બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પુર પ્રકોપ ત્યારે – વિસનગર પંથકમાં પાંચ દિવસમાં ૭ ઈંચ વરસાદ

બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પુર પ્રકોપ ત્યારે – વિસનગર પંથકમાં પાંચ દિવસમાં ૭ ઈંચ વરસાદ

News, Prachar News No Comments on બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પુર પ્રકોપ ત્યારે – વિસનગર પંથકમાં પાંચ દિવસમાં ૭ ઈંચ વરસાદ

બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પુર પ્રકોપ ત્યારે
વિસનગર પંથકમાં પાંચ દિવસમાં ૭ ઈંચ વરસાદ

વિસનગરમાં કયા દિવસે કેટલો વરસાદ નોંધાયો તેની માહિતી
સવારે ૭-૦૦ થી બીજા દિવસ સવારે ૭-૦૦ સુધીના આંકડા
       તારીખ              મી.મી.
૨૨-૭ થી ૨૩-૭         ૦૯
૨૩-૭ થી ૨૪-૭        ૫૭
૨૪-૭ થી ૨૫-૭       ૭૫
૨૫-૭ થી ૨૬-૭        ૩૨
૨૬-૭ થી ૨૭-૭        ૧૫
તા.૨૭-૭ ને શુક્રવાર સુધી
કુલ વરસાદ ૩૭૧ એમ.એમ. / ૧૪.૬૦ ઈંચ નોંધાયો છે.

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઝપટમાં  લેતા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જીલ્લામાં પૂર પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધોધમાર વરસાદની રાહ જોતા વિસનગર પંથકમાં પાંચ દિવસમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદમાં પણ પાલિકા અને શહેરના હાઈવે રોડ ધોવાતા રોડ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તે સાબીત થયુ છે. ધીમી ધારના સતત વરસાદના કારણે દેળીયા તળાવમાં પાંચ ફૂટ જેટલુ પાણીની આવક થઈ છે. આટલા ઓછા વરસાદમાં પણ શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સુન કામગીરીના ધજીયા ઉડ્યા હતા.
મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી કરી હતી. ત્યારે તા.૨૩-૭ ને રવિવારના દિવસથી મેઘાએ ઉત્તર ગુજરાત ઉપર તોફાની બેટીંગ કરતા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લામાં મેઘ મહેરની જગ્યાએ મેઘકહેર જોવા મળી હતી. જેમાં વિસનગર પંથકમાં ૧૯૯૭ માં બે દિવસમાં ૩૩ ઈંચ વરસાદની હોનારત યાદ કરી હવામાન વિભાગની આગાહી બાદ ફરીથી વિસનગર પંથકમાં પુર હોનારત તો નહી સર્જાયને તેની ચીંતા સૌને સતાવતી હતી. પરંતુ બનાસકાંઠા, પાટણની જેમ મેઘરાજાએ વિસનગર ઉપર મેઘ પ્રકોપની જગ્યાએ ધીમી ધારે શ્રીકાર વર્ષા કરી હતી. તા.૨૨-૩ ને શનિવારના દિવસે ૯ એમ.એમ.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૮૩ એમ.એમ. નોંધાયો હતો. જેમાં પાંચ દિવસમાં ૧૭૯ એમ.એમ. એટલે કે ૭ ઈંચ વરસાદ પડ્યો હતો. વિસનગર ઉપર મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરવાનુ ટાળ્યુ હતું. તેમ છતાં ધીમી ધારના વરસાદના દિવસોમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. બે-ત્રણ ઈંચ વરસાદમાં શહેરમાં જ્યા કાયમ પાણી ભરાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે તે વિસ્તારો જેવા કે ગંજબજાર, એમ.એન.કોલેજ મુસ્લીમ બોર્ડીંગ પાછળના રોડ, સવાલા દરવાજા, બસ સ્ટેન્ડ આદર્શ વિદ્યાલય પાસે સાત પીપળી પીંડારીયા જવાના રોડ ઉપર, કાંસા રોડ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની નિષ્ફળતા છતી થઈ હતી.
મહેસાણા જીલ્લાના આસપાસના તાલુકાના પ્રમાણમાં વિસનગરમાં ઘણો ઓછો વરસાદ નોંધાયો હતો. આખા દિવસમાં ત્રણ ઈંચથી વધારે વરસાદ થયો નથી તેમ છતાં શહેરના ડામરના રોડ તૂટી ગયા હતા. મોટા ખાડા સર્જાયા હતા. એમ.એન.કોલેજ રોડ ઉપર પંડ્યાના ખાડા પાસેના નાળાની આસપાસ, એસ.ટી.સ્ટેન્ડનો પાછળનો અને આગળનો રોડ, દિપરા દરવાજા ઢાળથી વિજાપુર તરફ, તેમજ ઢાળથી કડા રોડ તરફ, સવાલા દરવાજા કાળકા માતાના મંદિર સામે, આદર્શ વિદ્યાલય લક્ષ્મી સોસાયટી આગળ, સવાલા દરવાજા રોટરી સર્કલ પાસે, મહેસાણા રોડ સહજાનંદ સ્કુલ આગળ, એમ.એન.કોલેજથી બસ સ્ટેન્ડ તરફનો રોડ, વિગેરે વિસ્તારના ડામરના રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હતા. જેમાં ડામર રોડ બનાવતા કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારી કામગીરી ખુલ્લી પડી હતી. દેણપ રોડ ઉપર ધુળીમાનુ પરૂ અને દેસાઈ નગર સોસાયટીમાં શુક્રવારના દિવસ સુધી પાણી ભરાયા હતા. પાલિકા તંત્રએ આ વિસ્તારમાંથી પાણી કાઢવા કોઈ તસ્દી લીધી નહોતી. ભાજપના ગત બોર્ડમાં ભારે વરસાદના દિવસે તત્કાલીન પ્રમુખ અને સભ્યો અડધી રાત્રે પાણીનો નિકાલ કરવા નીકળી જતા હતા. તેવી કામગીરી ગઠબંધનના બોર્ડમાં જોવા મળી નહોતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જી.ડી.હાઈસ્કુલના મેદાનમાં પાણી ભરાતા પ્રાથમિક શાળાના બાળકોનો અભ્યાસ બગડ્યો હતો. ધીમી ધારનો પણ સતત વરસાદના કારણે બજારોના ધંધા મંદા જોવા મળ્યા હતા. એકધારા વરસાદથી દેળીયા તળાવનો વેળો શરૂ થતા તળાવમાં પાણીની આવક થઈ હતી. લગભગ ચાર થી પાંચ ફૂટ પાણીની આવક થઈ હતી. પાલડી ત્રણ રસ્તાથી તળાવના ગેટ સુધીના નેળીયામાં પાલિકાએ ઝાડી સાફ નહી કરતા તળાવમાં આવતા પાણીનો પ્રવાહ રોકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ભલે મેઘકહેર કરી હોય પરંતુ વિસનગર પંથક ઉપર મેઘ મહેર કરી છે. નહીતો મોટી તારાજી સર્જાઈ હોત.

Leave a comment

Back to Top