અષાઢી બીજે હરિહર સેવામંડળમાં રક્તદાન કેમ્પ – ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ

અષાઢી બીજે હરિહર સેવામંડળમાં રક્તદાન કેમ્પ – ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ

News, Prachar News No Comments on અષાઢી બીજે હરિહર સેવામંડળમાં રક્તદાન કેમ્પ – ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ

અષાઢી બીજે હરિહર સેવામંડળમાં રક્તદાન કેમ્પ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા માટે હરિહર સેવા મંડળ અને હરિહર સ્વયંસેવક સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગર પરિક્રમા કરવા નીકળતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાલભદ્રજીનુ સ્વાગત કરવા ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રથયાત્રા આકર્ષક બની રહે તે માટે વિવિધ કાર્યક્રમો પણ રથયાત્રામાં કરવામાં આવશે.
તા.૨૫-૬-૨૦૧૭ ને રવિવારના રોજ વિસનગરના માર્ગો “હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી”, “નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી”ના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઉઠશે. અષાઢી બીજના દિવસે હરિહર સેવામંડળ દ્વારા વર્ષે પરંપરાગત રીતે ૩૭ માં વર્ષે પણ રથયાત્રા કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાલભદ્રજી શહેરની પરિક્રમાએ નીકળશે ત્યારે તેમનુ ઠેર ઠેર સ્વાગત કરવા શહેરના ભક્તજનો આતુર બની રહ્યા છે. ભવ્ય રથયાત્રા માટે હરિહર સેવા મંડળ અને હરિહર સ્વયંસેવક સમિતિના કાર્યકરો દ્વારા તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે રથયાત્રાની પૂર્વ તૈયારીઓ માટે તા.૨૯-૫-૨૦૧૭ ના રોજ હરિહર સેવા મંડળમાં મોટી સંખ્યામાં મીટીંગ મળી હતી. રથયાત્રામાં દર વર્ષે શાળા અને કોલેજો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવે છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભજન મંડળીઓ પણ જોડાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડી.જે.ગૃપ પણ જોડાઈ રહ્યા છે. રથયાત્રાની ભવ્યતા માટે હરિહર સ્વયંસેવક સમિતિ દ્વારા વધારાના કાર્યક્રમો કરવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વેશભૂષા ઉપરાંત, વાલમથી ચાર બળદનુ ગાડુ, રજવાડી ઘોડા, રજવાડી ઘોડાની બગીઓ, જીપ બગીઓ, તોપ બગી, આદિવાસી ગૃપ, લોકનૃત્ય ગૃપ સુરેન્દ્રનગર, રાજસ્થાની નૃત્ય ગૃપ, નાસીક ઢોલ, સીધ્ધપુરની પ્રસિધ્ધ સરણાઈ ગૃપ, લોન્ગ મેન, મન્કી મેન, એરમેન કાર્ટુન, રથયાત્રાના લાઈવ દર્શન, સાધુ સંતોની નગરયાત્રા, વિગેરે આકર્ષણના કેન્દ્ર બનશે. રથયાત્રાનો વર્ષે પરંપરાગત રીતે કાકડી, મગ, જાંબુના પ્રસાદ ઉપરાંત્ત ૪૦૦ કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.
રથયાત્રા રવિવારના દિવસે હોવાથી બજારો ખુલ્લા રહે તે માટે આ દિવસે શહેરના તમામ બજારો ખુલ્લા રાખવા વેપારી મહામંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે વેપારી મંડળો અને શેરી-મહોલ્લાના મંડળોને તેમના વિસ્તારમાં રથયાત્રાના સ્વાગત માટે તોરણ બાંધવા જણાવ્યુ છે. રથયાત્રાના માર્ગો ઉપર શહેરના વેપારી મિત્રો, વેપારી એસોસિએશનો, વિવિધ સમાજના મંડળો, વિવિધ સંસ્થાઓ, મિત્ર મંડળો ઠંડુ પાણી, લીંબુ શરબત, છાસ, બીસ્કીટ, મહાપ્રસાદ, શરબત, ચા-નાસ્તો જેવા સેવાકેમ્પો કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ધાર્મિક કાર્ય સાથે સામાજીક કાર્ય થાય તે માટે હરિહર સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે હરિહર સેવા મંડળમાં સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રક્તદાન કરનારને જલારામ સેનેટરી તથા આશિર્વાદ પાઈપ દ્વારા આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે.

Leave a comment

Back to Top