વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮મા જન્મદિન નિમિત્તે  વડનગર વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ-બાલક્રિડાંગણનુ લોકાર્પણ-સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮મા જન્મદિન નિમિત્તે વડનગર વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ-બાલક્રિડાંગણનુ લોકાર્પણ-સ્વચ્છતા અભિયાન

News, Prachar News No Comments on વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮મા જન્મદિન નિમિત્તે વડનગર વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ-બાલક્રિડાંગણનુ લોકાર્પણ-સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮મા જન્મદિન નિમિત્તે

વડનગર વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ-બાલક્રિડાંગણનુ લોકાર્પણ-સ્વચ્છતા અભિયાન

  • વિશ્વના દરેક વડાપ્રધાનો પોતાના પરિવારો સાથે બીજા દેશોમાં કે ટાપુઓ ઉપર ફરવા જાય છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકપણ રજા લીધા સીવાય સતત દેશસેવાનું કાર્ય કરી રહ્યા છે-જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલ
  • બહારગામથી વડનગરના ઐતિહાસિક સ્થળો જોવા આવતા પર્યટકો નરેન્દ્રભાઈ મોદીની ટીકા ન કરે તે માટે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની છે-સોમાભાઈ મોદી

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,         રવિવાર

સર્વોદય સેવા ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત વડનગરમાં વિસામો વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા ગત રવિવારે વડનગરના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૮મા  જન્મદિન નિમિત્તે વૃધ્ધાશ્રમના પટાંગણમાં વૃક્ષારોપણ, બાલક્રિડાંગણનુ લોકાર્પણ તથા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડનગર વિસામો ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ મોદી, મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલ તથા તેમના ધર્મપત્ની નેહાબેન પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, હિમાલીયા ઈન્ટરનેશનલ કંપનીના એમ.ડી.મનમોહન મલીક, વડનગર સ્વામિનારાયણ             ગુરૂકુળના ટ્રસ્ટી નારાયણવલ્લભ શાસ્ત્રીજી, મહેસાણા ખોડીયારગૃપના ચેરમેન કાન્તિભાઈ પટેલ, પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ સોનિયાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ સુનિલભાઈ મહેતા, વડનગર જવાહર નવોદયના પ્રિન્સીપાલ વિજયકુમાર સહિતના આગેવાનો, જવાહર નવોદયના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસામો વૃધ્ધાશ્રમ ટ્રસ્ટના પટાંગણમાં બાળક્રિડાંગણના વિકાસ માટે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાએ રૂા.૧,૫૦,૦૦૦નું દાન આપ્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ સુનિલભાઈ મહેતાએ મહેમાનોનુ સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ વિસામો ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ મોદીના વરદ્‌ હસ્તે આમંત્રીત તમામ મહેમાનોને પુષ્પગુચ્છ, શાલ તથા વડનગર કિર્તીતોરણ અને મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતી ભેટ આપી સન્માન કરાયુ હતુ.

