You are here
Home > News > તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો

તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો

તાલુકાના સરપંચોએ બદલી માટે ધારાસભ્યને નહી પણ ડીડીઓ સમક્ષ રજુઆત કરી
ભાજપના ખોટા પીઠબળથી પંચાયત કર્મચારીનો કાંસા સરપંચ ઉપર હુમલો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલ ઉપર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની છત્રછાયા હોવાથી તે સરપંચો અને કોન્ટ્રાક્ટરો સાથે વારંવાર અસભ્ય વર્તન કરતા હતા. જેમાં ગત સોમવારે આ ભ્રષ્ટ કર્મચારીએ કાંસા ગામના વિકાસ કામનુ બિલ(એમ.બી.) લખવાના મુદ્દે ટી.ડી.ઓ. સહિત તાલુકાના અન્ય આગેવાનોની હાજરીમાં ભાજપની વિચારધારાવાળા કાંસાના સરપંચ અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપર અચાનક ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આ બનાવની વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલને જાણ થતા તેઓએ છાશવારે સરપંચો સાથે અસભ્ય વર્તન કરતા આ કર્મચારીની બદલી કરવા જીલ્લા વિકાસ અધિકારીને ધારદાર રજુઆત કરતા તેમને આ વિવાદિત કર્મચારીની પંચાયત માર્ગ અને મકાન વિભાગ કડી ખાતે તાત્કાલિક બદલી કરી હતી. જોકે નાયબ મુખ્યમંત્રીના વતનમાં બદલી થતા આ કર્મચારી પોતાની બદલી અટકાવવા ધમપછાડા કરતા હોવાનુ ચર્ચાય છે.
વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકાના દરેક ગામનો અદ્‌ભૂત વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. પરંતુ તાલુકા પંચાયતના વિકાસ શાખાના અ.મ.ઈ.ઓજસ પટેલના અસભ્ય વર્તન અને ભ્રષ્ટ નિતીના કારણે સરપંચો અને કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા હતા અને તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો હતો. આ બાબતની અગાઉ વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી સહિતના સરપંચોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને તાલુકાના સરપંચોને થતી હેરાનગતી દુર કરવા અ.મ.ઈ.ની બદલી કરવા વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ આ અ.મ.ઈ. ઓજસ પટેલ ધારાસભ્ય ઋષિભાઈના પડછાયાની જેમ રહેતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલના સગા થતા હોવાથી તેમની ભલામણથી ધારાસભ્ય અ.મ.ઈ.ની બદલી કરાવતા નહતા. જેના કારણે સરપંચોનો ધારાસભ્ય ઋષિભાઈ ઉપર અંદરખાને ભારે રોષ હતો. પરંતુ ગામના વિકાસકામો પૂરા કરવા સરપંચો અ.મ.ઈ.નો ત્રાસ સહન કરતા હતા. અને ધારાસભ્યના કાર્યાલયમાં જઈ ફોટા પડાવતા હતા. ધારાસભ્યની છત્રછાયા મળતા અ.મ.ઈ.ને કોઈપણ વ્યક્તિ સાથે અસભ્ય વર્તન કરવામાં કોઈનો ડર નહતો. બીજી બાજુ ઉમતા પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલ અ.મ.ઈ.ને બચાવવા તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીને ગુપ્ત ભલામણ કરતા હતા. અને બહાર સરપંચો આગળ પોતાને કોઈ લેવાદેવા ન હોવાનુ જણાવી તાલુકાનો વિકાસ રૂંધવાનો પ્રયત્ન કરતા હોવાનુ ચર્ચાતુ હતુ. જોકે પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની બેધારી નીતિને મોટાભાગના સરપંચો, આગેવાનો અને ભાજપના કાર્યકરો પણ ઓળખી ગયા છે. જેમાં દઢિયાળ ગામના આખાબોલા પૂર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરીએ તો સરપંચોની નારાજગી જોઈને ધારાસભ્ય ઋષિભાઈ પટેલને અંકિતભાઈ પટેલની ખોટી વાતોમાં ન આવવાની સલાહ આપી હોવા છતાં તેઓ આંખ આડા કાન કરતા હતા. જોકે વિનાશકાળે વિપરીત બુધ્ધિની જેમ આ અ.મ.ઈ.એ ગત સોમવારે કાંસા ગામના વિકાસ બીલો (એમ.બી.) લખવાના મુદ્દે ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરી, ઘાઘરેટ સરપંચ ભીખાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રબારી રંગપુર, શૈલેશભાઈ રબારી (ખંડોસણ) તથા અન્ય કર્મચારીઓની હાજરીમાં કાંસા ગામના સરપંચ અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપર અચાનક ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ઝપાઝપી કરતા ઓફીસમાં હાજર લોકો તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ બનાવમાં ટી.ડી.ઓ.ઓફીસના બારીનો કાચ તૂટી ગયો હતો. છતાં કાંસા સરપંચે આ કર્મચારી વિરુધ્ધ પોલીસ કેસ કરવાનુ ટાળ્યુ હતુ. આ અગાઉ ઓજસ પટેલે બીજા સરપંચોની જેમ વાલમના બાહોશ પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલ સાથે તેમના ગામના વિકાસ બીલ બાબતે અસભ્ય વર્તન કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. ત્યારબાદ ઓજસ પટેલે કાંસા સરપંચ ઉપર હુમલો કર્યો હોવાનુ હિરેનભાઈ પટેલને જાણ થતા તેઓએ તાલુકાના બીજા સરપંચોને આ કર્મચારીનો ત્રાસ સહન ન કરવો પડે તે માટે જીલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલને ધારદાર રજુઆત કરતા ગત ગુરૂવારે અ.મ.ઈ.ઓજસ પટેલની પંચાયત માર્ગ અને મકાન વિભાગ કડી ખાતે બદલી કરવામાં આવી છે. અ.મ.ઈ.ની બદલી કરતા તાલુકાના સરપંચો અને કોન્ટ્રાક્ટરોએ વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે હિરેનભાઈએ બે દિવસ અગાઉ ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈને વાતવાતમાં ટોણો મારતા કહ્યુ હતુ કે ઓજસ પટેલ તમારો સગો થતો હોય તો તેને ઘરે બોલાવી શીરો ખવડાવાય. પણ ખોટો સપોર્ટ આપીને તાલુકાના સરપંચો અને કોન્ટ્રાક્ટરોને ખોટા હેરાન ન કરાય. જો આ કર્મચારી ટી.ડી.ઓ.ની હાજરીમાં તેમનીજ ઓફીસમાં ભાજપની વિચારધારાવાળા અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ઉપર હુમલો કરવાની હિંમત કરે તો બીજા સામાન્ય સરપંચોની શુ હાલત થાય તે વિચારવા જેવુ છે.

Leave a Reply

Top