You are here
Home > News > ના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ

ના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ

ના.મુખ્યમંત્રી નિતીનભાઈના હસ્તે સાંકળચંદદાદા ઉપવનનુ લોકાર્પણ
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એસ.કે. યુનિવર્સિટીના કેમ્પસમાં જીલ્લા કક્ષાના ૬૮ મા વન મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સાંકળચંદ દાદા ઉપવનમાં વૃક્ષ વાવીને જીલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અનુ.જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, ઉંઝા ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, એસ.કે.પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાન્ડે, વનસંરક્ષક એલ.જે.પરમાર, નાયબ વનસંરક્ષક વાય.એલ.વર્મા, જીલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ સહિત તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા એસ.કે.યુનિવર્સિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે બેરીસ્ટર સ્વ.કનૈયાલાલ મુન્શીએ સમગ્ર દેશમાં વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અને આપણા દેશમાં છેલ્લા ૬૮ વર્ષથી વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશમાં ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વીક સમસ્યાઓના નિવારણ માટે વૃક્ષોનું વાવેતર શ્રેષ્ઠ ઉપાય છે. ગ્લોબલ વોર્મિંગની અસરો સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા જાગૃત કર્યા છે. અને આ મહોત્સવ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જાતિના ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે. જેમાં મહેસાણા જીલ્લામાં ૨૩ લાખ રોપાઓનુ વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં મહેસાણા જીલ્લો ૬૭ લાખ લીમડા સાથે પ્રથમ નંબરે છે. નાયબ મુખ્યમંત્રીએ જીલ્લાના તમામ પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષોનુ વાવેતર કરી તેનું જતન કરવા અપીલ કરી હતી. જ્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, પહેલા વન મહોત્સવના કાર્યક્રમો સરકારમાં બતાવવા માટે કરવામાં આવતા હતા. પરંતુ વર્ષ-૨૦૦૧ માં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી વૃક્ષોનુ વાવેતર કરી તેનુ જતન કરવામાં આવે છે. તેમજ જે લોકો સામેથી રોપા લઈ જાય છે તેવા લોકો જ વૃક્ષોનું જતન કરે છે. પરાણે આપેલા રોપાઓનો ક્યારેય ઉછેર થતો નથી. આ ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓને ખેતરના શેઢા ઉપર વાવેલા નડતરરૂપ ન હોવાનુ તથા આવા વૃક્ષોનુ માવજત કરવી પડતી ન હોવાનું જણાવી ખેતરના શેઢા ઉપર વૃક્ષો વાવવાની લોકોને સલાહ આપી હતી. આ મહોત્સવમાં વિસનગર તાલુકામાં રોડની આજુબાજુમાં વૃક્ષોના વાવેતર માટે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ.વિજયભાઈ ચૌધરીને રૂા.૮,૩૭,૫૦૦ નો ચેક તથા મહેસાણા તાલુકા પંચાયતને રૂા.૧૮,૨૧,૧૪૯ નો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અધિકારી વાય.એલ.વર્માએ મહેસાણા જીલ્લામાં વૃક્ષોના વાવેતરની માહિતી આપતા જણાવ્યુ હતુ કે જીલ્લામાં વર્ષ-૨૦૧૩ માં ૨ કરોડ ૩૬ લાખ વૃક્ષોની ગણતરી કરાઈ હતી. જેમાં ગ્રામિણ કક્ષાએ ૧ હેક્ટરે ૫૮ વૃક્ષ, તથા શહેરી વિસ્તારમાં ૧ હેક્ટરે ૭ વૃક્ષનું વાવેતર જોવા મળ્યુ હતુ. પરંતુ વિસનગર નગરપાલિકા તથા સ્થાનિક લોકોની જાગૃતીના લીધે વિસનગરના શહેરી વિસ્તારમાં ૧ હેક્ટરે ૧૪ વૃક્ષનુ વાવેતર જોવા મળ્યુ હતુ. વધુમાં તેમને મહેસાણા જીલ્લાના ૨૩ લાખ રોપાના વાવેતરના લક્ષ્યાંક સામે ૭ લાખ રોપાઓનુ વાવેતર કરાયુ છે. જ્યારે જુલાઈ મહિનાના અંત સુધીમાં ૨૩ લાખ રોપાઓનુ વાવેતર પૂર્વ કરવાની ખાત્રી આપી હતી.

Leave a Reply

Top