકનુ આયોજન કરવામાં આવ્યુ છે.
ભારતીય ઈતિહાસની એક અણકહી કથાને રજૂ કરતું, અધ્યાત્મ અને સંસ્કૃતિને એક નવું પરિમાણ આપતું, માનવીય મૂલ્યોને ઉજાગર કરી સામાજિક ઉન્નતિમાં મહત્વનું પ્રદાન કરતું નાટક ‘યુગપુરુષ-મહાત્માના મહાત્મા’ ! સતત સ્ટેન્ડિંગ ઑવેશન મેળવતા અને હજારો લોકોને પ્રેમનો દિવ્ય સ્પર્શ આપતા આ નાટકના ૨૭૫ હાઈસ્કુલ નાટ્યપ્રયોગ થઈ ચૂક્યા છે.
‘યુગપુરુષ’ આ ફક્ત નાટક નથી, એ દર્શકોને થતો એક અનુપમ અનુભવ છે. આ નાટકમાં બે યુગપુરુષો તખ્તા પર પુનઃજીવિત થાય છે અને ત્યારે ભારતીય ઈતિહાસનું એક એવું પાનું ખૂલે છેકે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ બે યુગપુરુષો છે મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્‌ રાજચંદ્રજી. મહાત્મા ગાંધીજીએ ભારત અને વિશ્વને સત્ય અને અહિંસાના સનાતન સિદ્ધાંતો આપ્યા. પણ બેરિસ્ટર મોહનદાસમાં આ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરનાર, તેમના ચારિત્ર્યનું ઘડતર કરનાર, તેમના આધ્યાત્મિક માર્ગદર્શક હતા, શ્રીમદ્‌ રાજચંદ્રજી મોહનદાસને મહાત્મામાં રૂપાંતરિત કરનાર એક ગહન આધ્યાત્મિક સંબંધની યશોગાથા આ નાટકમાં એટલી સુંદર અને કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે જ્યારે નાટકના દર્શકો આ યાત્રાના સાક્ષી બને છે ત્યારે તેઓના પણ હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠે છે !
મોર્ડન રિવ્યૂ, જૂન ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજીએ લખ્યુ છેકે “આ પરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું છે અને હજુ સુધી કોઈપણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી.”
સત્ય અને અહિંસાના મૂલ્યો ગાંધીજીએ શ્રીમદ્‌ રાજચંદ્રજી પાસેથી ગ્રહણ કર્યા. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં એ મૂલ્યોના તેમણે અભૂતપૂર્વ પ્રયોગો કર્યા અને ભારતને અહિંસક માર્ગે આઝાદી અપાવી. જેનું હૃદયસ્પર્શી નિરૂપણ આ નાટકમાં થયું છે. વર્તમાન સમયમાં ભૌતિક સુખો પાછળ દોડતા માનવીને આ નાટક વિચાર કરવા પ્રેરે છેકે જીવનનું ધ્યેય શું હોવું જોઈએ? માનવતા, સત્ય, અહિંસા, વિવિધતાને આદર જેવા માનવીય મૂલ્યોને અપનાવી જીવંત આંતરિક રીતે વધુ સમૃદ્ધ બનાવી શકાય અને એક પ્રેમમય, શાંતિપૂર્ણ અને મૈત્રીભાવથી ભરપૂર નિર્ભય સમાજનું નિર્માણ થઈ શકે તેવો સકારાત્મક પ્રભાવ આ નાટક પ્રેક્ષકો પર પાડે છે. શ્રીમદ્‌ રાજચંદ્રનું આ ૧૫૦ મી જન્મજયંતીનું વર્ષ છે. તે નિમિત્તે થનારી એક વર્ષીય ઉજવણીના એક ભાગરૂપે શ્રીમદ્‌ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની પ્રેરણાથી આ નાટકનુુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
‘યુગપુરુષ’ શ્રી રાજેશ જોશી દ્વારા દિગ્દર્શિત, શ્રી ઉત્તમ ગડા લિખિત અને સંગીતકાર સચીન-જીગરની બેલડીના સંગીતથી મઢ્યું સર્જન છે, જેમાં ઉત્તમ કથાવસ્તુ, હૃદયસ્પર્શી દિગ્દર્શન, ધારદાર સંવાદો, પ્રેરક પ્રસંગો, રંગમંચની અદ્‌ભૂત, સુંદર પ્રકાશ આયોજન, ભાવવાહી સંગીત, દૃશ્યોની હૃદયંગમ ગૂંથણી અને અભિનયકારોના ઉત્તમ અભિનયની અદ્‌ભૂત અભિવ્યક્તિ થઈ છે!
આ નાટક ભારતીય સેના, વિવિધ કોલેજો, શાળાઓ, વિવિધ એનજીઓ જેવા કે હોપ ફોર ચિલ્ડ્રન ફાઉન્ડેશન વગેરે, મહારાષ્ટ્ર સ્ટેટ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ, વિવિધ કોર્પોરેટ હાઉસીસ, મીડિયા હાઉસીસ, ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્રોએ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ ખૂબ માણ્યું અને બિરદાવ્યું છે. આ નાટકમાંથી થતી સંપૂર્ણ આર્થિક આવક દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં અદ્યતન સાધનોથી સુસજ્જ ૨૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી ચેરિટી હૉસ્પિટલના નિર્માણ અર્થે ઉપયોગમાં લેવાશે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી અને આદિજાતિ, આર્થિક રીતે પાછળ એવા ગ્રામજનો માટે સેેવાનો લાભ આપશે.
