You are here
Home > News > વિસનગર ધારાસભ્ય જેમને ટેલીફોન કરતા નથી કે ધારાસભ્યની સુચના ગણકારતા નથી તેવા – મામલતદારના નિર્ણયો અનામતના એ.પી.સેન્ટરમાં ફરી ભડકો કરે તેવા

વિસનગર ધારાસભ્ય જેમને ટેલીફોન કરતા નથી કે ધારાસભ્યની સુચના ગણકારતા નથી તેવા – મામલતદારના નિર્ણયો અનામતના એ.પી.સેન્ટરમાં ફરી ભડકો કરે તેવા

વિસનગર ધારાસભ્ય જેમને ટેલીફોન કરતા નથી કે ધારાસભ્યની સુચના ગણકારતા નથી તેવા

મામલતદારના નિર્ણયો અનામતના એ.પી.સેન્ટરમાં ફરી ભડકો કરે તેવા

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
વિસનગર મામલતદાર દ્વારા કેટલાક દિવસોથી લેવાતા નિર્ણયો તાલુકામાં ભારે વિવાદ ઊભો કરનાર છે. અનામત આંદોલનના એ.પી.સેન્ટર વિસનગરમાં મામલતદારનું વર્તન ફરીથી મોટો રાજવ્યાપી વિવાદ ઊભો કરનાર બને તો નવાઈ નહિ કહેવાય.
વિસનગર મામલતદારને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હોય તેવી લોકચર્ચા છે. ધારાસભ્ય પાસે મામલતદાર ઓફીસનું કામ લઈ જનાર ભાજપના કાર્યકરના કામ માટે ધારાસભ્ય મામલતદારને નહિ પણ પ્રાંત વી.જી.રોરનેે ટેલીફોન કરે છે. તેના ઉપરથી કહી શકાય કે ધારાસભ્ય મામલતદારને સીધો ફોન કરતા નથી. ધારાસભ્ય સાથેના અણબનાવને લઈ મામલતદાર દ્વારા કેટલાક વિવાદિત નિર્ણયો કરાતા હોય તેવુ સેવાસદનના વર્તુળની ચર્ચા દ્વારા કહી શકાય. થોડાક દિવસ પહેલા અનામતનુ એ.પી.સેન્ટર છે તે એન.એ. વિસ્તારમાં ખોળના ગોડાઉનને લઈ ભારે જીવાતનો ઉપદ્રવ થતાં વિસ્તારની મહિલાઓ તેમાં મોટા પ્રમાણમાં પટેલ મહિલાઓ મામલતદારશ્રી સમક્ષ રજૂઆત કરવા ગઈ ત્યારે મામલતદારે મહિલાઓને બેજવાબદાર જવાબ આપતા મહિલાઓ ઉશ્કેરાતા મામલતદારે સરળ જવાબ આપી પ્રશ્નનો નિકાલ આણ્યો હતો. બીજુ વિસનગર તાલુકાની જનતાને ચુંટણી સમયે હાલાકી પહોંચે તેવું વર્તન છે. સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો રીન્યુ ન કરવા, દર વર્ષે માર્ચ એન્ડીંગમાં રીન્યુ થતાં સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સો આ વર્ષે ટેકનીકલ મુદ્દા ઉપર મામલતદાર રીન્યુ નહિ કરાતા ૧ લી એપ્રિલથી વિસનગર શહેરમાં સ્ટેમ્પ કે ટીકીટ મળતી નથી. ત્યારબાદ વર્ષોથી મામલતદાર કમ્પાઉન્ડ ઓફીસમાં અને બિલ્ડીંગના પૉર્ચમાં બેસતા પરાણે દિવસના ૧૦૦/-       થી ૧૫૦/- રૂપિયા રળતા ગરીબ ટાઈપરાઈટરોને હાંકી કાઢ્યા. વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રમુખ, વિસનગર પાલિકાના વિકાસમંચના સુપ્રીમો શહેરના અગ્રગણ્ય નાગરીક ગોરધનભાઈ સી.