રવિવાર બપોર પછી ટીકીટની જાહેરાત થવાની હોવાથી ભાજપના દાવેદારોએ ફરજીયાત વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ માણ્યો

રવિવાર બપોર પછી ટીકીટની જાહેરાત થવાની હોવાથી ભાજપના દાવેદારોએ ફરજીયાત વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ માણ્યો

News, Prachar News No Comments on રવિવાર બપોર પછી ટીકીટની જાહેરાત થવાની હોવાથી ભાજપના દાવેદારોએ ફરજીયાત વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ માણ્યો

રવિવાર બપોર પછી ટીકીટની જાહેરાત થવાની હોવાથી
ભાજપના દાવેદારોએ ફરજીયાત વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ માણ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ભાજપ દ્વારા ટીકીટની જાહેરાત કરતુ પાંચમુ લીસ્ટ પછી છેલ્લુ લીસ્ટ વડાપ્રધાનની મન કી બાતના કાર્યક્રમ પછી જાહેર થવાનુ હતુ ત્યારે વિસનગર સીટમાં ભાજપમાંથી ટીકીટના દાવેદારોએ ફરજીયાત રવિવારે વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ માણ્યો હતો. પરંતુ દાવેદારોને મોડી રાત સુધી મન કી બાત જાણવા મળી નહોતી. વિધાનસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા ૧૮૨ સીટમાંથી ૧૪૮ સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. બીજા ફેઝની ૩૪ સીટોની ટીકીટની જાહેરાત તા.૨૫-૧૧ ને શનિવારે થવાની હતી. ત્યારે શનિવારે બપોરે જાહેરાત કરવામાં આવી હતી કે તા.૨૬-૧૧ ને રવિવારે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ બાદ ટીકીટની જાહેરાત કરવામાં આવશે. વિસનગર સીટમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ એમ ત્રણ મુખ્યત્વે દાવેદાર હતા. ત્યારે રવિવારે તા.૨૬-૧૧ ના રોજ ધારાસભ્ય કાર્યાલયમાં, રાજુભાઈ પટેલની ઓફીસ અને પ્રકાશભાઈ પટેલના નિવાસ્થાને એમ ત્રણ ભાગમાં આ દાવેદારો સાથે કાર્યકરો મન કી બાત કાર્યક્રમ સાંભળવા બેસી ગયા હતા. ભાજપના કેટલાક કાર્યકરો પણ કોને ટીકીટ મળશે અને કોની સાથે બેસવુ તેની અમુજણ અનુભવતા હતા. જોકે આ કાર્યકરોમાં મન કી બાતનુ મહત્વ ઓછુ હતુ અને ટીકીટની જાહેરાતનુ મહત્વ વધારે હતુ. આ સમયે વિસનગરમાં ત્રણ ભાગમાં ભાજપ વહેચાયેલુ હતુ. ધારાસભ્ય કાર્યાલયમાં કાર્યકરોની સંખ્યા વધારે હતી. આ સમયે ત્રણેય દાવેદારોએ અને તેમના ટેકેદારોએ અમનેજ ટીકીટ મળશે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ બાદ તમામની મીટ ટીવીના સ્ક્રીન ઉપર મંડરાયેલી હતી. આંખો ફાડીને આંખ પલકાયા વગર જોઈ રહ્યા હતા. પરંતુ મન કી બાત પછી ટીકીટની જાહેરાત નહી થતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી હતી. રવિવારે કેટલાક મોડી સાંજ સુધી તો કેટલાકે મોડી રાત સુધી ટીકીટની જાહેરાતની અપેક્ષાએ ટીવી સ્ક્રીન છોડ્યુ નહોતુ. પરંતુ ટીકીટના દાવેદારો અને કાર્યકરોને મોડી રાત સુધી ટીકીટ માટે મન કી બાત જાણવા મળી નહોતી.

Leave a comment

Back to Top