આ પ્રસંગે નારાયણવલ્લભ શાસ્ત્રીજીએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે, વડનગરની ભૂમી વિરપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમી છે. જે આપણા બધા માટે ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાત અને ભારત દેશનો દિનપ્રતિદીન વિકાસ થયો છે તેમ જણાવી દેશમાં જી.એસ.ટી.ના લવાયેલ કાયદાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ત્યારે આપણે બધાએ તેમના જન્મદિને તેમનુ આરોગ્ય નિરોગી રહે અને ભગવાન દિર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના સાથે તેમના સંકલ્પો પુરા કરવા સહભાગી બનીએ તો સાચા અર્થમાં તેમનો જન્મદિન ઉજવ્યો કહેવાય. આ સાથે શાસ્ત્રીજીએ જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઈ મોદીની કોઈ વ્યક્તિએ નિયુક્તિ કરી નથી. આતો ભગવાને એક મહાન પુરુષને ધરતી ઉપર સેવા કરવા મોકલ્યો છે. ત્યારે આપણે આવા મહાન વિર પુરુષની જન્મભૂમિમાં બીજા કોઈપણ પક્ષને પેસવા દેવો ન જોઈએ. જ્યારે જવાહર નવોદયના પ્રિન્સીપાલ વિજયકુમારે જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ તેમના શાસનમાં ગુજરાત અને ભારતભરમાં અનેક વિકાસકામો કરી લોકપ્રિયતા મેળવી છે. નરેન્દ્રભાઈ મોદી વડનગરની જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓના પ્રેરણાસ્તોત્ર છે. જેના કારણે જવાહર વિદ્યાલય વડનગરમાં થતા સરકારી કાર્યક્રમોમાં સહભાગી બને છે. વધુમાં તેમને વડનગરમાં મલ્ટીપરપઝ હોલનો શિલાન્યાસ ઝડપી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે હિમાલીયા ઈન્ટરનેશનલ પ્રા.લી.ના એમ.ડી. મનમોહન મલીકે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા તથા આખા હિન્દુસ્તાનના હિરો છે. જેમાં તેમને ભૂતકાળની વાતો વાગોળતા જણાવ્યુ હતું કે, મેં નરેન્દ્રભાઈ મોદી સાથે વિદેશમાં ઘણા પ્રવાસો કર્યા છે. નરેન્દ્રભાઈએ ભારતમાં બુલેટ ટ્રેન લાવવાનું સ્વપ્ન વર્ષ-૨૦૧૨ માં જોયુ હતુ, જેનો હુ સાક્ષી છું. ત્યારે આપણા પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન સહિતના તમામ સંકલ્પો સફળ કરવાની જવાબદારી બધાની છે તેમ જણાવી નરેન્દ્રભાઈ મોદીને દેશની સેવા કરવા માટે ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જ્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આપણા દેશની આઝાદી બાદ તા.૨૫-૫-૨૦૧૪ પછી ભારતનો રોકેટગતીએ વિકાસ થઈ રહ્યો હોવાનુ એક દૈનિકપત્રમાં લખ્યુ હતું. વધુમાં તેમને વડાપ્રધાન મનમોહનસિંહ અને નરેન્દ્રભાઈ મોદી બન્નેની સરકારમાં કામ કર્યુ હોવાનું જણાવ્યુ હતુ. જેમાં તેમને નરેન્દ્રભાઈ મોદીની કાર્યપધ્ધતિની ભારોભાર પ્રશંસા કરી ભગવાનના નવ અવતારોમાં નરેન્દ્રભાઈ મોદીનો કલગી અવતાર ગણાવ્યો હતો. આ સાથે તેમને નરેન્દ્રભાઈ મોદી વિશ્વના માર્ગદર્શક અને યુગપુરુષ છે તેમ જણાવ્યુ હતુ. જેમને ઉંમર અને થાક સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ દિવસમાં સતત ૧૮ થી ૨૦ કલાક કામ કરે છે. આવા મહામાનવ સાથે નજીકથી કામ કરવાનું મને સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયુ હતુ તેનો મને આનંદ છે. ભગવાન નરેન્દ્રભાઈ મોદી જેવા મહામાનવનુ આરોગ્ય નિરોગી રાખે અને દિર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના કરી હતી. જ્યારે વડનગરના સામાજીક કાર્યકર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જ્યેષ્ઠ ભ્રાતા સોમાભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પહેલા પાણીની સમસ્યાના લીધે મહેસાણા જીલ્લાના લોકોને બહાર સ્થળાંતર કરવા મજબુર થવુ પડતુ હતુ. પરંતુ ભાજપના શાસનમાં સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદાનું પાણી મળતા લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે વડનગરનો વિકાસ કરવાની જવાબદારી