વિસનગરમાં કોંગ્રેસનુ વિજય શંખનાદ મહાસંમેલન યોજાયુ  પાટીદારો ભાજપને ક્યારેય મત નહી આપે-રાજા બ્રરા

વિસનગરમાં કોંગ્રેસનુ વિજય શંખનાદ મહાસંમેલન યોજાયુ પાટીદારો ભાજપને ક્યારેય મત નહી આપે-રાજા બ્રરા

News, Prachar News No Comments on વિસનગરમાં કોંગ્રેસનુ વિજય શંખનાદ મહાસંમેલન યોજાયુ પાટીદારો ભાજપને ક્યારેય મત નહી આપે-રાજા બ્રરા

વિસનગરમાં કોંગ્રેસનુ વિજય શંખનાદ મહાસંમેલન યોજાયુ

પાટીદારો ભાજપને ક્યારેય મત નહી આપે-રાજા બ્રરા

< શંકરસિંહ બાપુ રાજકારણમાંથી પરમપૂજ્ય થઈ ગયા છે-રાજા બ્રરા >

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર

વિસનગરના કાંસા રોડ ઉપર આવેલ આસોપાલવ પાર્ટીપ્લોટમાં ગત મંગળવારે સાંજે મહેસાણા જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખીને વિજય શંખનાદ મહાસંમેલનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પંજાબના યુવા ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરીન્દરસિંહ રાજા બ્રરા સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર ઉપર નોટબંધી, મોંઘવારી અને કિસાનોને ન્યાય આપવાના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં શહેર-તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેતા આસોપાલવ પાર્ટીપ્લોટ ખીચોખીચ ભરાઈ ગયો હતો.

