You are here
Home > News > ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી

ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી

ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય અને ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે
ઘાઘરેટમાં ખાનગી ચુંટણી યોજી ગ્રામ પંચાયત સમરસ બનાવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બુધ્ધિજીવી આગેવાનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતની યોજાનારી ચુંટણીમાં ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય તે માટે ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગામના ત્રણ વ્યક્તિઓને સરપંચ માટે દાવેદારી કરતા ગ્રામજનોએ સરકારી તંત્રની જેમ ગત રવિવારે ખાનગી ચુંટણી યોજી એક ઉમેદવારની સરપંચ તરીકે પસંદગી કરી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સાત વોર્ડ ગ્રામજનોએ બિનહરીફ કર્યા હતા. ઘાઘરેટ ગામની એકતા અને ગ્રામ પંચાયતને સમરસ કરવાના શ્રેષ્ઠ અભિગમની લોકોએ ભારોભાર પ્રશંસા કરી છે.
વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામના બુધ્ધિજીવી આગેવાનો અને ગ્રામજનો ગામમાં ખોટુ વૈમનસ્ય ન ફેલાય અને ઉમેદવારોને ખોટા ખર્ચા ન થાય તે માટે છેલ્લી ચાર ટર્મથી ગ્રામ પંચાયત સમરસ બનાવી રહ્યા છે. ગ્રામ પંચાયત સમરસ થતા ગામની એકતાના દર્શન થાય છે. ત્યારે આવનારી ગ્રામ પંચાયતની ચુંટણીમાં છેલ્લી ચાર ટર્મની જેમ ગ્રામ પંચાયત સમરસ થાય તેવું ગામના બુધ્ધિજીવી આગેવાનો અને લોકો ઈચ્છતા હતા. પરંતુ ગામના કેટલાક લોકો ગ્રામ પંચાયતની ચુંટણી થાય તેવું ઈચ્છતા હતા. ત્યારે ગામના શિક્ષિત અને બુધ્ધિજીવી આગેવાનોએ ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે સરકારી તંત્રની જેમ પહેલા અંદરો-અંદર ચુંટણી યોજવાનુ નક્કી કર્યુ હતુ. જેમાં ગામના સરપંચ પદે બાવા રાજેશપુરી શંભુપુરી, પ્રજાપતિ હર્ષદકુમાર રૂગનાથભાઈ તથા દેવીપૂજક નરોત્તમભાઈ કાળાભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સાત વોર્ડ ગ્રામજનોએ સમરસ કર્યા હતા. અને સરપંચના ત્રણેય ઉમેદવાર પાસેથી ચુંટણીના ખર્ચ પેટે રૂા.૧૦,૦૦૦ ડીપોઝીટ લેવામાં આવી હતી. આ ચુંટણીમાં ગામના આગેવાન પટેલ પશાભાઈ શંકરભાઈ, વર્તમાન સરપંચ પટેલ ભીખાભાઈ નારાયણદાસ તથા પટેલ ભગાભાઈ શંકરદાસને ચુંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ગામની સેવા સહકારી મંડળીના મંત્રી પટેલ રણછોડભાઈ માધવલાલ, પ્રજાપતિ અશ્વિનભાઈ પ્રભુદાસ, પટેલ જશુભાઈ દેવચંદદાસ, પટેલ ભગાભાઈ સોમાભાઈ તથા પટેલ રજનીભાઈ પ્રહલાદભાઈને ચુંટણી એજન્ટ તરીકે જવાબદારી સોંપાઈ હતી. ચુંટણીના બેલેટ પેપરમાં સરપંચના ત્રણેય ઉમેદવારોના ચુંટણી ચિન્હો હતા. બેલેટ પેપરમાં નોટાનો વિકલ્પ પણ મુકાયો હતો. ત્યારબાદ તા.૨૧-૧-૨૦૧૮ ના રોજ સવારે ૮ થી ૫ કલાક સુધી સરકારી તંત્રની જેમ ચુંટણીનુ મતદાન કરાયુ હતુ. જેમાં ગામના કુલ ૧૬૪૨ મતદારોમાંથી ૧૩૦૪ નું મતદાન થયુ હતુ. મતદાન પુર્ણ થયા બાદ મતપેટી સીલ કરીને ગામની ક્રેડીટ સોસાયટીના સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે ત્રણેય ઉમેદવારો અને ચુંટણી અધિકારીઓની હાજરીમાં ગ્રામ પંચાયતમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં બાવા રાજેશપુરી શંભુપુરી – ૬૧૯ મત, પ્રજાપતિ હર્ષદકુમાર રૂગનાથભાઈ – ૫૧૧ મત, દેવીપૂજક નરોત્તમભાઈ કાળાભાઈને – ૧૪૮ મત મળ્યા હતા. જ્યારે નોટામા – ૨૪ તથા કોરા બે બેલેટ પેપર નિકળ્યા હતા. આમ આ ચુંટણીમાં રાજેશપુરી બાવાને વધુ મત મળતા ગ્રામજનોએ તેમને ગ્રામ પંચાયતના સરપંચ પદે જાહેર કર્યા હતા. ચુંટણીના ખર્ચમાંથી વધેલા રૂપિયામાં વિજેતા ઉમેદવારે ગ્રામજનોને નાસ્તો વહેચ્યો હતો.

Leave a Reply

Top