તંત્રી સ્થાનેથી….. સુપ્રીમ કોર્ટનો ત્રિપલ તલાકનો ચુકાદોમુસ્લિમ સમાજની ભાવિ પેઢી માટે આશિર્વાદરૂપ બનશે

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી….. સુપ્રીમ કોર્ટનો ત્રિપલ તલાકનો ચુકાદોમુસ્લિમ સમાજની ભાવિ પેઢી માટે આશિર્વાદરૂપ બનશે

 

 

તંત્રી સ્થાનેથી

સુપ્રીમ કોર્ટનો ત્રિપલ તલાકનો ચુકાદોમુસ્લિમ સમાજની ભાવિ પેઢી માટે આશિર્વાદરૂપ બનશે

તાજેતરમાં ત્રિપલ તલાક પ્રથા ઉપર છ મહિના સુધી સાંસદને કાયદો ઘડવા સુપ્રીમે આદેશ આપ્યો છે. ત્રિપલ તલાકની પ્રથા ૧૪૦૦ વર્ષ જૂની પ્રણાલિ છે. આ પ્રથા પરંપરાગત ચાલી આવતી પ્રથા છે. ૨૧ મુસ્લિમ દેશોમાં ૧૫ દેશોમાં ત્રિપલ તલાક માટે પાબંધી છે. તો શું આ દેશના મુસ્લિમો મુસ્લિમ નથી? કુરાન કે હદીશમાં ત્રણ તલાકનો ક્યાંય ઉલ્લેખ નથી. જેથી આ પ્રથા સાથે ધર્મને જોડવો જોઈએ નહિ. આ પરંપરાગત પ્રથા છે. ત્રિપલ તલાકમાં માણસ આવેશમાં આવીને તલાક તલાક તલાક બોલી જાય તો પતિ-પત્નિના સંબંધો તે જ સ્થળે અને તેજ સમયે તૂટી જાય છે, તે કેવુ? લગ્નજીવન એ ખુદાની આપેલી દેનગી છે. તે દેન ફક્ત એક સેકન્ડમાં તોડી કઈ રીતે શકાય? માણસ જ્યારે આવેશમાં આવે છે ત્યારે તેની વિચારશક્તિ બંધ થઈ જાય છે. તે શું કરે છે, શું બોલે છે તેનું ભાન હોતું નથી. બંધ થયેલી વિચારશક્તિ વખતે વગર વિચારે બોલાયેલા ત્રણ તલાકના શબ્દોનો અમલ કરવો તે બુદ્ધિગમ્ય નથી. જ્યારે આવેશ ઓછો થાય ત્યારે પસ્તાવો થાય છે. પણ બોલેલા શબ્દોથી વર્ષોનો સંબંધ પળમાં તૂટી જાય, સ્ત્રી અને બાળકો નિરાધાર થાય આ કેવું? જ્યારે માણસ ક્રોધમાં, આવેશમાં આવી કોઈને તલવાર મારે કે છરી મારી, મોત નિપજાવ્યા બાદ આવેશ ઓછો થયા પછી પસ્તાવામાં રોતા જોવાના અનેક બનાવો છે. આવેશ અંધ વસ્તુ છે. જેમાં માણસ સુધબુધ ગુમાવી દે છે. વિચારશક્તિ શુન્ય થઈ જાય છે. માણસ ગમે તે કરી બેસે છે. આવા વખતે બોલાયેલા શબ્દો ત્રિપલ તલાકનો અમલ થાય તે ઘણું ખોટુ છે. હિન્દુ સમાજમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય ત્યારે પત્ની પિયર જતી રહીશ, મારે તમારી સાથે રહેવું નથી, હું ગમતી નથી આવો આક્રોશ વ્યક્ત કરે છે. પણ સાંજે બન્ને સ્કુટર ઉપર પાઉંભાજી, પુરીપકોડી ખાવા જતા જોવા મળે છે. આવેશ એ ક્ષણિક છે. મુસ્લિમ સમાજમાં ત્રિપલ તલાક કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુધ્ધની પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી જે લોકો ચુસ્ત મુસ્લિમ ધર્મ પાળનાર છે તેમને આ વાત ગળતી નથી. પણ આ લોકો પણ વિચારે કે આ કાયદાથી તેમની દીકરી બહેનને ફાયદો થશે. તો તેમનો વિરોધ શમી જશે. ત્રિપલ તલાક બંધ તે કોઈ ધર્મની પ્રક્રિયાનો વિરોધ નથી મુસ્લિમ ધર્મ ગ્રંથ કુરાન કે હદીશમાં ત્રણ તલાકનો ઉલ્લેખ નથી. કુરાનમાં તો કહેવાયું છે કે જ્યારે મીયા-બીબી વચ્ચે અલગ થવાની નોબત આવે ત્યારે નજીકના સંબંધીઓ બન્નેને સમજાવી સંબંધો સુધારે. આમ છતાં વાત ન બને તો બીબીનો ટાઈમનો પીરીયડ આવે અને પૂરો થાય ત્યાં સુધી રાહ જોઈને ઓછામાં ઓછા બે જવાબદાર વ્યક્તિની હાજરીમાં પતિએ પત્નિને હું તને તલાક આપુ છું એવું કહેવાનું હોય છે. આ પછી ત્રણ મહિના સુધી પત્નિએ પોતાના પિયરમાં રહેવાનું હોય છે. આ સમય દરમ્યાન તલાકનો ફેંસલો પાછો લઈ શકાય છે. જે સાક્ષીઓ સામે કહેવું પડે છે કે મારો ફેંસલો પાછો ખેંચી લીધો છે. તલાક માટે આટલો બધો સમય કુરાને પાકમાં અપાયો છે ત્યારે ત્રિપલ તલાકની વાત કઈ રીતે આવી? ત્રિપલ તલાક તો લઘુમતિઓની આળપંપાળ રાખી છેલ્લા ૭૦ વર્ષથી કોંગ્રેસ સરકાર મુસ્લિમ મહિલાઓના ભોગે વોટબેંક ટકાવી રાખી છે. ઈન્દોરની મુસ્લિમ મહિલાએ ભારતીય કાયદા મુજબ ભારતમાં રહેતા દરેક વ્યક્તિને તે કાયદો લાગુ પડે તેવી ભરણપોષણની રીટ સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૯૮૫ માં મુસ્લિમ મહિલાની ભરણપોષણની વાત માન્ય રાખી ૨૩ એપ્રિલ ૧૯૮૫ માં ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો. પણ ૧૯૮૬ માં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકારે મુસ્લિમ સમાજના દબાણમાં આવી સુપ્રીમ કોર્ટના આદેશને લોકસભામાં ફેરવી નાંખ્યો હતો. આ સાબિત કરે છેકે કોંગ્રેસેજ આજ દિન સુધી મુસ્લિમ મહિલાઓના હક્ક ડુબાડ્યા છે. ૩૧ વર્ષ સુધી મુસ્લિમ મહિલાઓ તેની ઉપર થતો ત્રાસ, અન્યાય, અપમાન અને અવહેલનાનો ભોગ બની છે. તેનું કારણ કોંગ્રેસ સરકાર છે. પરણીત મુસ્લિમ સ્ત્રીઓને વધુ ૩૧ વર્ષ પતિથી દબાઈને રહેવું પડ્યું છે. ભાજપ સરકારના પ્રયત્નોથી સુપ્રીમ કોર્ટના આદેશથી મુસ્લિમ મહિલાઓ લગ્નજીવન બચાવવા, પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કોર્ટમાં જઈ શકશે. હવે તલાકસુદ મુસ્લિમ મહિલા બિચારી, નિરાધાર, સમાજનાં અપમાનિત નહિ રહે. તે ફક્તને ફક્ત ભાજપ સરકારને આધારીત છે. દેશની કરોડો મુસ્લિમ મહિલાઓ હવે આઝાદીનો શ્વાસ મેળવી શકશે. હવે મુસ્લિમ મહિલાઓને હલાલાનો આશરો લઈ અપમાનિત અને શરમીંદગીનો ભોગ નહિ બનવું પડે. મુસ્લિમ સમાજમાં જે લોકો ચુસ્ત ધર્મ વાદી છે તેમને આ ચુકાદો માન્ય નહિ હોય. પણ જો તે પોતાના ઘર સામુ જોઈ પોતાની દીકરી પોતાની બહેનનુ લગ્નજીવન આ કાયદાથી ટકી જશે તેવું વિચારે તો તેમનો પણ વિરોધ રહેશે નહિ.

Leave a comment

Back to Top