You are here
Home > News > ભારતીય કિસાન સંઘની પત્થરની લકીર જેવી ચીમકી ખેડૂતલક્ષી બજેટ સરકારના હિતમાં રહેશે

ભારતીય કિસાન સંઘની પત્થરની લકીર જેવી ચીમકી ખેડૂતલક્ષી બજેટ સરકારના હિતમાં રહેશે

ભારતીય કિસાન સંઘની પત્થરની લકીર જેવી ચીમકી
ખેડૂતલક્ષી બજેટ સરકારના હિતમાં રહેશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભારતીય કિસાન સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં જગતનો તાત કેવી વિટંબણાઓમાંથી પસાર થઈ રહ્યો છે તેનો ચીતાર રજુ કરાયો છે.
ભારત દેશની કૃષિ એ આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. દેશની ૮૦% વસ્તી એક યા બીજી રીતે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી છે. વિશ્વમાં જેને જગતનો તાત કહેવાયો છે તેને હવે હડધૂત થવુ પડે છે. મોટાભાગના વ્યક્તિઓની લાતો ખાવી પડે છે. ભારત દેશના જી.ડી.પી.નો આધાર પણ કૃષિ અને પશુપાલન છે. આ દેશના ખેડૂતની અપરંપાર સમસ્યાઓના નિકાલ માટે સાચી દિશામાં મૂળભૂત રીતે નિકાલ કરવાની તાત્કાલીક જરૂરીયાત છે. હાલની મોંઘવારીમાં મોટાભાગના કૃષિ ઉત્પાદનનોની પડતર કિંમત કરતાં પણ બજારભાવ નીચા રહે છે. ખેતીના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પિયત, ખેતી કામોની મજુરી, ખેતી સાધનો, ખેડાણની કિંમત તથા અન્ય ખેતીના ઈનપુટના ભાવો આસમાને પહોંચ્યા છે, જ્યારે ખેત ઉત્પાદનના ભાવોમાં ઈનપુટના પ્રમાણમાં નહિવત વૃધ્ધી થઈ છે.
૧ વિઘાના કપાસનું સરેરાશ ઉત્પાદન ૨૦ મણ ગણીએ અને બજારભાવ ૧ મણનો ૯૫૦ ગણીએ તો ૧ વિઘે આવક રૂા.૧૯૦૦૦ થાય છે. આમ હાલમાં કપાસની ખેતીમાં ખેડૂત ૧ વિધે રૂા.૪૯૮૦ નું નુકશાન વેઠી રહ્યો છે. આ ગણતરી જો ખોટી જણાય તો વૈજ્ઞાનિકો અને ઈકોનોમીસ્ટ પાસે ગણત્રી કરાવી શકે છે.
કોઈપણ વેપારી કે ઉદ્યોગપતિ જ્યારે પોતાનો વ્યવસાય કરે છે તે પોતાના માલ-સામાનની પડતર કિંમત, વ્યાજની ગણત્રી કર્યા પછી પોતાનો ૫ થી ૧૦% કે વધુ નફો ગણત્રી કરીને વ્યવસાય કરતો હોય છે. જ્યારે આજનો ખેડુત દિન-પ્રતિદિન દેવાદાર બની રહ્યો છે. આજે ૧ લીટર ઠંડા પાણીની બજારમાં કિંમત રૂા.૧૫ છે. જે પાણીમાં કોઈ તત્વો હોતા નથી. જ્યારે ૧ લીટર ગાયના દૂધની કિંમત રૂા.૨૦/- છે. આ “અંધેરી નગરીને ગંડુ રાજા” જેવો વહીવટ સરકારનો છે. અત્યારે ગામડાનો ખેડૂત સહકારી, પ્રાઈવેટ, બેન્ક તથા ખાનગી ધીરધારનો ધંધો કરનારનો દેવાદાર છે. સરકાર કદાચ એવું વિચારતી હશે કે ગામડાઓની પ્રગતિ થઈ છે. પરંતુ આ દેખાતી પ્રગતિ ગામમાં અન્ય-આવક ધરાવતા ખેડૂતોની છે. ફક્તને ફક્ત ખેતી કરનાર ખેડૂત ખરેખર પાયમાલ બન્યો છે. અને વધુ પાયમાલીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.