આ સંમેલનમાં ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીએ માજા મુકી છે. અત્યારે ભાજપના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને ટેકાના ભાવો ન મળતા આત્મહત્યા કરવા મજબુર થાય છે. જ્યારે વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમારે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જૂઠુ બોલવુ, જોરથી બોલવુ અને વારંવાર બોલવાનું સૃુત્ર અપનાવાય છે. ભાજપ છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં વિસનગરમાં એકપણ ઉદ્યોગ સ્થાપી શક્યુ નથી. વિસનગર તાલુકાના લોકોને રોજગારી આપતી એક સ્પિનીંગ મીલ હતી. તેમાં પણ માર્કેટ બનાવ્યુ છે. જ્યારે કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળાએ જણાવ્યુ હતું કે, ભાજપ સરકારે આણંદમાં નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારી તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીના નોટબંધી અને જી.એસ.ટી.ના નિર્ણયથી વેપારીઓ અને યુવાનોમાં ભારે રોષ છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ઓ.બી.સી.ને અનામત કોંગ્રેસ સરકારે આપી હતી. ભાજપ સરકારે તો અંગ્રેજોની નિતી અપનાવી ભાગલા પાડી રાજ કરવાનુ કામ કર્યુ છે. ત્યારે આવનારી વિધાનસભાની ચુંટણીમાં લોકો ભાજપને સત્તાથી દુર કરી બતાવશે. જ્યારે શામળભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના વતનના જીલ્લામાં એકપણ ઉદ્યોગ સ્થાપ્યો નથી. ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીથી લોકો ખૂબજ નારાજ છે. ત્યારે આવનારી વિધાનસભાની ચુંટણીમાં આપણો ઉમેદવાર માત્ર પંજો છે તેવુ માનીને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા હાકલ કરી હતી. જ્યારે કોંગ્રેસના પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ હતું કે, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં જીત્યા પછી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બન્યો છે. જેથી આવનારી વિધાનસભાની ચુંટણીમાં વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતથી વિજય થશે. જ્યારે કોંગ્રેસ અગ્રણી પશાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારમાં ખેડૂતો, યુવાનો અને ગરીબોને જીવવું મુશ્કેલ થયુ છે. જ્યારે કોંગ્રેસ સરકારે ગરીબી દુર કરવાનુ કામ કર્યુ હતુ. આજે ભાજપના હોદ્દેદારો મિડીયા સમક્ષ બોલી ન શકે તેવા કામો કર્યા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યુ હતું કે, નરેન્દ્રભાઈ મોદી પ્રજા આગળ જૂઠુ બોલીને વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો વિદેશમાંથી કાળુ નાણું પાછુ લાવી દરેકના બેન્ક ખાતામાં રૂા.૧૫ લાખ જમા કરાવવાની જાહેરાત કરી હતી. પરંતુ આજદીન સુધી તેઓ વિદેશમાંથી કાળુ નાણું પાછુ લાવી શક્યા નથી. આવુ જાહેરમાં જૂઠુ બોલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનારી ચુંટણીમાં કોંગ્રેસમાં મતદાન કરી કરાવી જડબાતોડ જવાબ આપવા કાર્યકરોને અપીલ કરી હતી. વધુમાં તેમને આપણો દેશ રંગો અને બિલ્લો ચલાવી રહ્યા છે તેવુ જણાવી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે પંજાબના યુવા ધારાસભ્ય રાજા બ્રરાએ તેમના વક્તવ્યમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર ઉપર આકાર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, મેં નાનપણમાં ઘણા બધા જાદુગરો અને મદારી જોયા છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી જેવા મદારીને મેં ક્યારેય જોયા નથી. નરેન્દ્રભાઈએ મનસ્વી તધલખી નિર્ણય લઈને રાતોરાત નોટબંધી કરતા દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હેરાન થવું પડ્યુ હતુ. નોટબંધી વખતે પૈસાવાળા અમીર માણસો બેંકની લાઈનમાં ઉભા રહેલા કોઈએ જોયા નથી. નરેન્દ્રભાઈની ભાજપ સરકારમાં પેટ્રોલ, ડીઝલ, દાળ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવવધારાથી લોકોને જીવવુ મુશ્કેલ બન્યુ છે. આજે નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધીની જેમ જી.એસ.ટી.લાગુ કરતા વેપારીઓમાં ભારે રોષ છે. જોકે નોટબંધીથી કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગના પરિવારોને ફાયદો થયો નથી. જો સરકારે નવી નોટો છાપવામાં જેટલો ખર્ચ કર્યો તેટલા રૂપિયા ગુજરાતમાં વાપર્યા હોત તો આજે વિકાસ ગાંડો થયો ન હોત. વધુમાં તેમને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં સોનાના મંદિરો હોવા છતાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા બનાવવા માટે ચાયનાની મદદ લેવી પડી છે. નરેન્દ્રભાઈ મોદી ચુંટણી ટાણે બુલેટ ટ્રેન યાદ કરી લોકોને ખોટા સપના બતાવી રહ્યા છે. જો તેમને બુલેટ ટ્રેન લાવવી હતી તો ત્રણ વર્ષ પહેલા કેમ ન લાવ્યા? આજે ગુજરાતમાં વિકાસ ગાંડો થતા લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. જો ગુજરાતમાં પરિવર્તન નહી આવે તો ભાજપના શાસનમાં લોકોની હાલત વધુ કફોડી બનશે. જેમાં પાટીદારોની વાત કરતા જણાવ્યુ હતું કે, પાટીદારોએ તેમની ઉપર થયેલા અમાનુષી અત્યાચાર સામે ન્યાય મેળવવા હિંસા કરવાની જરૂર નથી. પણ આવનારી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપી બદલો લેવાનો છે. જોકે પાટીદારો વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મત નહી આપે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલા વિશે જણાવ્યુ હતુ કે, શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ પક્ષે વર્ષો સુધી સન્માન આપ્યુ હતુ. પરંતુ ખરા સમયે તેમને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે. જોકે સાચો રાજપૂત ક્યારેય ખરા સમયે મેદાન છોડતો નથી કે હાર માનતો નથી. પરંતુ શંકરસિંહ બાપુ નકલી બાપુ હતા. ગુજરાતના લોકો આવા નકલી બાપુની અસલીયત જાણી ગયા છે. હવે શંકરસિંહ બાપુ રાજકારણમાંથી પરમપૂજ્ય થઈ ગયા છે. આ સાથે રાજા બ્રરાએ નરેન્દ્રભાઈ મોદીની સ્ટાઈલથી થોડુક ભાષણ કરીને લોકોને કેવીરીતે ઉલ્લુ બનાવાય તેની પધ્ધતિ જણાવી હતી. આ સંમેલનને સફળ બનાવવા માટે જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જીતુભાઈ ચૌધરી, વિસનગર યુથ કોંગ્રેસ પ્રમુખ કરવિરસિંહ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, વિસનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ, જીલ્લા ડેલીગેટ મહેશભાઈ પટેલ(પાલડી, માલધારી સેલના મહામંત્રી શૈલેષભાઈ રબારી, તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલ, અમદાવાદના કાઉન્સીલર સમીરખાન પઠાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન પટેલ, મગરોડાના જીલ્લા ડેલીગેટ હસમુખભાઈ ચૌધરી, એપીએમસીના સભ્ય હરેશભાઈ ચૌધરી, સહિત શહેર-તાલુકાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના તેજાબી પ્રવક્તા જયરાજસિંહ પરમારની હાજરીથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a comment

Back to Top