તંત્રી સ્થાનેથી…..રાજકીય પક્ષની ગામ પ્રવેશબંધી નરી મુર્ખામી કહેવાય

તંત્રી સ્થાનેથી…..રાજકીય પક્ષની ગામ પ્રવેશબંધી નરી મુર્ખામી કહેવાય

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી…..રાજકીય પક્ષની ગામ પ્રવેશબંધી નરી મુર્ખામી કહેવાય

તંત્રી સ્થાનેથી……….

રાજકીય પક્ષની ગામ પ્રવેશબંધી નરી મુર્ખામી કહેવાય

ધારાસભા, લોકસભાની ચુંટણીઓમાં એકપક્ષ માટે કટીબદ્ધ થયેલા ગામો બીજા પક્ષને ગામમાં પ્રવેશબંધીના બોર્ડ મારે છે આવા પ્રવેશબંધીના બોર્ડ ભવિષ્યમાં ગામ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. છેલ્લી બે ચુંટણીઓથી એક પક્ષ ઉપર પ્રેમ ઉભરાઈ જતાં બીજા પક્ષને ગામમાં પ્રવેશબંધીના બોર્ડ મારેલા જોવા મળે છે. તે ખરેખર ખોટું છે. આવા બોર્ડ મારવામાં ગામના બહુમતિ સમાજનો જ હાથ હોય છે. ગામનો લઘુમતિ સમાજ આમા સંમત નથી હોતો છતાં આવા બોર્ડ લાગે છે. ભારતની આઝાદીના સાત દાયકા પછી સાચા અર્થમાં લોકશાહી આવી રહી છે. સાચા અર્થમાં લોકશાહી જે દેશોમાં છે તે દેશોમાં દરેક ટર્મમાં સરકારો બદલાય છે. હવે ભારત દેશમાં પણ આ સિલસિલો આવી શકે છે. જે ગામે જે પક્ષ માટે પ્રવેશબંધી કરી હોય તે પક્ષ કદાચ તે ટર્મમાં ન ચુંટાય પણ બીજા પાંચ વર્ષ પછી ફરી પાછો તે પક્ષ ચુંટાય તો ગામ પ્રત્યે દ્વેષભાવ રાખે તો ગામના વિકાસને નુકશાન થઈ શકે છે. તેની જગ્યાએ ગ્રામજનો મનોમન નક્કિ કરે કે કોની સાથે રહેવાનું છે. ગામમાં આવતા તમામ ઉમેદવારોને આવકાર આપી સાંભળવા પછી ગામે જે નક્કિ કર્યુ હોય તે કરવું જોઈએ. ૧૯૭૫ ની સાલની વિધાનસભાની ચુંટણીમાં જોઈએ તો વિસનગર તાલુકાના એવા ગામો હતા કે જે ગામોમાં જગન્નાથગુરૂ અને બીજા ઉમેદવાર સાંકળચંદ કાકા જ્યારે તે ગામમાં જતા હતા ત્યારે આખુ ગામ ઢોલ નગારા લઈ આવી ઉમેદવારને ઘોડા ઉપર બેસાડી ગામમાં લઈ જતા હતા. એકજ ઘોડો એકજ ઢોલી એકજ સભા સ્થળ રાખવામાં આવતુ હતુ. છતાં આ ગામોએ જેને મત આપવા હતા તેનેજ આપ્યા હતા. આ ગામોએ કદી બોર્ડ માર્યા ન હતા. જે ગામમાં જે કોમની બહુમતિ હોય તે કોમના આગેવાનો આવા બોર્ડ મારી શકે છે. તેમાં લઘુમતિ કોમોની સંમતિ હોતી નથી. જ્યારે ચુંટણી થાય ત્યારે નાની કોમોના ગામના બુથમાંથી જેની પ્રવેશબંધી કરી હોય તે પક્ષના મત નીકળે ત્યારે ગામની આબરૂ ઓછી થઈ શકે છે. રાજકારણમાં કદી કોઈ પરિસ્થિતિ કાયમી નથી હોતી. નવનિર્માણ સમયે ચીમનભાઈ પટેલની ઠાઠડીઓ દરેક ગામમાં બાળવામાં આવી હતી. દરેક ગામમાં તેમના વિરુધ્ધના ભીંતપત્રો લખાયા હતા. એજ ચીમનભાઈ પટેલ ફરીથી ગુજરાતના સી.એમ.બન્યા હતા. રાજકીય પક્ષો માટે સ્થાનિક વેરઝેર ઉભા કરવા તે નરી મુર્ખામી છે. રાજકીય પક્ષો ઉપર તો એકના એકજ છે. એકબીજાના કામો પાર પડે છે. એકબીજાના ભ્રષ્ટાચારો દબાવે છે. વિરોધપક્ષના નેતાના પુત્રને જીતાડવા માટે સત્તાધારી પક્ષ નબળો ઉમેદવાર મુકે છે. તેવા બનાવો ગુજરાતની છેલ્લી ત્રણ ચુંટણીઓમાં જોવા મળ્યા છે. ભલે ચુંટણી સભાના ભાષણમાં એકબીજાને ચોર કહેતા નેતાઓ એકના એક છે. તેમના માટે આપણે સ્થાનિક વેરઝેર ઉભા કરી કાયમી મનદુઃખ કરવા જરૂરી નથી. કોઈપણ રાજકીય નેતા કોઈપણ સમાજનો નેતા પ્રજા માટે કે સમાજ માટે નથી. દરેક નેતા પોતાની જ ખીચડી પકાવવાના સ્વાર્થમાં છે. જેથી તેમના કહ્યામાં આવી સ્થાનિક કે ગામમાં વેરઝેર ઉભા કરવા નહિ તે જ સાચી સમજ છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વિચારસરણી મુજબ વર્તવાનો અધિકાર છે. કોઈની વિચારસરણી દબાવવાનો પ્રયત્ન કરી સામાને ડબલ તાકાતથી વિરોધ કરતો કરવો નહિ.

Leave a comment

Back to Top