વિસનગરમાં ૧૩-૧૧ ની રાત્રી ગોઝારી સાબીત થઈ અકસ્માત જોતા યુવાનોને કારની ટક્કર-ત્રણના મોત

વિસનગરમાં ૧૩-૧૧ ની રાત્રી ગોઝારી સાબીત થઈ અકસ્માત જોતા યુવાનોને કારની ટક્કર-ત્રણના મોત

News, Prachar News No Comments on વિસનગરમાં ૧૩-૧૧ ની રાત્રી ગોઝારી સાબીત થઈ અકસ્માત જોતા યુવાનોને કારની ટક્કર-ત્રણના મોત

વિસનગરમાં ૧૩-૧૧ ની રાત્રી ગોઝારી સાબીત થઈ
અકસ્માત જોતા યુવાનોને કારની ટક્કર-ત્રણના મોત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પાલડી રોડ ઉપર એક કારને અકસ્માત થયો હતો. આ અકસ્માત જોવા માટે કેટલાક બાઈક સવાર ઉભા હતા. એવામાંજ વિસનગર તરફથી પુરઝડપે આવતી કારે અકસ્માત જોવા ઉભા રહેલ બાઈક સવારોને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર પૈકી બે અને કારમાં બેઠેલ વ્યક્તિનુ મૃત્યુ થતા આ બનાવથી ભારે અરેરાટી ફેલાઈ હતી. ટક્કર મારનાર કારમાં ચાર થી પાંચ યુવાનો હોવાની ચર્ચા છે. ત્યારે અકસ્માત બાદ આ યુવાનો તેમના મિત્રને બચાવવાની જગ્યાએ સ્થળ છોડી નાસી જતા આ યુવાનો ઉપર ફીટકારની લાગણી વરસી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ વિસનગર સમર્થ ડાયમંડમાં હિરા ઘસવાનુ કામ કરતા વડનગર તાલુકાના સુંઢિયા ગામના ઠાકોર ભરતજી ફુલાજી હિરા ઘસવાનુ કામ પૂરૂ કરી તેમના મિત્ર ઉમતાના ઠાકોર શૈલેષજી છગનજી બન્ને બાઈક ઉપર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે રાત્રે પોણા અગીયાર વાગે પાલડી રોડ ઉપર કેનાલ નજીક જી.જે.૦૨ બી.એચ.૩૬૯૮ નંબરની એક કાર રોડ સાઈડમાં એક્સીડન્ટ હાલતમાં પડી હતી. ભરતજી ઠાકોર તથા શૈલેષજી ઠાકોર બાઈક ઉભુ રાખી અકસ્માતગ્રસ્ત કાર જોવા ઉભા હતા. ત્યાં જાસ્કા ગામના ભરતજી લક્ષ્મણજી ઠાકોર, અશોકભાઈ કનુભાઈ નાયી વિગેરે લોકો પણ બાઈક લઈ અકસ્માત સ્થળે ઉભા હતા. અકસ્માત સ્થળે રોડ સાઈડે ત્રણ બાઈક હતા. બાઈક સવાર અકસ્માત સ્થળે ઉભા હતા એવામાંજ વિસનગર તરફથી પુરઝડપે આવતી જી.જે.૦૯ એ.જી.૩૮૪૨ નંબરની સેન્ટ્રો કારે અકસ્માત સ્થળે ઉભા રહેલા બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એવી જોરદાર હતી કે બાઈકો ૫૦ ફૂટ જેટલા દુર ઉછળીને પડ્યા હતા. અકસ્માત જોવા ઉભા રહેલ બાઈક સવાર તથા સેન્ટ્રો કારમાં બેઠેલા યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં અક્માત જોવા રોડ ઉપર ઉભા રહેલા જાસ્કાના ઠાકોર ભરતજી લક્ષ્મણજી ઉં.વ.૩૦ તથા જે.વી.હેરસ્ટાઈલવાળાના ભાઈ નાયી અશોકભાઈ કનૈયાલાલ ઉં.વ.૪૦ નું સ્થળ ઉપર મૃત્યુ થયુ હતુ. જ્યારે સેન્ટ્રો કારમાં બેઠેલા લાયન્સ ક્લબ ઓફ વિસનગરના પૂર્વ પ્રમુખ, શિક્ષક વિમલભાઈ જાનીના પુત્ર મોનાર્ક જાની(ઉ.વ.