ભારત સરકાર તથા ગુજરાત સરકાર જો નિષ્પક્ષ રીટાયર્ડ સુપ્રિમના જજનું કમિશન ફક્ત ૩૦ દિવસ માટે નિમણુંક કરી આ અહેવાલ મેળવે તો વિગતો ચોંકાવનારી મળી શકે છે.
વધુમાં સરકાર તરફથી પાક ઉત્પાદનના ટેકાના ભાવે જે પાક ઉત્પાદનની ખરીદી કરવામાં આવે છે, તે પણ કિસાનોની મશ્કરી સમાન છે. જ્યારે ખેડૂત પાસેથી ૮૦% કપાસ કે અન્ય ઉત્પાદન વેપારી પાસે જતુ રહે છે, ત્યારે ટેકાના ભાવ બંધાય છે. ૯૦% કપાસ કે અન્ય ઉત્પાદન વેપારી પાસે કે ટ્રેડર પાસે માલ ગયા બાદ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે. જો ખરેખર સરકાર કિસાનોના હિતનો વિચાર કરવા માગતીજ હોય તો કોઈપણ પાકનું વાવેતર થાય તે પહેલા ટેકાના ભાવ બંધાવા જોઈએ અને ખેત ઉત્પાદન ખેડૂતના ઘરમાં આવવાનું શરૂ થાય તે પહેલાં ખરીદીની તૈયારી થઈ જવી જોઈએ. ખેડૂતના વિકાસની વાતો કરવી સહેલી છે. ખેડૂતને જો ખરેખર મદદરૂપ થવું હોય તો સરકારે પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવું પડશે. ગુજરાતમાં પિયત વિસ્તાર હજુ ૩૦% થી વધુ થયો નથી. ૭૦% ખેતી વરસાદ આધારિત છે. આખા દેશમાં પાણીની નેશનલ ગ્રીડ કરવામાં આવે તો પિયતના પાણીની સમસ્યા ઉકેલી શકાય તેમ છે.
મોટાભાગની સહાય યોજનાઓનો લાભ ખેડૂત મેળવી શકતો નથી અને સહાયનો લાભ મેળવે છે, તે સહાય જો ૫૦% હોય તો ખેડૂતને ૫ થી ૧૦% હોય તો ખેડૂતને ૫ થી ૧૦% સહાય પણ મળતી નથી. કેમ કે સહાયમાં આપવામાં આવનાર ઈનપુટની કિંમત બજારમાં મળતા ઈનપુટ જેટલી જ હોય છે. આમ ખેડુત સહાયની નીચી ગુણવત્તાવાળી સહાયની યોજનાઓનો લાભ મેળવવાનું ટાળે છે. આમ સહાયની યોજનાઓ ખેડૂતોના મતે નિષ્ફળ ગઈ છે.
સરકારે ખરેખર દૂધ ઉત્પાદનમાં ટેકાના ભાવ બાંધવાની જરૂર છે, કારણકે હવે કિસાનો દ્વારા કરવામાં આવતું દૂધ ઉત્પાદન અત્યારે પડતર ભાવ કરતાં પણ નીચું વેચાઈ રહ્યુ છે. સરકાર દ્વારા નરેગા યોજના આવવાથી ખેતમજુરીના ભાવો વધ્યા છે. જેની સીધી અસર ખેત ઉત્પાદન અને દૂધ ઉત્પાદન ઉપર પડી છે. મજૂરો મળતા નથી નરેગા યોજનાનો વિરોધ નથી. નરેગા યોજનાથી રોજી મળે તે સારી વાત છે પરંતુ ખેત ઉત્પાદન અને દૂધ ઉત્પાદનના ભાવ વધુ મળે તેવી માંગણી છે.
સરકારશ્રી જો જાહેર જનતા માટે ચોરી, લુંટફાટ અને પરદેશીઓના આક્રમણ માટે પોલીસ, બી.એસ.એફ.ભારતીય સેના રાખી શકતી હોય વેપારી અને ફેક્ટરીઓ અને જાહેર જનતાના રક્ષણ માટે વ્યવસ્થા કરી શકતી હોય તો બિચારા – બાપડા ખેડૂત માટે નિલગાય, ભુંડના ત્રાસ માટે યોજના ન કરી શકે? શું આ ત્રાસને ઓછો કરવા પગલાં ન લઈ શકે? સરકાર આ ખેતીને નુકશાન કરતા પ્રાણીઓને ભલે મારી ના શકે પણ આ ત્રાસ માટે ૧૦૦% સહાયથી ખેતર ફરતે વાડ તો કરી શકે છે. આ નિલગાયને ખેતરમાં આવતી અટકાવવા ઘોડસવાર પોલીસ રાખી શકે છે. ટૂંકમાં કોઈપણ રીતે ભૂંડ અને નીલગાયનું ભેલાણ અટકાવવાની જવાબદારી સરકારશ્રીની છે.
