You are here
Home > News > ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી

ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી

ભાજપના શાસનમાં એન.એ.વિસ્તારના વિકાસની પોકળ વાતો
ઉબડખાબડ રોડ ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા દેશે નહી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રજાને વચનો આપીને દિલ્હીમાં ગાદી મેળવી છે. પરંતુ ભાજપના શાસનમાં વિકાસના નામે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ લોકોમાં ચર્ચાય છે. જેમાં વિસનગરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીનો રોડ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ નિતિના લીધે આજદીન સુધી રોડ ટકાઉ બન્યો નથી. નવો રોડ ચાર-છ મહિનામાં તૂટી જતા લોકોને ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થવુ પડે છે. ત્યારે ભાજપ સરકારે ભ્રષ્ટાચારી બાબુઓ સામે કડક પગલા ભરી સ્વચ્છતા અભિયાનની જેમ ભ્રષ્ટાચાર નાબુદ કરવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરવા જોઈએ. જોકે આ કાર્યવાહી કરવી ભાજપ સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે ગત વિધાનસભાની ચુંટણીમાં પ્રજાના મતો મેળવવા માટે રોડ, ગટરલાઈન તથા પીવાના પાણીની સુવિધા આપવાના વચનો આપ્યા હતા. જેમાં ધારાસભ્યએ ભાજપનો ગઢ ગણાતા કાંસા એન.એ.વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનું વચન આપી પ્રજાના મતો મેળવ્યા હતા. પરંતુ ધારાસભ્ય બન્યા પછી ઋષિભાઈએ તેમના દસ વર્ષના શાસનમાં કાંસા એન.એ.વિસ્તારનો કોઈ વિકાસ કર્યો નથી. જેમાં કાંસા રોડ તો ભ્રષ્ટાચાર કરવા બનતો હોય તેમ વારંવાર બને છે. સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનતો રોડ આજે પણ કેટલોક ઉબડખાબડ છે. રોડ ઉપરના મસમોટા ખાડામાં વાહનચાલકો પટકાય છે. રોડ ઉપર વર્ષોથી ઉભરાતા ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ કરાયો નથી. લોકોનુ કહેવુ છેકે પાટીદાર અનામત આંદોલન બાદ કાંસા રોડ ઉપરથી ભાજપના કોઈ મંત્રી ગાડી લઈને પસાર થયા નથી. જો કોઈ મંત્રી કાંસા તરફના ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થાય તો ભાજપના શાસનમાં વિસનગર તાલુકાનો કેવો વિકાસ થયો હશે તેનું અનુમાન કરે? જેમાં કોઈ મંત્રીને ચોમાસાની સિઝનમાં એન.એ.ની દલીત વિસ્તારની સોસાયટીઓમાં લઈ જવામાં આવે તો તેમને લોકો કેવી કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે તેની ખબર પડે. આતો ધારાસભ્ય ઋષિભાઈ દલીતોને ભાજપની વોટબેંક બનાવવા તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાત્રી આપે છે અને ચૂંટણીમાં વિજયી બન્યા પછી તેમના વિસ્તારમાં ક્યારેય ફરકતા જ નથી. આમ ધારાસભ્યએ એન.એ.ની પ્રજાને વિકાસના ઠાલા વચનો આપીને બે વિધાનસભાની ચુંટણીમાં તેમના મત મેળવ્યા છે. પરંતુ આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો કોઈપણ ઉમેદવાર વિકાસના વચનો આપીને એન.એ.વિસ્તારના મતદારોને ઉલ્લુ બનાવી શકશે નહી. કારણકે ધારાસભ્યના વિકાસના વચનો એન.એ.ની પ્રજા આજદીન ભૂલી નથી. એન.એ.ના મતદારો “દૂધનો દાઝયો છાશ ફુકીને પીવે” તે કહેવતની જેમ ભાજપના કોઈપણ ઉમેદવારના પ્રભાવમાં આવ્યા વગર પોતાનો મનસ્વી નિર્ણય લઈ મતદાન કરશે તે ચોક્કસ છે.

Leave a Reply

Top