વિસનગર પાલિકાની દુકાન ભાડાનુ ભૂત ફરી ધુણ્યુ  –  કરાર પૂરા થયા હોય તે દુકાનો ખાલી કરાવવા હિલચાલ

વિસનગર પાલિકાની દુકાન ભાડાનુ ભૂત ફરી ધુણ્યુ – કરાર પૂરા થયા હોય તે દુકાનો ખાલી કરાવવા હિલચાલ

News, Prachar News No Comments on વિસનગર પાલિકાની દુકાન ભાડાનુ ભૂત ફરી ધુણ્યુ – કરાર પૂરા થયા હોય તે દુકાનો ખાલી કરાવવા હિલચાલ

વિસનગર પાલિકાની દુકાન ભાડાનુ ભૂત ફરી ધુણ્યુ
કરાર પૂરા થયા હોય તે દુકાનો ખાલી કરાવવા હિલચાલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિ વાર
વિસનગર પાલિકાના ચીફ ઓફીસરે વિવાદાસ્પદ મૌખીક હુકમો કરતા પાલિકાની દુકાનોના ભાડાનુ ભૂત ફરી ધુણ્યુ છે. કરાર પુરા થયા હોય તે દુકાનો ખાલી કરાવી તેની ફરીથી હરાજી કરવાની હિલચાલથી દુકાનદારોમાં કચવાટ અનુભવાઈ રહ્યો છે. કેટલાક સભ્યો ચીફ ઓફીસરના આવા વલણનો ભારે વિરોધ કરી રહ્યા છે. વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે ચીફ ઓફીસરના આવા હુકમોથી શહેરમાં દુકાનદારોની રેલીઓ નીકળે અને વેપારીઓ ઉગ્ર આંદોલનના માર્ગે જાય તો નવાઈ નહી.
વિધાનસભાની ચુંટણી નજીક આવતા પાટીદાર અનામત આંદોલન, કસ્ટોડીયલ ડેથ મામલો, ખેડૂતોની રેલીઓ અને કોંગ્રેસના વિવિધ કાર્યક્રમોથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. તેવાજ સમયે જાણવા મળ્યા પ્રમાણે પાલિકા ચીફ ઓફીસર જયેશભાઈ પટેલે વિસનગર પાલિકાના માર્કેટની દુકાનોના ભાડા વધારવા તથા જે દુકાનોના કરારો પુરા થયા હોય તે વેપારીઓને નોટીસ આપી દુકાનો ખાલી કરાવી આ દુકાનોની ફરીથી હરાજી કરવાના મૌખીક હુકમથી પાલિકાની દુકાનોનો વિવાદ ફરીથી છંછેડાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તા.૧૩-૬-૨૦૧૭ ના રોજ સાંજના સમયે ચીફ ઓફીસરની ચેમ્બરમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તથા અન્ય સભ્યો બેઠા હતા. ત્યારે ચીફ ઓફીસરે પાલિકાની દુકાનનુ ભાડુ વધારવા તેમજ દુકાનો ખાલી કરાવી નવેસરથી હરાજી કરવાનો વિવાદાસ્પદ મૌખીક હુકમ કરતા હાજર તમામ સભ્યો ડઘાઈ ગયા હતા. આ સમયે પ્રમુખ હાજર હતા પરંતુ ચીફ ઓફીસરના આ વિવાદાસ્પદ હુકમ સામે કંઈ બોલી શક્યા નહોતા. ચીફ ઓફીસર અને પ્રમુખ વચ્ચે એવુ કેવુ ફીક્સીંગ થયુ છેકે વેપારીઓનુ અહીત કરતો નિર્ણય કરવા છતા પ્રમુખ કેમ બોલી શકતા નથી.
ચીફ ઓફીસરના આ વિવાદાસ્પદ હુકમ સમયે હાજર કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો. સભ્યોએ જણાવ્યુ હતુ કે ગત વર્ષ પાલિકાની દુકાનોનુ ત્રણ ઘણુ ભાડુ વધારી ચોરસ ફૂટે રૂા.૩ નો વધારો કરાયો હતો. જે ઠરાવ કલેક્ટરમાં રીવ્યુ કરી વેપારીઓની સંમતીથી રૂા.૧૫૦ ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે ત્યારે ચીફ ઓફીસર આ સભ્યો ઉપર તાડુકી બોલ્યા હતા કે મારે ચુંટાયેલી બોડીની જરૂર નથી. વહીવટ કરવાનો મારો અધિકાર છે. દુકાનોનુ ભાડુ વધારવા તેમજ કરાર પૂર્ણ થઈ ગયો હોય તે દુકાનોને નોટીસ આપી દુકાનો ખાલી કરાવવા જનરલમાં ઠરાવ કરૂ ત્યારે જે સભ્યોનો વિરોધ હોય તે વિરોધ લખાવી શકે છે. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે પાલિકા સભ્યોની ઉપરવટ થઈ ચીફ ઓફીસર જુલાઈ માસની પાલિકા જનરલમાં આ ઠરાવ કરે છેકે નહી.
અત્યારે ગઠબંધનના મહત્વના કહેવાતા પાલિકા સભ્યોની રીતસર અવગણના કરવામાં આવી રહી છે. આ સાત થી આઠ સભ્યો સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. પ્રમુખની ચુંટણીમાં વિરોધી જુથની અત્યારે દયનીય હાલત થઈ ગઈ છે. આ સભ્યોએ જણાવ્યુ હતુ કે અમારે પાલિકાની દુકાનોનુ ભાડુ વધારવામાં કે વેપારીઓની દુકાનો ખાલી કરાવવામાં કોઈ રસ નથી. અમે વેપારીઓ સાથે છીએ. વર્ષોથી જે વેપારીઓ દુકાનોમાં બેઠા છે તે હક્કદાર છે. ઓફીસરના આવા વિવાદાસ્પદ હુકમ સામે પ્રમુખ શકુન્તલાબેન પટેલ મૌન બેઠા હતા તે શંકા ઉપજાવે તેવી બાબત છે. ચીફ ઓફીસરની આવી વર્તણુક અને વિવાદાસ્પદ હુકમથી આવનાર સમયે વેપારીઓ શહેરમાં રેલી કાઢે કે ઉગ્ર આંદોલન કરવા મજબુર બને તો નવાઈ નહી.

Leave a comment

Back to Top