You are here
Home > Local News > પાલડીમાં ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્રની સક્રીય કામગીરી

પાલડીમાં ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્રની સક્રીય કામગીરી

 

પાલડીમાં ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્રની સક્રીય કામગીરી

(પ્ર.ન્યુ.સ.)          વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના પાલડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ડેન્ગ્યુની ગંભીર બિમારીમાં સપડાતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ બનાવને પગલે ઉમતા પી.એચ.સી.ના અધિકારી તથા પાલડી આરોગ્ય કેન્દ્રના ફી.હે.ઓફીસર સહિતની ટીમે આગઝરતી ગરમીમાં ગામના સર્વે કરતા તાવની બિમારીનો કોઈ કેસ મળી આવ્યો નહતો. છતાં આરોગ્યતંત્રની ટીમે ગ્રામજનોની આરોગ્યની તકેદારીરૂપે તેમના ઘરના ફ્રીઝ, પાણીના કુલરની સફાઈ કરાવીને ગામમાં ફોગીંગની કામગીરી કરી હતી. જ્યારે ઘરના ચોખ્ખા પાણીના ટાંકામાં ટેમીફૉર્સ(પોરાનાશક) દવા નાખી ગ્રામજનોને ઘરમાં તથા આજુબાજુમાં સ્વચ્છતા રાખવાની સલાહ આપી હતી.
વિસનગર તાલુકાના પાલડી ગામના ચૌધરી ગુમાનભાઈ ગોબરભાઈના પત્નિ આશાબેન તથા તેમના દિકરા હાર્દિક અને ધરમને માથાનો દુઃખાવો, કળતર તથા તાવ આવતા તેઓ સારવાર લેવા માટે વિસનગરના જાણીતા એમ.ડી.ર્ડા.નરેન્દ્રભાઈ ચૌધરીની હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ર્ડા.નરેન્દ્રભાઈ ચૌધરીને પ્રાથમિક તપાસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાતા તેમને ત્રણેય દર્દીના લોહીના નમૂનાની ચકાસણી કરાવવા લેબોરેટરીમાં મોકલ્યા હતા. ત્યારે લેબોરેટરીના રીપોર્ટમાં આશાબેન તથા તેમના બન્ને દિકરાઓને પોઝીટીવ ડેન્ગ્યુ થયો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ બાબતની ઉમતા પી.એચ.સી.કેન્દ્રના આયુષ મેડી.ઓફીસર હર્ષાબેન ચૌધરી, પાલડી આરોગ્ય કેન્દ્રના ફિ.હે. ઓફીસર શારદાબેન ચૌધરી, મ.પ.વ. ચેતનભાઈ દરજી સહિત આશા બહેનોએ પહેલા ગુમાનભાઈના ઘરના ફ્રિઝની ટ્રેમાં ભરાતુ પાણી, તથા એ.સી., કુલરની સફાઈ કરાવીને ઘર વપરાશના ચોખ્ખા પાણીના ટાંકામાં ટેમી ફૉર્સ(પોરાનાશક) દવા નાખીને ઘરમાં સ્વચ્છતા જાળવવાની સલાહ આપી હતી. ત્યારબાદ આરોગ્ય તંત્રની ટીમે ડેન્ગ્યુની બિમારી ગામમાં ન ફેલાય તેની તકેદારી રૂપે આગઝરતી ગરમીમાં સતત ત્રણ દિવસ ગામમાં ફરીને લોકોના ઘરોમાં સર્વે કરી તેમના ઘરના ફ્રિઝની ટ્રેમાં ભરાતુ પાણી તથા એ.સી.કુલરની સફાઈ કરાવીને તેમના ઘર વપરાશના ચોખ્ખા પાણીમાં ટેમી ફૉર્સ (પોરાનાશક) દવા નાખી હતી. આ કામગીરી દરમિયાન આરોગ્યતંત્રની ટીમે સાદા તાવના છ શંકાસ્પદ લોકોના લોહીના નમૂના લઈને તેની ચકાસણી કરાવવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેમાં એકપણ વ્યક્તિમાં ડેન્ગ્યુની અસર જોવા મળી નહતી. આ અંગે ડેન્ગ્યુની બિમારીમાં સપડાયેલ આશાબેન ચૌધરીના પતિ ગુમાનભાઈ ચૌધરીએ પ્રચારને જણાવ્યુ હતુ કે, મારૂ ઘર પ્રાથમિક આરોગ્યકેન્દ્રની બિલકુલ સામે આવેલુ છે. મારા ઘરની આજુબાજુમાં કે ગામમાં ક્યાય ગંદકી નથી. આરોગ્યતંત્રની ટીમ દ્વારા અવાર-નવાર જંતુનાશક દવાનો પાવડર નાંખવામાં આવે છે. આમ આરોગ્યતંત્રની કામગીરી ખૂબજ સારી છે. આતો મારા પત્નિ અને બાળકો ડેન્ગ્યુની બિમારીમાં કેવીરીતે સપડાયા તે વિચારવા જેવું છે. જોકે આશાબેન ચૌધરી અને તેમના બન્ને દિકરાઓની તબીયત સારી હોવાથી હોસ્પિટલના તબીબે તેમને બુધવારે રજા આપી હતી.

Leave a Reply

Top