તંત્રી સ્થાનેથી….શાળા પ્રવેશોત્સવના ધતીંગથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી  –  શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને અન્ય પ્રવૃત્તિમાંથી મુક્તી આપવી જોઈએ

તંત્રી સ્થાનેથી….શાળા પ્રવેશોત્સવના ધતીંગથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી – શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને અન્ય પ્રવૃત્તિમાંથી મુક્તી આપવી જોઈએ

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી….શાળા પ્રવેશોત્સવના ધતીંગથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી – શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને અન્ય પ્રવૃત્તિમાંથી મુક્તી આપવી જોઈએ

તંત્રી સ્થાનેથી….


શાળા પ્રવેશોત્સવના ધતીંગથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી
શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને અન્ય પ્રવૃત્તિમાંથી મુક્તી આપવી જોઈએ

ગુજરાત સરકાર સંચાલીત સરકારી પ્રાથમિક શાળાઓનુ શિક્ષણસ્તર અન્ય રાજ્યો કરતા ઘણુ નીચુ છે. રાજસ્થાન જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આઈ.એ.એસ., આઈ.પી.એસ.જેવી ઉચ્ચ ડીગ્રી હાંસલ કરે છે. જ્યારે ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને બહાર નીકળતા વિદ્યાર્થીઓ ગુણવત્તાવાળા શિક્ષણના અભાવે ખાનગી નોકરી કે મજુરી કરવા મજબુર બને છે. છેલ્લા વર્ષોમાં સરકારી શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી ઉચ્ચ ડીગ્રી મેળવી હોય તેવો કોઈ કિસ્સો જોવા મળતો નથી. સરકારી શાળાઓમાં મોટા ભાગે ગરીબ, મધ્યમ વર્ગ કે મજુરીયાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે. સરકાર આવા વર્ગના બાળકો શાળામાં અભ્યાસ કરવા પ્રેરાય, અભ્યાસ કરવા લલચાય તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શાળા આરોગ્ય ચકાસણી, મધ્યાહ્‌ન ભોજન જેવી યોજનાઓ કરે છે. પરંતુ સરકાર દ્વારા લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચે કરાતી આવી યોજનાઓ અને કાર્યક્રમોથી ગરીબ, મધ્યમ વર્ગના બાળકોને કારકિર્દીની ઘડતર કરતુ કે ગુણવત્તાવાળુ કોઈ શિક્ષણ મળતુ નથી. જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના મા-બાપ સારી રીતે સમજે છે. પરંતુ આર્થીક સંકડામણમાં તેમના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ આપી શકતા નથી. સરકારી પ્રા.શાળાઓમાં શિક્ષણ કથળવા પાછળનુ કારણ હોય તો તે છે શિક્ષકો ઉપર વધારાનુ ભારણ. સરકાર પ્રા.શાળાના શિક્ષકોને શિક્ષણ આપવા માટે નહી પરંતુ વધારાની અન્ય કામગીરી માટે પગાર આપતી હોય તેમ જણાય છે. અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બી.એલ.ઓ.ની કામગીરી શરૂ થઈ છે. દર રવિવારે શિક્ષકોને જે તે બુથ ઉપર બેસવાનુ હોય છે. શિક્ષકોની આ કામગીરી ફક્ત રવિવારના દિવસ પુરતી હોય છે તેવુ નથી. શૈક્ષણિક કાર્ય દરમ્યાન ગમે ત્યારે વિગતો પુરી પાડવાનુ જણાવે તો શિક્ષણ કાર્ય બગાડી શિક્ષકને જવાબદારી નિભાવવી પડે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચુંટણીઓની કામગીરીમાં પણ શિક્ષકોને જોતરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવાર, યોગ દિન, માર્ગ સલામતી સપ્તાહ, સ્વચ્છ ભારત અભિયાન વિગેરે દિન અને સપ્તાહ દરમ્યાન શિક્ષકો અને શાળાના બાળકોને પરિપત્ર પાઠવી શિક્ષણ સીવાયની અન્ય પ્રવૃત્તિઓ કરવા મજબુર કરાય છે. ભાજપ સરકાર ભલે લોકોને પોતાની કામગીરી બતાવવા આવા તાયફા કરે પરંતુ આવા તાયફાથી શિક્ષણનુ સ્તર સુધરવાની જગ્યાએ નીચુ ગયુ છે. ભાજપ સરકારે આટલેથી નહી અટકી હવે શિક્ષણમાં રાજકારણ પણ ઘુસાડી દીધુ છે. સરકારના કાર્યક્રમોમાં પણ શિક્ષકો અને સંખ્યા બતાવવા સરકારી શાળાના બાળકોને જોતરવામાં આવી રહ્યા છે. ગ્રામ સભા હોય કે કૃષિ મેળો હોય તેમાં પણ શિક્ષકોને હાજર રહેવા ફરમાન કરાય છે. જેમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય બગાડી હાજર રહેવુ પડે છે. કોઈ મંત્રીનો કાર્યક્રમ હોય ત્યારે સંખ્યા બતાવવા સરકારી શાળાના બાળકોને હાજર રાખવામાં આવે છે. ભાજપ સરકારના આવા નિર્ણયો અને શૈક્ષણિક કાર્ય બગાડતા પરિપત્રોના કારણે સરકારી પ્રાથમિક શાળાઓનુ શિક્ષણ સુધર્યુ નથી પરંતુ કથળ્યુ છે. શાળા પ્રવેશોત્સવના ધતીંગો કર્યા કરતા ભાજપ સરકારે ખરેખર આ બાબતે ચીંતન કરવાની જરૂર છે.

Leave a comment

Back to Top