વિસનગરમાં સ્વ.સાંકળચંદ કાકાની પુણ્યતિથિએ તેમની પ્રતિમાનુ અનાવરણ કરાયુ સમાજની ઉન્નતીનુ કામ સાંકળચંદ કાકાએ કર્યુ છે-પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા

વિસનગરમાં સ્વ.સાંકળચંદ કાકાની પુણ્યતિથિએ તેમની પ્રતિમાનુ અનાવરણ કરાયુ સમાજની ઉન્નતીનુ કામ સાંકળચંદ કાકાએ કર્યુ છે-પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા

News, Prachar News No Comments on વિસનગરમાં સ્વ.સાંકળચંદ કાકાની પુણ્યતિથિએ તેમની પ્રતિમાનુ અનાવરણ કરાયુ સમાજની ઉન્નતીનુ કામ સાંકળચંદ કાકાએ કર્યુ છે-પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા

વિસનગરમાં સ્વ.સાંકળચંદ કાકાની પુણ્યતિથિએ તેમની પ્રતિમાનુ અનાવરણ કરાયુ
સમાજની ઉન્નતીનુ કામ સાંકળચંદ કાકાએ કર્યુ છે-પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શિક્ષણપ્રેમી પ્રેરણામૂર્તિ કર્મવીર સ્વ.શેઠશ્રી સાંકળચંદ કાળીદાસ પટેલ(કાકા)ની ૩૧ મી પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે એસ.કે. યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર આગળ દેશ-વિદેશમાં જાણીતા વિદ્વાન કથાકાર પ.પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા(સુંઢિયાવાળા)ના વરદ્‌ હસ્તે ગત મંગળવારે સવારે તેમની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી, એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને સાંકળચંદ કાકાના પૌત્ર પ્રકાશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પ.પૂ.સ્વ.સાંકળચંદ કાકાએ તેમના જીવનમાં કોઈપણ પ્રકારના નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર સમાજસેવાના કરેલા ભગીરથ કાર્યો અને તેમની દિર્ઘદ્રષ્ટીના કેટલાક યાદગાર પ્રસંગોનુ વર્ણન કરી સાચી સમાજસેવાનું મહત્વ સમજાવ્યુ હતુ. આ સમયે સ્વ.સાંકળચંદ કાકાના પૌત્ર પ્રકાશભાઈ પટેલ ભાવુક બની ગયા હતા. વિસનગરના પનોતાપુત્ર અને સહકારી ક્ષેત્રના શિલ્પી કર્મવિર સ્વ.સાંકળચંદ કાળીદાસ પટેલ(કાકા)ની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ગત મંગળવારે સવારે ૯-૩૦ કલાકે દેશ-વિદેશોમાં જાણીતા કથાકાર પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના વરદ્‌ હસ્તે એસ.કે.યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર તેમની પ્રતિમાનુ અનાવરણ કરાયુ હતુ. આ પ્રસંગે આશિર્વચન આપતા પ.પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીએ જણાવ્યુ હતુ કે, આજના સમયમાં ખોટા માણસોને ભેગા કરવામાં તેમનો પોતાનો સ્વાર્થ હોય છે. પરંતુ સમાજની ઉન્નતી અને વિકાસ કરવાનું કામ તો સ્વ.સાંકળચંદ કાકા જેવા સમાજ શ્રેષ્ઠી જ કરી શકે. સાંકળચંદ કાકાએ પોતાની દિર્ઘદ્રષ્ટીથી વર્ષો પહેલા રણમાં મીઠી વેરડી સમાન વિસનગરમાં નૂતન સર્વ વિદ્યાલય નામની શૈક્ષણિક સંસ્થા ઉભી કરી હતી. આ સંસ્થાના હજ્જારો વિદ્યાર્થીઓ દેશ-વિદેશોમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર જોવા મળે છે. સાંકળચંદ કાકા શિક્ષણક્ષેત્રના પ્રણેતા હતા. આવા સમાજ શ્રેષ્ઠી સ્વ.કાકાનુ લોહી તેમના પૌત્ર અને એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના શરીરમાં પ્રાપ્ત થયુ છે. જેના કારણે પ્રકાશભાઈ શિક્ષણપ્રેમી છે અને તેઓ સમાજના ઉત્થાન માટે નિઃસ્વાર્થ ભાવે સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે. પ્રકાશભાઈની દિર્ઘદ્રષ્ટીના લીધે એસ.કે. યુનિવર્સિટીનો દિન-પ્રતિદિન વિકાસ થયો છે. જે જ્ઞાન પુસ્તકમાંથી નથી મળતુ તે જ્ઞાન વિદ્વાન વડીલોના સંપર્કમાં રહેવાથી મળે છે. ત્યારે સાંકળચંદ કાકાની સાથે રહેનાર લોકોના ગુણો તેમના જેવા જ હશે. વધુમાં પ.પૂ.પંડ્યાજીએ માણસો અને ત્રણ પ્રકારની ઔષધિઓના ગુણોનો તફાવત સમજાવી તેમાંથી સારૂ પરિણામ આપતી આયુર્વેદિક ઔષધિને સાંકળચંદ કાકાના કાર્યો સાથે સરખાવી સમાજ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. જોકે પ.પૂ.પંડ્યાજીએ તેમના જીવનમાં સ્વ.સાંકળચંદ કાકાને ક્યારેય નહી મળવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. જ્યારે એસ.કે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે પ.પૂ. સાંકળચંદ દાદાના સંસ્મરણોને વાગોળતા જણાવ્યુ હતું કે, પૂ.સાંકળચંદ દાદાએ તેમના જીવનમાં અનેક સંસ્થાઓ ઉભી કરી સમાજસેવાના કામો કર્યા હતા. જેમાં ગરીબ-અમીર કે નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ લોકોના કામો કર્યા હતા. પૂ.દાદાના આશિર્વાદથી આજે દરેક સંસ્થાઓ દિન-પ્રતિદિન પ્રગતિના શિખરો સર કરી રહી છે. દાદાના આશિર્વાદથી આ સંકુલમાં એસ.કે. યુનિવર્સિટી તેમજ મેડીકલ કોલેજની માન્યતા લાવવામાં સફળતા મળી છે. જોકે આ તમામ સંસ્થાઓનો વિકાસ કરવામાં તેમને ટ્રસ્ટી મંડળના સભ્યો અને દાતાઓનો સારો સહયોગ મળ્યો હોવાનુ જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ.પૂ.પંડ્યાજીના હસ્તે ઈનામો એનાયત કરાયા હતા. આ પ્રસંગે જી.ડી. હાઈસ્કુલના પૂર્વ પ્રિન્સીપાલ ડી.એમ. પટેલ, ર્ડા.એલ.એમ.પટેલ, સહીતના મહાનુભાવો સ્વ.સાંકળચંદ દાદાના સંસ્મરણોને વાગોળ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ કાંસાના ઉત્સાહી યુવાન નિકુંજભાઈ રાવલે કરી હતી. આ કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મંજુર સહકારી મંડળીના ડાયરેક્ટરશ્રીઓ એ.પી.એમ.સી.ના ડાયરેક્ટરો, ગંજબજાર વેપારી મહામંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તેમજ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન નૂતન હાઈસ્કુલના આચાર્ય મનુભાઈ નાયકે કર્યુ હતુ.

Leave a comment

Back to Top