શ્રીમદ્‌ રાજચંદ્રજી – અધ્યાત્મયોગી યુગપુરુષ જ્ઞાનાવતાર શ્રીમદ્‌ રાજચંદ્રજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે, તારીખ ૯ નવેમ્બર, ઈ.સ.૧૮૬૭ માં ગુજરાતના વવાણિયા ગામમાં થયો હતો. વિશુદ્ધ જ્ઞાન અને નિષ્કામ ભક્તિના સમન્વયની સુભગતા અભિવ્યક્ત થઈ તેમની સમ્યક્‌ દર્શનની પ્રાપ્તિરૂપે, માત્ર ૨૩ વર્ષની વયે. સ્વમાં નિમગ્ન રહી, મહિનાઓ સુધી તેઓ એકાંતવાસમાં રહ્યા. આત્માર્થી માટે સંપૂર્ણ માર્ગદર્શન એવી તેમની અદ્‌ભૂત રચના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’, દર્શનશાસ્ત્રને સરળતાપૂર્વક સમજાય તેવી રીતે આપી પરમ ઉપકાર કર્યો છે. ચૈત્ર વદ પાંચમ, ૯ મી એપ્રિલ, ૧૯૦૧ ના ૩૩ વર્ષની યુવાવયે રાજકોટમાં એમણે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. તેમના અમૃતમય બોધવચનો ‘શ્રીમદ્‌ રાજચંદ્ર’ ગ્રંથરૂપે સંકલિત થયા છે, જે મુમુક્ષુઓને પથદર્શન કરાવે છે. લાખો અનુયાયીઓ આશ્રમ, મંદિર અને સંસ્થાન દ્વારા તેમના બોધથી જીવનને ઉચ્ચતર કક્ષા પર લઈ જઈ આત્મવિકાસના પંગે પ્રગતિના પગલાં માંડી રહ્યા છે.
શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુર – આ વૈશ્વિક યજ્ઞ છે. આધ્યાત્મિક વિકાસ દ્વારા જીવન અને સમાજના ઉત્કર્ષનો. મુખ્ય મથક શ્રીમદ્‌ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા સુયોજિત છે. વિશ્વભરમાં ફેલાયેલા ૧૦૨ સત્સંગ કેન્દ્ર, ૩૮ યુથ ગ્રુપ અને ૨૨૭ ડિવાઈન ટચ સેન્ટર. ડિવાઈન ટચ સેન્ટર ઉત્તર અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા તથા ઓસ્ટ્રેલિયામાં બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ પ્રદાન કરે છે. શ્રીમદ્‌ રાજચંદ્ર લવ એન્ડ કેર કાર્યક્રમમાં સમાવેશ છે- તબીબી સારવાર, શૈક્ષણિક સેવા, બાળ સેવા, નારી સેવા, આદિવાસી સેવા, સમાજ સેવા તથા આપત્તિસહાય સેવા. શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વમાં માનવધર્મનો પ્રચાર અને અધ્યાત્મવિકાસની સાધનાનો પ્રસાર કરે છે. તેના મિશન સ્ટેટમેન્ટ દ્વારા : પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.
આ નાટકની આવકમાંથી આદિવાસી વિસ્તારમાં બની રહેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવાની હોઈ સમર્થ ડાયમંડ પરિવાર દ્વારા રૂા.૨૫,૦૦૦, ર્ડા.બીપીનભાઈ એન.પટેલ ગુરૂજ્યોત સ્કીન ક્લીનીક રૂા.૧૦,૦૦૦, ર્ડા.જયંતિભાઈ આઈ.પટેલ સુખનિવાસ હોસ્પિટલ રૂા.૧૦,૦૦૦, ર્ડા.નરેશભાઈ ત્રીવેદી ઉમા બાળકોની હોસ્પિટલ રૂા.૧૦,૦૦૦, ર્ડા.મિહિરભાઈ જોષી જ્યોતિ હોસ્પિટલ રૂા.૧૦,૦૦૦ તથા રોહિતભાઈ પંચાલે રૂા.૧૦,૦૦૦ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. દાન માટે ગોવિંદભાઈ પટેલ સમર્થ ડાયમંડ વતી કૃણાલભાઈ પટેલ મો.નં.૯૪૨૭૬૬૨૫૯૩, ર્ડા.નરેશભાઈ ત્રીવેદી મો.નં.૯૮૨૪૦૬૬૨૭૭, જયેન્દ્રભાઈ પટેલ મો.નં.૯૮૨૫ ૧૨૪૫૮૯ તથા ર્ડા.બીપીનભાઈ એન.પટેલ મો.નં.૯૮૯૮૧૭૮૯૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top