You are here
Home > Prachar News > ગઠબંધનના શાસનના નિર્ણયથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે – ગોવિંદચકલા પટેલવાડી પાછળ પાકી કેનાલનુ કામ શરુ

ગઠબંધનના શાસનના નિર્ણયથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે – ગોવિંદચકલા પટેલવાડી પાછળ પાકી કેનાલનુ કામ શરુ

 

ગઠબંધનના શાસનના નિર્ણયથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે
ગોવિંદચકલા પટેલવાડી પાછળ પાકી કેનાલનુ કામ શરુ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગરમાં ઉમિયા માતાની વાડીથી મહેસાણા ચાર રસ્તા સુધીની ખુલ્લી ગટરની કેનાલના કારણે અડધુ શહેર મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે. વર્ષોનો આ પ્રશ્ન છે ત્યારે મચ્છરોનો મહદઅંશે ઉપદ્રવ ઘટે તેવુ કામ ગઠબંધનના શાસનમાં થયુ છે. ગઠબંધનમાં પટેલવાડી પાછળ પાકી કેનાલ બનાવવા ટેન્ડરીંગ કરાયુ હતુ. ત્યારે રૂા.૩૨ લાખના ખર્ચે પાકી કેનાલ બનાવવામાં આવશે. સવાલા દરવાજા નાળાથી આશીષ-અંબીકાનગર સોસાયટીના નાળા સુધી પણ કેનાલ બનાવવા સર્વે કરાયો છે.
વિસનગર પાલિકાના ભાજપના શાસનમાં કોંગ્રેસના ગોવિંદભાઈ ગાંધી દ્વારા ગોવિંદચકલા પટેલવાડી પાછળથી શરૂ થતી અને મહેસાણા ચાર રસ્તા પાસે પુરી થતી ગટરના પાણીનો નિકાલ કરતુ નાળુ પાકુ બનાવવા માટે લડત ચલાવવામાં આવી હતી. નાળા આસપાસની સોસાયટીના રહીસોને મચ્છરોનો ભારે ઉપદ્રવ હોવાથી ગોવિંદભાઈ ગાંધીની આગેવાનીમાં સહી ઝુંબેશ કરાઈ હતી. ગઠબંધનના શાસનમાં ગોવિંદભાઈ ગાંધી પાલિકા સભ્ય બનતા પાંચ વર્ષમાં આ નાળા ઉપર પાકી કેનાલ બને તેની હવે વિશેષ જવાબદારી બની રહે છે. જે જવાબદારી અત્યારે પાલિકા સભ્ય ગોવિંદભાઈ ગાંધી નિભાવી રહ્યા છે.
ગઠબંધનના બોર્ડના પ્રથમ વર્ષમાં ગોવિંદચકલા પટેલવાડી પાછળ હિરાબજારના નાકાથી સવાલા દરવાજા નાળા સુધી રૂા.૩૨ લાખના ખર્ચે પાકી કેનાલ બનાવવા ટેન્ડરીંગ કરાયુ હતુ. પાલિકા દ્વારા એક સાથે ત્રણ કરોડનુ ટેન્ડરીંગ થયુ હતુ. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય વિસ્તારમાં કામ શરૂ કરાયુ હતુ. પરંતુ ગમે તે કારણોસર પટેલવાડી પાછળની પાકી કેનાલનુ કામ કરવામાં વિલંબ કરવામાં આવતો હતો. જાણવા મળ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટરે બીલો(ઓછી) રકમનુ ટેન્ડર ભર્યુ હોવાથી ટેન્ડરના વિકાસના અન્ય કામ પૂર્ણ કરી, કરેલા કામના બીલો મંજુર કરાવી કેનાલનુ કામ મુકી જતા રહેવાની ફીરાકમાં હતો. આ વિસ્તારના સભ્યો કેનાલનુ કામ શરુ કરવા કોન્ટ્રાક્ટરને જણાવતા, કોન્ટ્રાક્ટર ગમે તે બહાના બનાવી વિલંબ કરતો હતો. જોકે કોન્ટ્રાક્ટરની મેલી મુરાદની કેટલાક સભ્યોને ગંધ આવતા તેમજ કોન્ટ્રાક્ટર સાથે કેટલાક સભ્યો મળેલા હોવાનુ જણાતા ગોવિંદભાઈ ગાંધી, જશુભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ કોન્ટ્રાક્ટરને આડે હાથે લીધો હતો. ત્યારે સભ્યોના પ્રેશરથી કોન્ટ્રાક્ટરે પટેલવાડી પાછળની કેનાલ બનાવવાનુ શરૂ કર્યુ છે. જોકે હજુ સાફસુફી કરી છે. કામ ક્યારે શરૂ થાય તે કહી શકાય નહી. કોન્ટ્રાક્ટર પાસે એકજ માસનો સમય છે. જુન માસથી ચોમાસુ શરૂ થશે. ચોમાસુ શરૂ થયા બાદ કામ કરી શકાય નહી. જોકે અન્ય સભ્યો તેમના વિસ્તારમાં જે પ્રમાણે ઝડપથી કામ કરાવી રહ્યા છે તે પ્રમાણે પાકી કેનાલ બની રહી છે તે વિસ્તારના સભ્યોનુ કોન્ટ્રાક્ટર આગળ ઓછુ ઉપજતુ હોય તેમ જણાય છે. હજુ કોન્ટ્રાક્ટરે જોઈએ એટલી ઝડપે કામ શરુ કર્યુ નથી.
પટેલવાડી પાછળથી નાળા સુધી પાકી કેનાલના ટેન્ડરીંગ બાદ પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા, ગોવિંદભાઈ ગાંધીના પ્રયત્નોથી સવાલા દરવાજા નાળાથી આશીષ અંબીકાનગરના રસ્તા સુધી પાકી કેનાલનો સર્વે કરવામાં આવ્યો છે. ૫૦૦ મીટર જેટલી પાકી કેનાલ બનાવવાની થાય છે. જે માટે રૂા.૬૩ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નવી ગ્રાન્ટ આવશે ત્યારે તેનુ ટેન્ડરીંગ કરાશે. નોંધપાત્ર બાબત છેકે કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓમાં અને સ્મશાનોમાં બ્લોક પાથરવાના ઠરાવ કરાયા છે. બ્લોક પાથરવા પાછળ ખર્ચ કરવા કરતા પાકી કેનાલ બનાવવા પાછળ વધારે નાણાં ફળવાય તે જરૂરી છે. કારણકે આ નાળા આસપાસની સોસાયટીના રહીસો વર્ષોથી ગંદકી, રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવનો સામનો કરી રહ્યા છે. બ્લોક પાછળ નાણાં વેડફ્યા કરતા નાળા ઉપર પાકી કેનાલ બનાવવા વધારે નાણાં ફાળવવા જોઈએ.

Leave a Reply

Top