વિસનગરમાં ભાજપ સરકારના શાસનમાં પાણીની અભૂતપૂર્વ કટોકટીની શક્યતા

વિસનગરમાં ભાજપ સરકારના શાસનમાં પાણીની અભૂતપૂર્વ કટોકટીની શક્યતા

News, Prachar News No Comments on વિસનગરમાં ભાજપ સરકારના શાસનમાં પાણીની અભૂતપૂર્વ કટોકટીની શક્યતા

વિસનગરમાં ભાજપ સરકારના શાસનમાં પાણીની અભૂતપૂર્વ કટોકટીની શક્યતા

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

ધરોઈ ડેમ ઉપરના છ માંથી ચાર પંપ બગડતા વિસનગર શહેર ઉપર અત્યારે પીવાના પાણીનુ અભૂતપૂર્વ જળસંકટ તોળાઈ રહ્યુ છે. ભાજપ સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રહેતા વિસનગરની જનતાને તેનો ભોગ બનવુ પડે તેમ છે. બે પંપ જે દિવસ બગડ્યા તે દિવસ શહેરમાં ધરોઈના પાણીની આવક બંધ થઈ જવાની છે. પાલિકાના ટ્યુબવેલ પૂરતા પ્રમાણમાં છે નહી ત્યારે પાણી વગર થશે શું?

ભાજપ સરકાર અત્યારે વિધાનસભાની ચુંટણીમાં વોટ બટોરવા કરોડો રૂપિયાના વિવિધ યોજના પાછળ ટેન્ડર પાડી રહી છે. પરંતુ વિસનગર શહેર ઉપરાંત્ત સમગ્ર ઉત્તર ગુજરાતનો પીવાના પાણી માટે જેના ઉપર આધાર છે તે ધરોઈ પાણી પુરવઠાના પ્લાન્ટના મેઈન્ટેનન્સ માટે સરકાર ગ્રાન્ટ ફાળવતી નથી. ધરોઈ પાણી પુરવઠાના વાવ ફીલ્ટરેશન પ્લાન્ટ સુધી પાણી પહોચાડવા માટે ધરોઈ ડેમ ઉપર ૬ વર્ટીકલ પ્લોઈન પંપ મુકવામાં આવ્યા છે. ત્યારે ભાજપ સરકારની નિષ્ક્રીયતાના કારણે નાણાં નહી ફાળવતા છેલ્લા ઘણા સમયથી ૩ પંપ બંધ હાલતમાં છે. અત્યારે ૩ પંપ કાર્યરત છે. જેમાં પણ વારંવાર ફોલ્ટ થતાં પાણી પુરવઠો બંધ રહે છે.

વિસનગરમાં નવરાત્રીના તહેવારની શરૂઆતમાં પીવાના પાણીની બુમરાડ જોવા મળી રહી છે. જેનુ કારણ ધરોઈ પ્લાન્ટ ઉપર વારંવાર બગડતી મશીનરી છે. તા.૧૯-૯ ના રોજ પંપ બગડતા પાણી પુરવઠો બંધ રહેતા વિસનગરમાં બે દિવસ સુધી પાણી આવ્યુ નહોતુ. ત્યારબાદ તા.૨૨-૯ ના રોજ ફરીથી પંપ બગડતા પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે શનિવારનો આખો દિવસ શહેરમાં પાણી વિતરણ કરી શકાયુ નહોતુ. વિસનગર સહીત ઉત્તર ગુજરાતની પ્રજાનો જીવન નિર્વાહ જેના ઉપર છે, જેના વગર ચાલી શકવાનુ નથી તે પીવાના પાણી પુરૂ પાડતા ધરોઈ પાણી પુરવઠા યોજના પ્રત્યે ભાજપ સરકારે સતર્કતા રાખવાની જગ્યાએ નિષ્કાળજી  દાખવતા અત્યારે એવી પરિસ્થિતિ ઉભી થવા પામી છેકે ગમે ત્યારે શહેર ઉપર જળસંકટ તોળાઈ શકે તેમ છે.

નવરાત્રી અને દિવાળી એ હિન્દુઓનો મોટામાં મોટો તહેવાર છે. ત્યારે કહેવાતી હિન્દુ સરકારમાંજ તહેવારોમાં પાણી વગર રહેવુ પડે તેમ છે. નવાઈની વાત છેકે પંપ રીપેરીંગ માટે છેલ્લા બે મહિનાથી ટેન્ડરીંગ કરાયુ છે પરંતુ સરકાર નાણાં નહી ફાળવતા પંપ રીપેરીંગ કરી શકાતા નથી. અગાઉ ભાજપના શાસનમાં ગીરીશભાઈ પટેલ પાલિકા પ્રમુખ હતા ત્યારે દિવાળીના સમયે ધરોઈ પાણી પુરવઠામાં ફોલ્ટ થતા શહેરમાં ત્રણ દિવસ પાણી બંધ રહ્યુ હતુ, ફરી પાછી એજ સમસ્યા ઉભી થઈ છે. નવરાત્રીની શરૂઆતમાં તો પાણી પુરવઠો ખોરવાયો છે ત્યારે પંપ બગડવાના કારણે દિવાળીમાં પાણી પુરવઠો ખોરવાય તો નવાઈ નહી. વિસનગર ભાજપના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આ બાબતે સરકારમાં રજુઆત કરી. પંપ રીપેરીંગ માટેના ટેન્ડરની ગ્રાન્ટ ફળવાય અને તાત્કાલીક પંપ રીપેરીંગ થાય તેવો પ્રયત્ન કરશે ખરા? સરકારમાં પત્રો લખવાનો કે રજુઆત કરવાનો હવે સમય રહ્યો નથી. વિધાનસભાની ચુંટણી સમયેજ વિસનગર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેમ છે. આવા સમયે ભાજપના ધારાસભ્યના ઉમેદવારો મત માગવા કયા મોઢે જઈ શકશે.

Leave a comment

Back to Top