પાલિકાનો સ્મશાનમાં બ્લોક નાખવાનો ખર્ચ એળે જશે

પાલિકાનો સ્મશાનમાં બ્લોક નાખવાનો ખર્ચ એળે જશે

News, Prachar News No Comments on પાલિકાનો સ્મશાનમાં બ્લોક નાખવાનો ખર્ચ એળે જશે

પાલિકાનો સ્મશાનમાં બ્લોક નાખવાનો ખર્ચ એળે જશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની છેલ્લી બે જનરલોમાં જે તે વોર્ડના સભ્યો તેમના સમાજના સ્મશાન ગૃહોમાં બ્લોક નાંખવાનો પ્રસ્તાવ લાવે છે. પાલિકા દ્વારા તે મંજૂર કરી જનરલમાં ઠરાવો કરવામાં આવે છે. તે સરાહનીય છે. પણ જ્યારે શહેરમાં અદ્યતન સ્મશાનગૃહ બની રહ્યું હોય તેવા સમયે પાલિકા દ્વારા કરાતો બ્લોક પાછળનો લાખ્ખો રૂપિયા ખર્ચ કદાચ અલ્પ સમય માટેનો પણ સાબિત થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર પાલિકાની છેલ્લા બે જનરલોમાં અન્ય ઠરાવો કરતા સમાજના સ્મશાનગૃહોમાં બ્લોક નાંખવાના ઠરાવો વિશેષ છે. સ્મશાનગૃહોમાં બ્લોક નાંખવા તે આવશ્યક છે. પણ જ્યારે શહેરમાં અદ્યતન સ્મશાનગૃહ ટૂંક સમયમાં લોકાર્પણ થશે ત્યારે બ્લોક નાંખેલુ સ્મશાનગૃહ ઓછી સગવડવાળુ સાબિત થશે ત્યારે તાત્કાલિક નહિ પણ થોડા વર્ષો બાદ અન્ય સમાજો દ્વારા નવીન સ્મશાનગૃહનો ઉપયોગ કરાશે ત્યારે પાલિકા દ્વારા કરાયેલો બ્લોક નાંખવાનો લાખ્ખો રૂપિયાનો ખર્ચ બિન-ઉપયોગી થાય તો નવાઈ નહિ. નવીન સ્મશાનગૃહની કારોબારી શહેરના તમામ સમાજોને મળી નવીન આધુનિક સ્મશાનગૃહમાં સદ્‌ગતના અંતિમ સંસ્કાર લાવવા માટે વિનંતી કરનાર છે. ત્યારે સ્મશાનગૃહમાં નાંખેલા બ્લોક બિનઉપયોગી થઈ શકે છે. શહેરમાં તમામ સમાજના સ્મશાનગૃહો છે. મોટાભાગના સ્મશાનગૃહોની જમીનો પણ મોટી છે. સમાજના વડીલો કદાચ વર્ષો જૂના સ્મશાનગૃહનો ઉપયોગ બંધ કરી અદ્યતન સ્મશાનગૃહમાં જવા સંમત થાય તો સ્મશાનગૃહની મોટી જમીન સમાજની વાડી કે શૈક્ષણિક હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય. પ્રવર્તમાન સંજોગોમાં પાર્ટી પ્લોટો અતિ મોંઘા બનેલ હોવાથી સમાજની વાડીઓ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની સમાજ માટે આવક પણ કરી શકે છે. કોર્પોરેટરો સ્મશાનગૃહમાં બ્લોક નંખાવવા માટે જે ઠરાવો કરાવી રહ્યા છે તેના ખર્ચના રૂપિયા વોર્ડમાં અન્ય કામો માટે વાપરી શકે છે. કોર્પોરેટરોએ બ્લોક નંખાવવાની કરેલી કાર્યવાહી સરાહનીય છે. પણ સાર્વજનિક સ્મશાનગૃહમાં જવાના સંજોગો ઊભા થયા છે. તે માટે ચોક્કસ વિચારશે ખરા? કદાચ આ પેઢી નવીન સ્મશાનગૃહ નહિ અપનાવે તો આવતી પેઢી તો જરૂરથી અપનાવશે. નવીન સ્મશાનગૃહમાં અદ્યતન સગવડો છે. સાથે સાથે મૃત્યુની નોંધણી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વડીલોના મૃત્યુ પછી પાલિકામાં નોંધણી કરાવવા જવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળશે. આ બાબતે પાલિકા સભ્યો વિચારે તે જરૂરી છે.

Leave a comment

Back to Top