You are here
Home > News > એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં

એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં

એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી-ખેડૂતોની અરજી
માર્કેટયાર્ડે એસ.કે.કોલેજને આપેલ રૂા.૫૧ લાખનુ દાન વિવાદમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડ દ્વારા એસ.કે.કોલેજની ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ છે. એક સંસ્થા બીજી સંસ્થાને મેળાપીપણામાં દાન આપી શકે નહી તેવી ખેડૂતોની અરજીના કારણે રૂા.૫૧ લાખનુ દાન વિવાદોમાં સપડાયુ છે. અરજી કરનાર ખેડૂતોની લાગણી છેકે માર્કેટયાર્ડમાં ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં દલા તલવાડી જેવો વહિવટ ચાલી રહ્યો છે.
વિસનગર માર્કેટયાર્ડમાં અત્યારે ચેરમેન તેમજ ધારાસભ્ય સ્પષ્ટ બહુમતી ધરાવે છે. પરંતુ બહુમતીની સત્તાના મદમાં લેવાયેલા નિર્ણયો ઘણી વખત સાપે છછુંદર ગળ્યા જેવા સાબીત થાય છે. માર્કેટયાર્ડમાં પ્રકાશભાઈ પટેલ ડીરેક્ટર છે. જેઓ માર્કેટયાર્ડની ચુુંટણીમાં પૂર્વ ચેરમેન પ્રહેલાદભાઈ ગોસાની પેનલને હરાવવા ધારાસભ્યની પડખે રહ્યા હતા. પ્રકાશભાઈ પટેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ છે. નૂતન કેળવણી મંડળના ચેરમેન છે. ત્યારે માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલે પ્રકાશભાઈ પટેલને ચુંટણીમાં કરેલી મદદની ભેટ સ્વરૂપ પ્રકાશભાઈ પટેલની સંસ્થામાં આકાર લઈ રહેલ ફીઝીયોથેરાપી કોલેજ માટે રૂા.૫૧ લાખનુ દાન જાહેર કર્યુ હતુ. માર્કેટયાર્ડ અત્યારે પગભર થઈ રહ્યુ છે, એવુ આર્થિક સક્ષમ નથી ત્યારે આવા સંજોગોમાં રૂા.૫૧ લાખના દાનની જાહેરાત કેટલાક ડીરેક્ટરોની નારાજગી વચ્ચે કરી હોવાનુ ચર્ચાય છે. માર્કેટયાર્ડ સાથે સંકળાયેલ કેટલાકની નારાજગી છેકે માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલના એકહથ્થુ શાસનમાં અત્યારે દલા તલવાડી જેવો વહિવટ થઈ રહ્યો છે. માર્કેટયાર્ડમાં પ્રકાશભાઈ પટેલ ડીરેક્ટર છે. ચેરમેન પછી માર્કેટયાર્ડની સત્તામાં બીજા નંબરનો હોદ્દો ધરાવે છે ત્યારે પોતાની સત્તાવાળી એક સંસ્થામાંથી મોટી આવક ધરાવતી બીજી સંસ્થામાં દાનરૂપે માર્કેટયાર્ડના રૂપિયા લઈ જવામાં આવી રહ્યા છે.
એસ.કે.યુનિવર્સિટીની ફીઝીયોથેરાપી કોલેજ માટે માર્કેટયાર્ડના ચેરમેન અને ડીરેક્ટરોએ ઠરાવ કરી નિયામકની મંજુરીની શરતે દાન જાહેર કરતા તાલુકાના કેટલાક જાગૃત ખેડૂતોએ ખેત ઉત્પાદન અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક ગાંધીનગરને અરજી કરી છેકે, નિયામકની મંજુરીની શરતે માર્કેટયાર્ડ દ્વારા રૂા.૫૧ લાખ દાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોના પરસેવાની કમાણી ખાનગી સંસ્થાને ડોનેશન રૂપે ન જાય તેમજ ખેડૂતોના પૈસા ખેડૂતોના ઉધ્ધાર માટે વપરાય તેવી લાગણી તાલુકાના ખેડૂત ભાઈઓની છે. ખેડૂતોએ અરજીમાં જણાવ્યુ છેકે માર્કેટયાર્ડના ડીરેક્ટર પ્રકાશભાઈ પટેલ એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન છે. જેથી એક સંસ્થા બીજી સંસ્થાને દાન આપી શકે નહી. માર્કેટયાર્ડના નાણાં તાલુકાના ખેડૂતોના વિકાસ માટે વપરાય તે જોવાની જવાબદારી નિયામકની છે. વિસનગરના સહકારી ક્ષેત્રનો શીરસ્તો છેકે બન્ને સંસ્થામાં કોઈ એક આગેવાન હોય અને એક સંસ્થા આવક કરતી હોય ત્યારે બીજી સંસ્થામાં નાણાં લઈ જવા, આવા નિર્ણયોના કારણેજ અગાઉ સંસ્થાઓ પડી ભાગી છે. જે માર્ગે માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જઈ રહ્યા છે. અરજી કરતા ખેડૂતોએ જણાવ્યુ હતુ કે એસ.કે.યુનિવર્સિટી તેમજ નૂતન કેળવણી મંડળ આવક કરતી સંસ્થાએ સંસ્થાની કોલેજો દ્વારા ઉંચી ફી ઉઘરાવી મોટી આવક કરવામાં આવી રહી છે. માર્કેટયાર્ડને દાન કરવુ હોય તો, તાલુકામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી ઘણી સરકારી શાળાઓ તથા સેવાભાવી સંસ્થાઓ છે. રાજકીય લાભમાં માર્કેટયાર્ડના નાણાં વેડફી શકાય નહી.
જોકે આ બાબતે માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, નિયામકશ્રીની મંજુરીની શરતે ફીઝીયોથેરાપી કોલેજને રૂા.૫૧ લાખનુ દાન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં માર્કેટયાર્ડના તમામ ડીરેક્ટરોની સર્વ સંમતી છે. પહેલા રૂા.૧૧ લાખ દાન આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ ડીરેક્ટરોની લાગણીથી રૂા.૫૧ લાખ દાનની રકમ નક્કી કરાઈ હતી. દાન જાહેર હિત માટે આપવામાં આવ્યુ છે. જેમાં કોઈ એક સમાજના નહી પરંતુ દરેક સમાજના બાળકો અભ્યાસ કરવાના છે. કોઈ એક સંસ્થા બીજી સંસ્થાને મદદ કરે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહી.

Leave a Reply

Top