You are here
Home > Prachar News > ભાજપનો ખેસ પહેરી બુથમાં વિસ્તારકની કામગીરી કરતા જણાતા – વિસનગર પાલિકા સંકલન સમિતિમાંથી ગોપાળભાઈ પટેલ સસ્પેન્ડ

ભાજપનો ખેસ પહેરી બુથમાં વિસ્તારકની કામગીરી કરતા જણાતા – વિસનગર પાલિકા સંકલન સમિતિમાંથી ગોપાળભાઈ પટેલ સસ્પેન્ડ

ભાજપનો ખેસ પહેરી બુથમાં વિસ્તારકની કામગીરી કરતા જણાતા
વિસનગર પાલિકા સંકલન સમિતિમાંથી ગોપાળભાઈ પટેલ સસ્પેન્ડ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની ચુુંટણીમાં ભાજપને ટેકો આપીશુ નહી અને ટેકો લઈશુ નહી તેવા શપથ લીધા બાદ વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે તેનુ કડક પાલન થાય અને ગઠબંધનના સભ્યો શબક શીખે તે માટે ભાજપની વિસ્તારક કામગીરી કરતા સંકલન સમિતિના એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંકલન સમિતિની કોર કમિટિમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધન ટકરાયુ હતુ. કોંગ્રેસ અને વિકાસમંચમાં મોટાભાગના સભ્યો નવા હતા. ત્યારે સંકલન સમિતિના પ્રતિષ્ઠીત આગેવાનોએ ચુંટણી પ્રચારની ધુરા સંભાળી હતી. સંકલન સમિતિએ ચુંટણીમાં ઉમેદવારી કરનાર કોંગ્રેસ અને વિકાસમંચના ઉમેદવારોને જાહેરમાં શપથ લેવડાવ્યા હતા કે સત્તામાં આવ્યા બાદ ભાજપને ટેકો આપીશુ નહી અને ટેકો લઈશુ નહી. જેનો અમલ સંકલન સમિતિએ પણ એટલો જ કરવાનો હતો. ૨૮ મી મેથી પાંચ જૂન સુધી ભાજપના બુથ વિસ્તારકોએ પોતાના બુથના વિસ્તારોમાં જઈ ભાજપની સરકાર દ્વારા કરાયેલ કામગીરીની તથા વિવિધ યોજનાઓની માહિતી આપવાની હતી. જેમાં વિસનગર પાલિકાની સંકલન સમિતિના ૨૧ સભ્યો પૈકીના જ્ઞાનગંગા ક્લાસીસવાળા ગોપાળભાઈ પટેલ ભાજપનો ખેસ ધારણ કરી જાહેરમાં ભાજપની બુથ વિસ્તારક કામગીરી કરતા જોવા મળ્યા હતા. જેના ફોટા વૉટ્‌સએપ ઉપર વાઈરલ થતાજ આ મુદ્દો સંકલન સમિતિ સુધી પહોચ્યો હતો. પાલિકા ગઠબંધનના તેમજ સંકલન સમિતિના સભ્યોએ ભાજપને ટેકો આપવો નહી કે ટેકો લેવો નહી તેવા શપથ લીધા હોવા છતા ગોપાળભાઈ પટેલ ભાજપની બુથ વિસ્તારકની કામગીરી કેમ કરી તે બાબતે તાત્કાલીક સંકલન સમિતિની મીટીંગ મળી હતી. જેમાં ભાજપની કામગીરી કરતા ગોપાળભાઈ પટેલને સંકલન સમિતિમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો હતો. સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સંકલન સમિતિના ગોપાળભાઈ પટેલ ભાજપનો ખેસ પહેરી ભાજપની કામગીરી કરતા જણાતા તેમને સંકલન સમિતિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમની સાથે પાલિકાને લગતી કોઈ વાતચીત નહી કરવા સંકલન સમિતિના અન્ય સભ્યોને પણ સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યુ છે.
નોંધપાત્ર બાબત છેકે પાલિકા પ્રમુખ પદે શકુન્તલાબેન પટેલે ચાર્જ સંભાળ્યા બાદ ગોપાળભાઈ પટેલે એક સ્ટેટમેન્ટ આપ્યુ હતુ કે, પાલિકા ગઠબંધને ચુંટણીમાં શહેરની જનતાને જે વચનો આપ્યા છે તેનુ પાલન કરે. આ સ્ટેટમેન્ટ આપીનેજ ગોપાળભાઈ પટેલે ગઠબંધનના શાસન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના બુથ વિસ્તારક કામગીરી જાહેરમાં કરી ગોપાળભાઈ પટેલ એક રીતે સમિતિ સામે બંડ પોકાર્યુ કહી શકાય.

Leave a Reply

Top