૨૦)ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ વિસનગર સિવિલમાં સારવાર્થે દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર્થે મહેસાણા લઈ જતા હતા ત્યાં રસ્તામાં મોનાર્ક જાનીએ પ્રાણ છોડ્યા હતા. ઠાકોર ભરતજી ફુલાજીની ફરિયાદ આધારે પોલીસે સેન્ટ્રો ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ચર્ચાસ્પદ બાબત તો એ છેકે સેન્ટ્રો કારમાં ચાર થી પાંચ યુવાનો હતા. ત્યારે અકસ્માત થતાજ ઈજા પામેલ યુવાનો ગંભીર ઈજા પામેલ તેમના મિત્ર મોનાર્ક જાનીને છોડીને નાસી ગયા હતા. મોનાર્ક જાનીને તાત્કાલીક સારવાર મળી હોત તો તેને બચાવી શકાયો હોત. અકસ્માત બાદ મોનાર્ક જાનીને તેના મિત્રો તરફડતો મૂકી કેમ નાસી ગયા. આ યુવાનો એવી કેવી પરિસ્થિતિમાં હતા કે અકસ્માતનુ સ્થળ છોડી નાસી જવુ પડ્યુ. સેન્ટ્રો કાર કોણ ચલાવતુ, સેન્ટ્રો કારમાં બેઠેલા અન્ય યુવાનો કોણ હતા તે બાબતે ભારે ચકચાર જાગી છે. પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે. અત્રે નોંધપાત્ર બાબત છેકે આ અકસ્માતમાં સેન્ટ્રો કારમાં બેઠેલા યુવાન મોનાર્ક જાનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર્થે વિસનગર સિવિલ બાદ મહેસાણા લાયન્સમાં રિફર કરાયો હતો. જ્યાં હોસ્પિટલમાં લઈ જનાર કોઈએ વાલમ ગામનો રવિ કનુભાઈ પટેલ હોવાનુ માની તેની સારવાર કરાવી હતી. લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયેલ યુવાન રવિ પટેલ મહેસાણા જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન પટેલનો પુત્ર હોવાની કોંગ્રેસના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી)ને ખબર પડતા તેઓ તાત્કાલીક મહેસાણા હોસ્પિટલમાં જવા નિકળ્યા હતા. જ્યાં રસ્તામાંજ તેમને રવિના પરિવારજનોને તેમનો પુત્ર સિરિયસ હોવાની જાણ કરી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં રાત્રીના આશરે ૧-૩૦ કલાકે રવિના માતા-પિતા સહિતના સગા વ્હાલાઓએ હોસ્પિટલમાં આવી ઈજાગ્રસ્ત યુવાનને જોતા તે યુવાન રવિ નહી પણ તેનો મિત્ર મોનાર્ક જાની હોવાનુ જણાવતા મોનાર્કના પિતાને જાણ કરાઈ હતી. મોનાર્કના પિતા, કાકા, મામા, સહિતના પાંચ સબંધીઓ હોસ્પિટલમાં આવતા રવિના સગા-વ્હાલાઓ તેમને શાંન્તવના આપી નિકળી ગયા હતા. આમતો દરેક મા-બાપ દિકરાના મિત્રને પોતાના દિકરા સમાન માનતા હોય છે. પરંતુ રવિના માતા-પિતાએ ઈજાગ્રસ્ત દિકરો પોતાનો ન હોવાનુ માલુમ પડતા તેઓ રાત્રીના હોસ્પિટલમાંથી નિકળી જતા મોનાર્કના પરિવારજનોમાં તેમના પ્રત્યે ભારે દુઃખ થયુ છે. જોકે અત્યારે તો મોનાર્કનો પરિવાર પોતાના કાળજાના ટુકડા સમાન એકના એક દિકરાના મૃત્યુમાં જવાબદાર કાર ચાલક સામે કાર્યવાહી કરી તેને કડકમાં કડક સજા અપાવવા માગે છે. અગાઉ અમદાવાદના હીટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનો ભોગ લેનાર એક માલેતુજારના નબિરા વિસ્મય શાહને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ જામીન આપ્યા નહતા. ત્યારે ગફલતભરી રીતે કાર હંકારી એક સાથે ત્રણનો ભોગ લેનાર સેન્ટ્રો કારના ચાલક સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર ત્રણેય મૃતકના પરિવારજનો રાહ જોઈને બેઠા છે.

Leave a comment

Back to Top