You are here
Home > News > દસ વર્ષ અગાઉ રોડ બનાવવા માટે સંપાદન કરેલ લક્ષ્મીપુરાના ખેડૂતોની જમીનનુ રૂા.૫ કરોડ વળતર ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા

દસ વર્ષ અગાઉ રોડ બનાવવા માટે સંપાદન કરેલ લક્ષ્મીપુરાના ખેડૂતોની જમીનનુ રૂા.૫ કરોડ વળતર ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા

દસ વર્ષ અગાઉ રોડ બનાવવા માટે સંપાદન કરેલ
લક્ષ્મીપુરાના ખેડૂતોની જમીનનુ રૂા.૫ કરોડ વળતર ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી હોવાના બણગા ફૂકે છે. જ્યારે બીજી બાજુ સરકાર વિકાસના નામે ખેડૂતોની જમીન સંપાદન કર્યા પછી તેમને વળતર ચુકવવા ઠાગાઠૈયા કરે છે. સરકારની આવી ખેડૂત વિરોધી નિતિથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા છેવટે આત્મહત્યા કરવા મજબુર થાય છે. જેમાં વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા(ભાલક) ગામના ખેડૂતોએ આજથી દસ વર્ષ પહેલા લક્ષ્મીપુરાથી બાકરપુર જવાના આશરે ૧ કી.મી.નો રોડ બનાવવા માટે સરકારે ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. પરંતુ આજદીન સુધી સરકારે ખેડૂતોને તેમની કપાત જમીનનુ આશરે રૂા.૫ કરોડ જેટલુ વળતર ચુકવ્યુ નથી. ત્યાં વધુ રસ્તો પહોળો કરવા માટે સરકારે ફરીથી ખેડૂતોની જમીન સંપાદન કરતા હાલમાં ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે.
એક બાજુ ગુજરાતના વિકાસના નામે દેશમાં ગુજરાત મોડલના ગુણગાન ગવાય છે. ત્યારે દીવા તળે અંધારૂ હોવાનો વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા(ભાલક) ગામમાં ઘાટ ઘડાયો છે. જેમાં ભાજપ સરકાર દ્વારા આશરે દસ વર્ષ પહેલા લક્ષ્મીપુરાથી બાકરપુર તરફ જવાનો આશરે એક કીમીનો રોડ બનાવવા માટે ગામના ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. જેમાં સરકારે ખેડૂતોને તેમની સંપાદન કરેલ જમીનનુ યોગ્ય વળતર ચુકવવાની ખાત્રી આપી હતી. છતાં સરકારે ખેડૂતોને તેમની સંપાદન કરેલ જમીનનુ વળતર ચુકવ્યુ નહતુ. ત્યારબાદ આજથી પાંચ વર્ષ પહેલા સરકારે લક્ષ્મીપુરાથી ખરોડ વાયા મંડાલીનો રોડ બનાવવા માટે ફરીથી ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમની જમીન સંપાદન કરી હતી. જેનુ પણ વળતર આપવાની સરકારે ખેડૂતોને ખાત્રી આપી હતી. પરંતુ સરકારે આજદીન સુધી એકપણ ખેડૂતને તેમની જમીનનુ વળતર ન ચુકવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે ગામના જાગૃત ખેડૂત આગેવાન મણીભાઈ પટેલે ગામના ખેડૂતોને ન્યાય અપાવવા માટે ગત તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજથી આજદીન સુધી જીલ્લા કલેક્ટર, વિસનગર માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર કચેરી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને લેખીત રજુઆત કરી ખેડૂતોને તેમની જમીનનુ આશરે રૂા.૫ કરોડ જેટલુ વળતર ચુકવવાની માગણી કરી છે. છતાં ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવાની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારના એકપણ અધિકારી કે પદાધિકારીએ ખેડૂતોને તેમની જમીનનુ વળતર ચુકવવા કાર્યવાહી હાથ ધરી નથી. ત્યાં સરકારે થોડા સમય પહેલા જેનુ છેલ્લા દસ વર્ષથી ખેડૂતોને વળતર ચુકવવાનુ બાકી છે તે લક્ષ્મીપુરાથી બાકરપુર સુધીના રોડને પહોળો કરવા માટે ફરીથી ખેડૂતોની જમીન સંપાદન કરી કબજો કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ખેડૂતોને તેમની સંપાદન કરેલ જમીનનુ ઝડપી વળતર ચુકવવામાં આવશે તેવી હૈયાધારણા આપી રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે. છતાં ખેડૂતોને તેમની જમીનનુ વળતર ન ચુકવાતા ખેડૂતોની હાલ ભારે કફોડી બની છે. આ અંગે ગામના ખેડૂતો આગેવાન મણીભાઈ પટેલે પ્રચારને જણાવ્યુ હતુ કે, સરકારે લક્ષ્મીપુરાથી બાકરપુર તથા લક્ષ્મીપુરાથી ખરોડ મંડાલી જવાનો એપ્રોચ રોડ બનાવવા માટે અમારા ગામના ૧૦૦ જેટલા ખેડૂતોની જમીન સંપાદન કરી હતી. ત્યારે સરકારે તેનુ વળતર ચુકવવાની ખાત્રી આપી હતી. છતાં આજદીન સુધી ખેડૂતોનુ આશરે રૂા.૫ કરોડ જેટલી રકમનુ વળતર ચુકવ્યુ નથી. જો સરકાર ખેડૂતોનુ વળતર નહી ચુકવે તો આગામી સમયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે.
અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ ધરોઈ સીંચાઈ યોજનામાં પાણીની કેનાલ બનાવવા માટે સરકારે ખેડૂતોની જમીન સંપાદન કરી હતી અને પાછળથી ખેડૂતોને તેમની સંપાદન કરેલ જમીનનુ વળતર ચુકવવા ઠાગાઠૈયા કરતા ખેડૂતોને પોતાનુ વળતર લેવા માટે કોર્ટનો આશરો લેવો પડ્યો હતો. ધરોઈની મિલ્કત જપ્તીનુ વોરંટ કાઢતા છેવટે સરકારે ખેડૂતોને તેમની જમીનનુ વળતર ચુકવ્યુ હતુ. આમ લક્ષ્મીપુરાના ખેડૂતોને પણ પોતાનો ન્યાય મેળવવા માટે કોર્ટનો આશરો લેવાની નોબત આવી છે.

Leave a Reply

Top