જગતના તાત માટે કુદરતી આફતો સીધી સંકળાયેલી છે. પાક ખેતરમાં હોય અને કમોસમી વરસાદ, વાવાઝોડું અને ઠંડી-ગરમીના પ્રકોપથી કે રોગ જીવાતના ઉપદ્રવથી પાક સદંતર કે અડધો નાશ પામે તો આ માટે દરેક પાક માટે પાક વીમાના ધોરણો સરળ રાખવા જોઈએ અને આ પાક વીમાના નિયમો વધુ પડતા ચુસ્ત ન રાખતાં ખરેખર ખેડૂતને પાક વીમો મળી શકે તેવા ઉદાર રાખવા જોઈએ.
હાલમાં ખેતીના પિયતના પાણીના તળ ખૂબ જ ઉંડા ગયા છે. સરકાર ભલે વીજળીમાં સહાય આપી હોય પણ ૮૦૦ થી ૧૨૦૦ ફુટથી ખેતીના પિયત માટે ટ્યુબવેલ બનાવવામાં આવે છે. આ ટ્યુબવેલ બનાવવા માટેનું ખર્ચ ઘણુ જ વધારે આવે છે. ઉંડાઈથી પાણી ખેંચવાના કારણે દર વર્ષે ટ્યુબવેલનો મરામત ખર્ચ વધી જાય છે અને દર બે વર્ષે ટ્યુબવેલ ફેઈલ થઈ જાય છે. આમ કિસાનોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ખેતીના ધિરાણમાં ૧ વિઘામાં હાલમાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયા ધિરાણની મર્યાદા છે. તે વધારવાની જરૂરીયાત છે. ખેતીની જમીનના ભાવ ૧ વિઘાના ૫ થી ૨૫ લાખ છે તો તેના ૧૫% ધિરાણ મળે તેવી જોગવાઈ કરવાની જરૂરીયાત છે. ધંધા માટે બેન્કો કે સ્થાવર મિલકતને તારણમાં મૂકી ૭૦ થી ૮૦% ધિરાણ આપતી હોય તો ખેતી માટે સ્થાવર મિલકતના ૧૫% ધિરાણ આપવાની જરૂર છે. ધિરાણ વાર્ષિક ૧% ના દરથી બેન્કો અને સહકારી સંસ્થાઓ મારફતે મળવું જોઈએ. અબજો રૂપિયાની સહાય જો ઉદ્યોગો માટે સરકાર આપતી હોય તો ખેતી માટેની સહાયમાં સરકાર પાછી પાની કરે છે તે દરેક ખેડૂત સમજી શકે છે.
ગામડા અને શહેરી વિસ્તારમાં હેર કટીંગ સલુન, કપડાંની ઈસ્ત્રી કરવામાં, ચા-નાસ્તાવાળા તથા અન્ય વેપારીઓ યુનિયન બનાવી તેમજ એસોસીયન માટે લઘુત્તમ ભાવ(ઓછામાં ઓછા ભાવ)નું લીસ્ટર રાખી દર વર્ષે ૨૦ થી ૨૫% નો વધારો કરતા હોય તો બિચારો ખેડૂત જ સસ્તો દેખાય છે?
હવે જો સરકાર સફાળી નહી જાગે તો આવનાર દિવસોમાં ૮૦ થી ૮૫ ટકા ખેડૂતો ચુંટણીઓમાં એકતા સાધી ખેડૂત તરફી જ નીતિ બનાવનાર ધારાસભ્યને જ ચુંટીને મોકલશે. હવે ખેડૂતોની જાગૃતિ વધી છે. એટલે સરકાર ખેડૂતલક્ષી બજેટ બનાવે તો તે સરકારના હીતમાં જ રહેશે.
ઉત્તર ગુજરાતમાં નહેરના પાણીથી દરેક ગામના તળાવો ભરવાની વ્યવસ્થા તાકીદે કરવાની જરૂરીયાત છે. અને આ તળાવો ઉપર સરકારી લીફ્ટ યોજના બનાવી પિયત આપવાની ખાસ જરૂરીયાત છે.

Leave a Reply

Top