You are here
Home > News > ટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન

ટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન

ટીડીઓ વિજયભાઈ ચૌધરી અને ગામના આગેવાનોની સમજાવટથી
રંગાકુઈ માજી સરપંચના દબાણના વિવાદમાં બન્ને પક્ષકારોમાં સમાધાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારી કચેરીમાં જે અધિકારી પાસે પોતાની આગવી વહીવટી સુઝ અને બહોળો અનુભવ હોય તે અધિકારી ગમે તેવા વિવાદનો સંતોષકારક ઉકેલ લાવી શકે છે. વિસનગર તાલુકા પંચાયતના બિનભ્રષ્ટાચારી અધિકારી વિજયભાઈ ચૌધરીએ પોતાની વહીવટી સુઝ અને બહોળા અનુભવથી રંગાકુઈના માજી સરપંચ નેનાભાઈ માધાભાઈ ચૌધરીના ભાઈએ રસ્તા ઉપર કરેલ દબાણના વિવાદમાં ગત બુધવારે ગ્રામ પંચાયતમાં ગામના આગેવાનો અને વહીવટીતંત્રના કર્મચારીઓને સાથે રાખીને અરજદારને સંતોષકારક ન્યાય આપતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ અગાઉ ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ કમાણા ગામના દબાણમાં બન્ને પક્ષકારોને સંતોષકારક ન્યાય આપી ગામમાં થતા વિવાદનો કાયમી અંત લાવી ગામમાં એકતા અને સમરસતા જળવાય તેવુ ઉમદા કાર્ય કર્યુ હતુ.
વિસનગર તાલુકાના રંગાકુઈ ગામમાં મોટેભાગે ચૌધરી સમાજના લોકો રહે છે. જેમાં ગામના માજી સરપંચ ચૌધરી નેનાભાઈ માધાભાઈના ભાઈ ચૌધરી મણાભાઈ માધાભાઈએ તેમનુ પાકુ મકાન બનાવતી વખતે જાહેર રસ્તા ઉપર થોડુક દબાણ કર્યુ હતુ. છતાં ગામના લોકો અંદરો-અંદર વિખવાદ ઉભો ન થાય તે માટે દબાણ દુર કરાવવા કોઈ કાર્યવાહી કરતા નહતા. પરંતુ કોઈ કારણોસર ગામના રહીશ ચૌધરી ઈશ્વરભાઈ ભેમાભાઈએ ગત તા.૧૯-૧૧-૨૦૧૪ ના રોજ માજી સરપંચના ભાઈ ચૌધરી મણાભાઈ માધાભાઈ સહિત ૧૨ દબાણકર્તાઓના દબાણ દુર કરવા તાલુકા પંચાયતમાં અરજી આપી હતી. ત્યારબાદ અરજદારે ન્યાય મેળવવા તાલુકા, જીલ્લા તથા ગાંધીનગર સુધીની સબંધકર્તા કચેરીઓમાં પુરાવા સાથે લેખિત રજુઆત કરતા તત્કાલિન જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ ગત તા.૧૧-૭-૨૦૧૬ ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન મુખ્ય દબાણકર્તા માજી સરપંચના ભાઈએ પોતાનુ દબાણ અટકાવવા માટે જીલ્લા પંચાયતમાંથી સ્ટે લાવતા તંત્રએ બાકીનુ દબાણ દુર કર્યુ હતુ. ત્યારે અરજદારે માજી સરપંચનુ દબાણ હટાવવા માટે પુરાવા સાથે વહીવટીતંત્રમાં વારંવાર ધારદાર રજુઆતો કરતા છેવટે જીલ્લા વિકાસ અધિકારી એમ.બી.પટેલની સુચનાથી તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ ગત બુધવારે તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર લાલજીભાઈ સોલંકી, રૂપસંગજી ઠાકોર, બાકરપુર તલાટી મનહરભાઈ મોદી, હસનપુર તલાટી કાન્તિભાઈ પ્રજાપતિ, રંગાકુઈ તલાટી સુધીરભાઈ ચૌધરી, પૂર્વ તલાટી કનુભાઈ ચૌધરી, ગ્રામ પંચાયતના સરપંચ, તથા ગામના આગેવાનોને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અરજદાર ઈશ્વરભાઈ ભેમાભાઈ ચૌધરી તથા તેમના પત્નિ આશાબેનને પણ હાજર રાખવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા પહેલા ગામના સરપંચ સહિતના આગેવાનોની રજુઆતથી ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ અરજદાર ઈશ્વરભાઈ ચૌધરી તથા તેમના પત્નિ આશાબેનને દબાણના મુદ્દે સમજાવતા તેઓએ ગામમાં કાયમી શાન્તિ અને એકતાનુ વાતાવરણ જળવાઈ રહે તેવા હેતુથી પોતાની અરજી પાછી ખેચતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ ગામના માજી સરપંચના દબાણના વિવાદીત પ્રશ્નમાં ગામના સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા તાલુકા પંચાયતના સ્ટાફની મદદથી બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન કરવામાં સફળતા મળી હોવાનુ જણાવ્યુ હતુ. જોકે આ અગાઉ ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ પોતાની વહીવટી આગવી સુઝથી કમાણા ગામના દબાણના પ્રશ્નમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી ગામની એકતા જળવાય તેવુ ઉમદા કાર્ય કર્યુ હતુ. આમ ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ છેલ્લા એક વર્ષમાં તાલુકાનો વિકાસ કરવાની સાથે વિવાદો ઉકેલતા લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. આ કામગીરીમાં તાલુકા પંચાયતના ઉત્સાહી યુવાન કર્મચારી મેહુલભાઈ પટેલ તથા વિસ્તરણ અધિકારી બાબુભાઈ ચૌધરીએ પણ સારો સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Top