શહેરના તમામ નાગરિકોની છે. જેમાં બહારગામથી ઐતિહાસિક સ્થળો જોવા આવતા પર્યટકો નરેન્દ્રભાઈ મોદીની ટીકા ન કરે તે માટે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બધાની છે. વધુમાં તેમને જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડનગરનું પાણી પણ પીધુ નથી, ઘરનું ખાધુ પણ નથી. જેઓ વિશ્વની વિભૂતી છે તેનો આપણે વર્ગ લઈએ છીએ. અત્યારે બહારના રાજ્યોમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ લેવાથી સામેવાળી વ્યક્તિની માનસિકતા બદલાઈ જાય છે અને સામેવાળી વ્યક્તિ સારી દૃષ્ટિએ જોવે છે. જ્યારે પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવાના મુદ્દે તેમણે જણાવ્યુ હતું કે, જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર રાત્રે તાત્કાલિક મીટીંગ કરી સફાઈ કામદારોને કાયમી ઓર્ડર આપવાનું મહત્વનું કાર્ય કર્યુ હતુ. જેમની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. સોમાભાઈ મોદીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ આરોગ્ય નિરોગી રહે અને ભગવાન તેમને દિર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના કરી તમામ લોકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. જ્યારે મહેસાણા જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, વર્ષ-૧૯૪૬ માં સરદાર પટેલે સરદાર સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૭ માં પુર્ણ કરવા સિંહફાળો આપ્યો છે. અગાઉ નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના તમામ કલેક્ટરોને વર્ષ-૨૦૨૨ સુધીમાં દરેક વિકાસ કામોમાં પ્રગતિ કરવા માટે પ્રયત્નશીલ રહેવા સંકલ્પો લેવડાવ્યા હતા. જ્યારે વડનગરની વાત કરતા જણાવ્યુ હતું કે, વડનગરનો ઈતિહાસ સાડાચાર હજાર વર્ષ જુનો છે. આખુ વડનગર હીલ ઉપર વસેલુ છે. જ્યાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક અવશેષો મળી રહ્યા છે અને આગામી સમયમાં ખોદકામ દરમિયાન અનેક પ્રાચિન અવશેષો મળવાની શક્યતા છે. જેના કારણે વડાપ્રધાને વડનગરનુ નામ સમગ્ર વિશ્વમાં પ્રસ્તાપિત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ ભારતમાં સૌથી મોટામાં મોટી ઉણપ હોય તો તે સ્વચ્છતાની છે, ત્યારે કેરાલા અને શ્રીલંકા જેવા સ્થળોની સ્વચ્છતાના વખાણ કરી વડનગર પાલિકાના સફાઈ કામદારો અને પાલિકાના નગરસેવકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે તેમને સફાઈ કામદારોને કાયમી ઓર્ડર આપવાના મુદ્દે સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, પૂર્વ પાલિકા પ્રમુખ સુનિલભાઈ મહેતા, પાલિકા પ્રમુખ સોનિયાબેન પટેલ, રાજુભાઈ મોદી સહિતના આગેવાનોના પ્રયત્નોથી પાલિકાના સફાઈ કામદારો કાયમી થયા હોવાનુ જણાવ્યુ હતુ. જોકે આ સેવાકાર્યમાં પોતે માત્ર નિમિત બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપધ્ધતિ બાબતે જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ષ-૨૦૦૧ થી અમે કામ કરી રહ્યા છીએ. જેઓએ તેમના શાસનમાં ગુજરાતમાં દરેક કર્મચારી કર્મયોગી બનીને નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે વિશ્વના દરેક વડાપ્રધાનો પોતાના પરિવારો સાથે બીજા દેશોમાં કે ટાપુઓ ઉપર ફરવા જાય છેે, જ્યારે આપણા વડાપ્રધાન એકપણ રજા લીધા સિવાય સતત દેશસેવાનુ કાર્ય કરી રહ્યા છે. જેઓ બિમારીમાં પણ સારવાર લઈને પોતાના સેવાકાર્યમાં લાગી જાય છે. ત્યારે આવા પ્રજાભિમુખ યુગપુરુષના જીવનમાંથી પ્રેરણા લઈને તેમના સંકલ્પો નિષ્ઠાપૂર્વક પુરા કરવા આપણે રામાયણમાં રામસેતુની ખિસકોલીની જેમ ભૂમિકા ભજવીને તેમને સહયોગ આપવો જોઈએ. આ કાર્યક્રમની આભારવિધિ પાલિકા સભ્ય નિલેશભાઈ શાહે કરી હતી. કાર્યક્રમનું સફળ એન્કરીંગ મામલતદાર કચેરીના કર્મચારી રાજુભાઈ મોદીએ કર્યુ હતુ.

Leave a comment

Back to Top