પટેલ આધારકાર્ડ કેન્દ્રની ગેરરીતિ માટે મળવા ગયા ત્યારે મામલતદારશ્રીએ એવો જવાબ આપ્યો કે આધારકાર્ડ કેન્દ્રવાળો લેમીનેશનના ૬૦/- રૂપિયા લે તે ખોટું શું છે? ગોરધનભાઈ પટેલ મામલતદારના બેજવાબદાર જવાબથી હેબતાઈ ગયા તેમને એ ખબર ન પડી કે તાલુકા મેજીસ્ટ્રેટ જેવી વ્યક્તિ આવો જવાબ આપી શકે. તેજ દિવસે ભાન્ડુ સેવા સહકારી મંડળીના મંત્રી પટેલ મફતલાલ જેઠાલાલ કાયમ આવતા હતા તે રીતે બોજાની અરજીઓ લઈ ઈ-ધરા કેન્દ્રમાં આવી એન્ટ્રીઓ કરવા માટે જણાવતાં ક્લાર્ક દ્વારા અરજી કરનાર વ્યક્તિઓને રૂબરૂ આવવા માટે જણાવ્યુ. મંત્રી બિચારાને ખબર ન હતી કે હવે મામલતદાર ઓફીસનો વહીવટ સુધરી ગયો છે. કાયમ બીજાની બોજા અરજી લઈ આવતા તેની તેમને ના પડાય તેથી તે ગુસ્સે થયા હતા. કે કાયમ માટે જે રીતે અરજીઓ લવાય છે તે રીતે લાવ્યો છું પછી ના શા માટે? આ બાબતે થોડી રકઝક થતાં ઉપરના અધિકારીઓની સુચનાથી ઈ-ધરા સહાયક ક્લાર્કે ભાન્ડુના મંત્રી ઉપર પોલીસ ફરીયાદ દાખલ કરી છે. આવી રીતની પોલીસ ફરીયાદો જીલ્લામાં ઘણી ઓછી થાય છે.
વિસનગર શહેરના એસ.પી.જી.ના કાર્યકર, વિસનગર વિકાસમંચના કોર કમિટિના સભ્ય, સામાજીક કાર્યકર પટેલ ભરતભાઈ બળદેવભાઈ એકાઉન્ટન્ટે “પ્રચાર”ને જણાવ્યુ છેકે, વિસનગર મામલતદારનું પટેલો પ્રત્યેનું વર્તન વિવાદાસ્પદ છે. મામલતદાર પટેલ સમાજને ટાર્ગેટ બનાવી ઉશ્કેરવા માટે સમાજના લોકોને અપમાનિત કરે છે. વિસનગર શહેર અનામત આંદોલનનુ એ.પી.સેન્ટર છે. વિસનગર મામલતદારનું વર્તન ફરીથી આંદોલન ઊભુ કરાવે તેવું છે. મામલતદારને ધારાસભ્ય સાથે ગમે તે હોય તેમાં સ્ટેમ્પ વેન્ડરો, ગરીબ ટાઈપીસ્ટો, મંડળીના મંત્રીનો શું વાંક? તેમણે વધુમાં જણાવ્યુ હતું કે તમામ લોકો સાથે બિનજવાબદાર વર્તન કરી મામલતદાર બધાને જણાવે છેકે મીડીયાવાળા મારા માટે ખોટું લખે છે. તેમને લખતા બંધ કરો તો તમામ પ્રશ્નો ઉકલી જાય. મીડીયા એ દર્પણ છે. દર્પણને કેવી રીતે કહી શકાય કે જેવો ચહેરો છે તેવો ન દેખાડે? મીડીયા મામલતદાર જે કરે છે તે લખે છે. મીડીયાના કારણે બીજા નિર્દોષોને કેમ હેરાન કરાય છે? મીડીયા ખોટું હોય તો તેની સામે કેસ થઈ શકે છે.

Leave a Reply

Top