You are here
Home > News > પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ

પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ

પત્રકારોના હિત માટે ૧૨ મુદ્દાની માગણીઓ સાથે
ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોનુ મહાસંમેલન યોજાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પત્રકારોની મીટીંગ કરી પત્રકારોની સુરક્ષા અને હિત માટે ૧૨ મુદ્દાઓની માગણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને પત્રકારોની એકતા બતાવવા તથા પત્રકારોના હિતની માગણીઓ પ્રબળ બનાવવા ચોટીલા આપાગીગાના ઓટલે પત્રકારોના મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ૨૨ રાજ્યના એબીપીએસએસના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજને સાચી પરિસ્થિતિથી વાકેફ કરતા પત્રકારોની ફરજ ખૂબજ જોખમી છે. ત્યારે આ પત્રકારોના હિત માટે ગુજરાત રાજ્યમાં કોઈ સુરક્ષા કાનૂન કે તેમના લાભાર્થે કોઈ યોજના નથી. અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રચના કરી તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવાડીયા અને ગુજરાતના અધ્યક્ષ કિશોરભાઈ મારૂ દ્વારા છેલ્લા એક વર્ષથી ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ફરી સંગઠન મજબૂત બનાવી પત્રકારોની સુરક્ષા અને હિત માટે માગણીઓ કરવામાં આવી રહી છે. પત્રકારોના અન્ય સંગઠનમાં પત્રકારો પાસે ફી ઉઘરાવાય છે. જ્યારે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પત્રકારો પાસેથી કોઈપણ પ્રકારની ફી ઉઘરાવ્યા વગર પોતાના સ્વખર્ચે નિઃસ્વાર્થ ભાવે પત્રકારોના હિત માટે નીકળતા ગુજરાતના વધુમાં વધુ પત્રકારો આ સંગઠન તરફ આકર્ષાઈ જોડાઈ રહ્યા છે. ગુજરાતના વિવિધ રાજ્યોમાં મીટીંગ કરી સંગઠનની રચના કરાયા બાદ પત્રકારોની એકજ માગણી હતી કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકારોની સુરક્ષા માટે કાનૂન બને અને પત્રકારોના લાભ માટે સરકાર યોજના જાહેર કરે. પત્રકારોની આવી બુલંદ માગણી ઉઠતા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના હોદ્દેદારો પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને મળીને પત્રકારોના ૧૨ મુદ્દાની માગણીઓનુ આવેદન આપ્યુ હતુ. પરંતુ જરૂર પડે પત્રકારોનો ઉપયોગ કરતી સરકાર પત્રકારોનુ નહી સાંભળતા છેવટે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તા.૨૧-૫-૨૦૧૭ રવિવારના રોજ ચોટીલા આપાગીગાના ઓટલા રાષ્ટ્રીય મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પત્રકારોના હિતની વાત હોય તથા પત્રકારોના લાભાર્થેજ આ સંમેલનની રચના હોઈ ૪૩ ડીગ્રી ધોમધખતા તાપમાં પણ આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહેવા પત્રકારોએ ઉત્સાહ દાખવ્યો હતો. રાજકીય પક્ષો પોતાની સભાઓમાં સંખ્યા બતાવવા સરકારની એસ.ટી.ઓનો ઉપયોગ કરે છે. ત્યારે પત્રકારો સ્વખર્ચે સંમેલનમાં હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં લગભગ ૨૦૦૦ જેટલા પત્રકારો સંમેલનમાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના પ્રભારી મહેસાણા અંકુશ સાપ્તાહિકના તંત્રી મહેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી. અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત ઉપરાંત્ત દેશના ૨૨ રાજ્યોમાં ફેલાયેલ હોઈ આ સંમેલનમાં વિવિધ રાજ્યોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં હાજર હોદ્દેદારોએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર પત્રકારોની સુરક્ષા અને હિતની વાત નહી સ્વિકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ત્યારે સમગ્ર દેશમાં પત્રકારોની સુરક્ષાનો કાયદો લાગુ કરવા પત્રકારોના હીત માટેની વિવિધ યોજનાઓની માગણી કરવા દિલ્હી જંતર મંતર ખાતે મહાસંમેલન યોજી કેન્દ્ર સરકારની આંખો ખોલવા માટે પણ કાર્યક્રમ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Top