વિસનગરમાં એક સાથે ચાર દુકાનના તાળા તુટ્યા તે સોના કોમ્પલેક્ષની  ચોરીની ફરિયાદ નહી નોંધી આબરૂ બચાવવા પોલીસનો પ્રયત્ન

વિસનગરમાં એક સાથે ચાર દુકાનના તાળા તુટ્યા તે સોના કોમ્પલેક્ષની ચોરીની ફરિયાદ નહી નોંધી આબરૂ બચાવવા પોલીસનો પ્રયત્ન

News No Comments on વિસનગરમાં એક સાથે ચાર દુકાનના તાળા તુટ્યા તે સોના કોમ્પલેક્ષની ચોરીની ફરિયાદ નહી નોંધી આબરૂ બચાવવા પોલીસનો પ્રયત્ન

વિસનગરમાં એક સાથે ચાર દુકાનના તાળા તુટ્યા તે સોના કોમ્પલેક્ષની

ચોરીની ફરિયાદ નહી નોંધી આબરૂ બચાવવા પોલીસનો પ્રયત્ન

ચોર સીસીટીવી કેમેરામાં કેદ, તેમ છતાં ચોરીનુ પગેરૂ શોધવામાં પોલીસ નિષ્ફળ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

કોઈ મોટી ઘરફોડ ચોરી થાય ત્યારે પોલીસની પ્રથમ ફરજ છેકે પ્રથમ ચોરીનો ગુનો દાખલ કરવો. ત્યારે વિસનગર પોલીસની કાર્યવાહી અવળી ગંગા જેવી છે. શહેરના સોના કોમ્પલેક્ષમાં એક સાથે ચાર દુકાનના તાળા તુટ્યા. રૂા.૧ લાખ ઉપરાંત્તનો મુદ્દામાલ ચોરાયો છે. ત્યારે પી.આઈ. વી.પી.પટેલના રાજમાં પોલીસ ચોરીની ફરિયાદ નહી નોંધી પોતાની નિષ્ક્રીયતા છુપાવવા પ્રયત્ન કરી રહી છે. સીસીટીવી કેમેરાના ફુટેજમાં ચોર કેદ થયો છે. તેમ છતાં ચોરીનુ પગેરૂ શોધવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. લોકો પી.આઈ.એસ.એસ. નિનામાની સેવાઓ યાદ કરી રહ્યા છે. જેમની ફરજ દરમ્યાન અને સતત નાઈટ પેટ્રોલીંગના કારણે શહેરમાં ચોરીના બનાવો અટકી ગયા હતા. વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ.નિનામાની સમયકાળમાં ચુસ્ત નાઈટ પેટ્રોલીંગના કારણે શહેરમાં ચોરીના બનાવો ઘટી ગયા હતા. પી.આઈ.નિનામાની બદલી થતા અને પી.આઈ.વી.પી.પટેલે ચાર્જ સંભાળવતા ચોરો માટે વિસનગર શહેર સ્વર્ગ સમાન બની ગયુ હોય તેમ જણાય છે. તા.૫-૧૧-૨૦૧૭ ને રવિવારની રાત્રે સોના કોમ્પલેક્ષમાં ચોરો ત્રાટક્યા હતા. જ્યાં એકજ રાત્રીમાં ચાર દુકાનના તાળા તુટ્યા હતા. જેમાં સાઈદત્ત ઈન્ફોટેક નામની કોમ્પ્યુટરની દુકાનમાંથી બે લેપટોપ, ત્રણ મોબાઈલ, ત્રણ હાર્ડડીસ્ક તથા કોમ્પ્યુટરના અન્ય સરસામાન સાથે રૂા.૧ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. આ દુકાનની પાસે આવેલ ઔદીચ્ય બ્રહ્મ સમાજની ઓફીસના તાળા તોડ્યા હતા. જેમાં બ્રહ્મ સમાજની ઓફીસના કાચ ફોડી નાખ્યા હતા. જેની પાસે યુનીક એકેડેમીની બે દુકાનના તાળા તોડ્યા હતા જેમાં કોઈ નુકશાન થયુ હોવાનુ જાણવા મળ્યુ નથી. કાંસા એન.એ.શાહીબાગ પાસે આવેલ વસંતનગર સોસાયટીમાં રહેતા સાઈદત્ત ઈન્ફોટેકના માલિક રાજેશકુમાર જયંતિલાલ સુથાર દ્વારા પોલીસને ચોરીની જાણ કરવામાં આવતા પોલીસે ચોરીની તપાસ હાથ ધરી હતી. સાઈદત્ત ઈન્ફોટેકમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા રાત્રે દોઢ વાગે ચોરોએ તાળા તોડ્યા હતા અને ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચોરની ઓળખ થાય તેવુ સ્પષ્ટ દેખાય છે. પરંતુ નવાઈની વાત છેકે રૂા.૧ લાખની માતબર રકમની ચોરી થવા છતા વિસનગર પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો નથી. ચોરીની ફરિયાદ નહી નોંધી વિસનગર પોલીસ પોતાની નિષ્ક્રીયતા છુપાવવા તેમજ આબરૂ બચાવવા પ્રયત્ન કરતી હોય તેમ જણાય છે. પી.આઈ.નિનામા વખતની પોલીસ અને અત્યારની પોલીસની કામગીરીમાં રાત દિવસનો ફરક જોવા મળી રહ્યો છે. જીલ્લા મેજીસ્ટ્રેટ એક બાજુ હોટલો, રેસ્ટોરન્ટ, મોટા શો-રૂમમાં સીસીટીવી લગાવવા જાહેરનામા બહાર પાડે છે ત્યારે સીસીટીવી કેમેરા લગાવ્યા હોઈ અને ફૂટેજમાં ચોર ઓળખાય તેમ હોઈ તેમ છતાં પોલીસ ચોરીનો ગુનો દાખલ ન કરે તો જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો શુ મતલબ? વિસનગર પોલીસ પોતાની નિષ્ક્રીયતા અને આબરૂની ચીંતા કર્યા વગર ચોરીની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ચોરીનુ પગેરૂ શોધવા પ્રયત્ન કરશે ખરા?

Leave a comment

Back to Top