You are here
Home > News > આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા?

આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા?

આવુ કામ તો પાલિકા તંત્રમાંજ થાય
કેનાલનુ RCC કામ ચાલુ વરસાદમાં-કેવી વિચિત્રતા?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આપણા મકાનનુ આર.સી.સી.ધાબુ ભરાતુ હોય કે બીજી કોઈ આર.સી.સી.કામ થતુ હોય ત્યારે ધોધમાર વરસાદ આવે તો આર.સી.સી.કામ કરીએ ખરા? વરસાદની અનિશ્ચીતતાના સમયે કોઈપણ આર.સી.સી.કામ થાય નહી. પરંતુ સૌનુ એ કોઈનુ નહી. વિસનગર પાલિકામાં દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટર વરસાદમાં આર.સી.સી.કામ કરી રહ્યા છે. આ કેનાલની મજબુતી કેટલી રહેશે તે પ્રશ્ન છે.
વિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યોએ ચુંટણીના સમયે જાહેરમાં શપથ લીધા હતા ભ્રષ્ટાચાર કરીશુ નહી અને થવા દઈશુ નહી. ગઠબંધનના શાસનમાં પડેલ ટેન્ડરના વિકાસ કામ અત્યારે ચાલી રહ્યા છે. એમ.એન.કોલેજ રોડ ઉપર સવાલા દરવાજા નાળામાં હિરા બજારથી નાળા સુધી પાકી કેનાલનુ કામ ચાલી રહ્યુ છે. કેનાલનુ તળીયુ અને બન્ને સાઈડની આર.સી.સી.દિવાલ બનાવવામાં આવી રહી છે. ટેન્ડરનો વર્કઓર્ડર આપવામાં આવ્યો ત્યારે ગત શીયાળામાં કેનાલનુ કામ થઈ શકતુ હતુ. પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ સભ્યના દબાણમાં આવી બીજા વિકાસ કાર્યો કર્યા. જ્યારે આખો ઉનાળો પતી ગયા બાદ ચોમાસાની શરૂઆત થવાની હતી તે સમયે સવાલા દરવાજા કેનાલનુ કામ શરૂ કર્યુ. પટેલવાડી પાછળ સુધી કેનાલ બનાવી ત્યારબાદ વરસાદ શરૂ થયો. ચોમાસામાં આર.સી.સી.કામ કરવુ શક્ય નથી. ત્યારે નવાઈની વાત છેકે અત્યારે વરસાદની હેલી છે તેવા સમયે કોન્ટ્રાક્ટર દ્વારા ખીલાસરી પાથરી સીમેન્ટ, કપચી અને રેતનો માલ પાથરવામાં આવી રહ્યો છે. અત્યારે કેનાલના તળીયાનુ કામ ચાલી રહ્યુ છે. માલ નાખ્યા પછી તેને સુકાવવા માટે ૨૪ કલાક જરૂરી છે. ત્યારે એક બાજુ માલ નાખે છે ત્યારે બીજી બાજુ વરસાદ ચાલુ હોય છે. વર્ષો પછી વારંવારની રજુઆતો બાદ લાખ્ખો રૂપિયાના ખર્ચે કાચી કેનાલ પાકી બની રહી છે ત્યારે ચાલુ વરસાદમાં આર.સી.સી.ની કામગીરીની ગુણવત્તા કેટલી રહેશે.
નોંધપાત્ર બાબત છેકે અત્યારે બાંધકામ ચેરમેન ફુલચંદભાઈ પટેલ છે. પરંતુ ટેન્ડરમાં તથા બાંધકામ વિભાગની અન્ય બાબતોમાં તેમની અવગણના કરવામાં આવતા ચેરમેનની જવાબદારીમાંથી નિષ્ક્રીય થઈ ગયા છે. પ્રમુખ શકુન્તલાબેન પટેલ કે ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ વિકાસ કામના સ્થળે જોવા પણ મળતા નથી. જેથી કોન્ટ્રાક્ટર આડેધડ કામ કરી રહ્યા છે. ગઠબંધનના સભ્યોએ ભ્રષ્ટાચાર થવા દઈશુ નહી તેવા શપથ લીધા હતા તેનુ શું? ચુંટણી ટાણે મીટીંગો ગજવતી સંકલન સમિતિના સભ્યો પણ પાલિકામાં સત્તા આવ્યા બાદ ખોવાઈ ગયા છે. જોકે પાલિકામાં સંકલન સમિતિના સભ્યોનું કંઈ ઉપજતુ પણ નથી કે કોઈ ગણકારતુ પણ નથી. દેખરેખ વગર આવા જ વિકાસ કાર્યો થતા રહેશે તો પાલિકાના કરોડો રૂપિયાનો ખર્ચ એળે જશે જેની જવાબદારી ગઠબંધનના સભ્યો અને સંકલન સમિતિની રહેશે.

Leave a Reply

Top