પાલિકામાં કમિટિઓ લેવા લોબીંગ થાય છે ત્યારે  સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીમાં સ્વચ્છતા ચેરમેન ગેરહાજર

પાલિકામાં કમિટિઓ લેવા લોબીંગ થાય છે ત્યારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીમાં સ્વચ્છતા ચેરમેન ગેરહાજર

News, Prachar News No Comments on પાલિકામાં કમિટિઓ લેવા લોબીંગ થાય છે ત્યારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીમાં સ્વચ્છતા ચેરમેન ગેરહાજર

પાલિકામાં કમિટિઓ લેવા લોબીંગ થાય છે ત્યારે

સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીમાં સ્વચ્છતા ચેરમેન ગેરહાજર

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

વિસનગર પાલિકામાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો શુભારંભ કરાયો હતો. જેમાં પ્રમુખ ઉપરાંત્ત ગણ્યાગાઠ્યા સભ્યો તથા કર્મચારીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છતા ચેરમેનને મહત્વની ભૂમિકા હોવી જોઈએ ત્યારે સ્વચ્છતા ચેરમેન ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રત્યે સભ્યોની ઉદાસીનતા જોઈ એ કહી શકાય કે ગઠબંધનના સભ્યો સ્વચ્છતા પ્રત્યે કેટલા જાગૃત છે. ગઠબંધનના સભ્યો લોકોના આરોગ્યની ઐસીતૈસી કરી રહ્યા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી વિસનગર પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જેમાં તા.૧૫-૯-૨૦૧૭ ને શુક્રવારના રોજ પાલિકા પ્રમુખની ઓફીસમાં પ્રમુખ શકુન્તલાબેન પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા પખવાડીયાનો શુભારંભ કરાયો હતો. જેમાં પ્રમુખ ઉપરાંત બે-ત્રણ સભ્યો અને કર્મચારીઓએ હાજરી આપી હતી. આ પખવાડીયામાં સિવિલ હોસ્પિટલ, એમ.એન.કોલેજ મેદાન, સુકા ભીના કચરાનુ વર્ગીકરણ, ડસ્ટબીન વિતરણ, માર્કેટયાર્ડમાં સફાઈ, બસ સ્ટેન્ડ અને બાગની સફાઈ, દેળીયા તળાવની સફાઈ, જી.ડી.હાઈસ્કુલમાં સ્વચ્છતા પ્રતિજ્ઞાનો કાર્યક્રમ, ચુંટાયેલા પદાધિકારી, મહિલા, બાળકો એન.જી.ઓ.ને સામેલ કરી શ્રમદાન કાર્યક્રમ, વિવિધ સ્થળે સ્વચ્છતા પાલિકા હસ્તકની ઓફીસોમાં સફાઈ, જાહેર શૌચાલયમાં સ્વચ્છતા, શહેરના તમામ પેટ્રોલપંપ, રેસ્ટોરંટના શૌચાલયનો સામાન્ય નાગરિક ઉપયોગ કરી શકે તે માટે સંમતિપત્રક મેળવવાની કામગીરી વિગેરે કાર્યક્રમો કરવાના થાય છે.

શહેરના જાહેર માર્ગો ઉપર નિયમિત સ્વચ્છતા થાય છે. પરંતુ સોસાયટી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા થતી નથી. શહેરના એવા ઘણા વિસ્તારો છેકે જ્યા કચરાના ઢગ છે ગંદકી ફેલાયેલી રહે છે. સ્વચ્છતા પખવાડીયાની તક ઝડપીને પાલિકાના ગઠબંધનના સભ્યોએ જોડે રહી સ્વચ્છતા કરાવવી જોઈએ. ત્યારે સ્વચ્છતા પખવાડીયાના શુભારંભ દિને મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા. સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી માટે સ્વચ્છતા ચેરમેન આશાબેન જયેશભાઈ પ્રજાપતિની વિશેષ જવાબદારી બની રહે છે. ત્યારે પખવાડીયાના શુભારંભ દિને સ્વચ્છતા ચેરમેનજ હાજર રહ્યા નહોતા પછી બીજા સભ્યોની શુ આશા રાખી શકાય. નોંધપાત્ર બાબત છેકે પાલિકા કમિટિઓની જ્યારે વહેચણી કરવામાં આવે છે ત્યારે સભ્યો દ્વારા લોબીંગ કરી સારી કમિટિઓ લેવા પડાપડી થતી હોય છે. જ્યારે શહેરીજનોના આરોગ્ય માટેનો કાર્યક્રમ સ્વચ્છતા પખવાડીયા માટે સભ્યો નીરસતા દાખવી રહ્યા છે. ખરેખર સભ્યોએ તો આ પખવાડીયાની તક ઝડપી શહેરનો ખુણેખુણો સ્વચ્છ કરાવવો જોઈએ. વર્ષોથી ગંદકી રહે છે, જ્યાં નિયમિત સ્વચ્છતા થતી નથી ત્યાં સ્વચ્છતા કરાવી ગંદકી મુક્ત કરવા જોઈએ. પરંતુ પાલિકામાં ચુંટાનાર મોટાભાગના સભ્યોમાં મેવા ખાવાની ભાવના જોવા મળે છે, પરંતુ સેવા કરવાની ભાવના ઓછી જોવા મળે છે.

Leave a comment

Back to Top