સતલાસણામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

News, Prachar News No Comments on સતલાસણામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

સતલાસણામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

મહેસાણા

૭૧ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સતલાસણા આર.એમ. પ્રજાપતિ આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ધ્વજ વંદન અને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે  જણાવ્યું હતું કે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્બભાઇ મોદીના નેતૃત્વમાં દેશ સુખ,શાંતિ અને સલામતીનો અનુંભવ કરી રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વે દેશની પ્રગતિ,શાંતિ,સલામતી અને સમૃધ્ધી માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઇએ. આ પાવન પર્વે અખંડ ભારતની કલ્પના સાથે દેશનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે. વડાપ્રઘાનશ્રીએ ગુજરાતને માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી જેના માટે આપણે સૌ તેમના ઋણી રહીશું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા આપણી પ્રાથમિકતા છે અને સર્જિકલ સ્ટ્રાઇક તેનું મહત્વ સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં ભારતની મહત્તા વધી રહી છે.દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રને ગૌરવ અને સન્માન મળ્યું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સંકલ્પથી સિધ્ધીના વિઝન ૨૦૨૨ પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપેલ નવા ભારત’ના નિર્માણ માટે ‘ટીમ મહેસાણા’  કામ કરી રહી છે. આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર અને જાતિવાદ મુક્તની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી.નાયબ મુખ્યમંત્રીશ્રીએ મેઇક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા થકી રાષ્ટ્ર વિકાસની દોટ તરફ આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે ૭૧મા સ્વાતંત્ર્ય દિવસે સૌથી મોટી ખુશીની વાત એ છે કે ૧૯૪૬માં સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા યોજના- સરદાર સરોવર ડેમની કલ્પના કરી હતી-સ્વપ્ન સેવ્યું હતું અને ર૦૧૭માં શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ- ભારતના વડાપ્રધાને દરવાજા બંધ કરવાની પરવાનગી આપીને ડેમનું સંપૂર્ણ કામ પુરૂં કર્યું છે. ડેમના દરવાજા બંધ કરીને ગુજરાતના વિકાસના દરવાજા સંપૂર્ણ ખોલી આપ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતને દશે-દિશાએથી આપણે વિકાસ તરફ લઇ જવા માંગીએ છીએ. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના પુર્ણ થતાં રાજ્યનો સીધો ફાયદો થનાર છે. નર્મદા યોજનાના દરવાજા બંધ થતાં ત્રણ ગણાથી પણ વધારે પાણી ભરાશે જેનાથી રાજ્યની સમૃધ્ધીમાં વધારો થનાર છે.

આ પ્રસંગે સતલાસણા તાલુકાના વિકાસ માટે રૂપિયા રૂ.૨૫ લાખનો ચેક કલેકટરશ્રી આલોક કુમારને અર્પણ કર્યો હતો..  આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું. રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનારાઓમાં સાર્વજનિક વિધાલયના તસ્નીમ ઇરફાનઅલી મીર,પ્રગતિ ચૌધરી.ખોડીયાર એજ્યુકેશન ટ્ર્‌સ્ટના શિતલબહેન ઠાકોર,હેતલ બહેન ઠાકોર સહિત રમતવીરોનું સન્માન કરાયું હતું.  આ ઉપરાંત શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કામલી અને ભુણાવના આરોગ્ય અધિકારીઓનું સન્માન કરાયું હતું. જિલ્લાના બાળકો દ્વારા યોગ નિર્દશન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.જેમાં સનેડો,અમે ગુજરાતી લેહરી લાલા,સ્વર્ણિમ ગુજરાત ગીત અને દેશભક્તિ ગીતો રજુ કરાયા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુંભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.. કાર્યક્રમના અંતે પોલીસબેન્ડ પર રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. આ ઉપરાંત રક્તદાન કેમ્પની મુલાકાત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુંભાવો અને જનમેદનીએ સ્વચ્છતાના સંકલ્પ શપથ લીધા હતા. કાર્યક્રમમાં સંસદિય સચિવ ભરતસિંહ ડાભી, અનુંસુચિત જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી આલોક કુમાર, ,જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક,અધિક કલેકટર રમેશ મેરજા, નર્મદા નિગરના ડિેરેકટર વી.એસ. રાવલ, કાંસાના પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ,અગ્રણી નાગરિકો, જનમેદની અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Back to Top