ગંજબજારમાં મજુરીનો ભાવ વધારવા પોર્ટરોની હડતાલ-હરાજી બંધ

ગંજબજારમાં મજુરીનો ભાવ વધારવા પોર્ટરોની હડતાલ-હરાજી બંધ

Prachar News No Comments on ગંજબજારમાં મજુરીનો ભાવ વધારવા પોર્ટરોની હડતાલ-હરાજી બંધ

 

ગંજબજારમાં મજુરીનો ભાવ વધારવા પોર્ટરોની હડતાલ-હરાજી બંધ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર ગંજબજારમાં મજુરીના ભાવ વધારા માટે પોર્ટરો દ્વારા ટુંકી નોટીસ આપી એકાએક હડતાલ પાડી દેતા ગંજબજારમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જોકે નક્કી કરેલા ભાવ કરતા ૭૦ ટકા મજુરીના વધારે ભાવ અપાતા તેમજ આજુબાજુના તાલુકાના ગંજબજાર કરતા વધુ મજુરી આપવા છતા પોર્ટરો દ્વારા વેપારીઓને બાનમાં લેવાનો પ્રયત્ન થતા ચેરમેન, ગંજબજાર વેપારી મંડળ તેમજ ખેડૂતો પોર્ટરોને શબક શીખવવા લડી લેવાના મૂડમાં આવી ગયા છે.
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગંજબજારના પોર્ટરોને પરિવારના સભ્ય ગણી તેમની સાથે હોળી-ધુળેટી ઉજવી હતી. ત્યારે આ પોર્ટરોએ ગંજબજારના પરિવારના વેપારીઓને બાનમાં લેવાનો અત્યારે પ્રયત્ન કર્યો છે. ગંજબજારના ૪૦૦ પેઢીઓમાં ૩૦૦ જેટલા પોર્ટરો કામ કરે છે. ત્યારે તા.૨૯-૪-૨૦૧૭ ના રોજ પોર્ટરોએ મજુરીના ભાવ વધારવા માગણી કરી, ભાવ નહી વધે તો તા.૧-૫-૧૭ ના રોજથી હડતાલ ઉપર ઉતરવાની ટુંક સમયની નોટીસ આપી હતી. વચ્ચે રવિવાર આવતો હોવા છતાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કે.કે.પટેલે તાકીદે મીટીંગ બોલાવી પોર્ટરોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ચેરમેન ઋષિભાઈ પટેલ પણ પોર્ટરના પ્રતિનિધિઓને મળ્યા હતા. ત્યારે પોર્ટરોએ ભાવ વધારો નહિ તો હડતાલની જીદ પકડી હતી. ભાવવધારાના વિવાદનો ઉકેલ નહી આવતા તા.૧-૫ થી ગંજબજારમાં હરાજી બંધ રહી હતી. ગંજબજારના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. તા.૫-૫ સુધી કોઈ નિકાલ નહી આવતા ગંજબજારમાં હરાજી થઈ શકી નહોતી.
આ બાબતે ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કે.કે.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પોર્ટરોએ હડતાલની નોટીસ આપી ત્યારે વેપારીઓ સાથે ચર્ચા કરવા જણાવ્યુ હતુ. પરંતુ પોર્ટરો કોઈનુ સાંભળ્યા વગર હડતાલ ઉપર ઉતરી ગયા હતા. પ્રમુખ કે.કે.પટેલે વર્ષ-૨૦૧૧ અને વર્ષ-૨૦૧૭ વચ્ચેના ભાવની તુલના કરતા જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૧ માં અનાજ કઠોળની એક બોરીની રૂા.૧૩ મજુરી આપવામાં આવતી હતી. અત્યારે રૂા.૨૦ આપવામાં આવે છે. તેજ રીતે રાયડો-એરંડા બોરીમાં ૨૦૧૧ મા રૂા.૧૦ અત્યારે રૂા.૧૬, જીરૂ-વરીયાળીમા વર્ષ-૨૦૧૧ માં રૂા.૯ અત્યારે રૂા.૧૬ મજુરી આપવામાં આવે છે. ગંજબજારના ઠરાવેલ ભાવ વર્ષ-૨૦૧૧ ના છે ત્યારે વેપારીઓ અને પોર્ટરોએ મળી સમજી મજુરીમા વધારો કર્યા છે. વર્ષ-૨૦૧૧ કરતા અત્યારે ૭૦ ટકા મજુરીમાં વધારો કરવામાં આવ્યો છે. વળી આસપાસના તાલુકાના ગંજબજાર કરતા વિસનગર ગંજબજારમાં વધારે મજુરી મુકવવામાં આવે છે તેમ છતા પોર્ટરો નાક દબાવી મજુરીમાં વધારો માગી રહ્યા છે. મજુરીમાં વધારો કરીએ તો આસપાસના ગંજબજારને પણ જવાબ આપવો પડે તેમ છે. વેપારી મંડળના પ્રમુખ કે.કે.પટેલે મહત્વની વાત કરી હતી કે, મજુરીમાં વધારો કરીએ તો તેની સીધી અસર ખેડૂતોને થાય તેમ છે. વેપારીઓને આસપાસના તાલુકાના માલના ભાવની સરખામણીએ ભાવ રાખવો પડે. મજુરીમાં વધારો પડે. મજુરીમાં વધારો કરીએ તો વેપારીઓ ખેડૂતના માલની પાંચ, છ રૂપિયા નીચી હરાજી બોલે. જેથી મજુરીના વધારામાં નુકશાન તો ખેડૂતોનેજ છે. ગંજબજારમાં ખેડૂતોનુ હિત પ્રથમ જોવામાં આવે છે. વિસનગર ગંજબજારમાં ખેડૂતોનુ અહિત થાય તેવો ક્યારેય નિર્ણય લેવામાં આવશે નહી. ખેડૂતોનુ અહિત થશે ત્યારે હું રાજીનામુ આપી દઈશ. ગંજબજારમાં હરાજી શરૂ થાય તે માટે વેપારીઓ અમદાવાદ કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા હતા. પોર્ટરોની કાયમી મનમાનીથી ત્રાસી હવે કોન્ટ્રાક્ટર દ્વારા મજુરો પુરા પાડવામાં આવે તેમ જણાય છે. જોકે પોર્ટરોની હડતાલ બાદ માર્કેટયાર્ડ કમીટી, વેપારીઓ અને કેટલાક ખેડૂતો સાથેની ચર્ચા બાદ પોર્ટરોની મનમાની ડામવા તમામની સર્વસંમતીથી લડી લેવાનો મુડ હોય તેમ જણાય છે.

Leave a comment

Back to Top