You are here
Home > News > મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું?

મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું?

મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સાયન્સ કાર્નિવલનો ખર્ચ રૂા.૨૦ થી ૨૫ લાખ થયાની ચર્ચા
પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને લઈ ડુબશે કે શું?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોઈપણ સંસ્થામાં જ્યારે રાજકારણ ભળે ત્યારે સંસ્થાનો વિકાસ અટકી જાય છે અને છેવટે સંસ્થા પાયમાલના પંથ તરફ જાય છે. રાજકારણના લીધે વિસનગરમાં માતબર સંસ્થાઓ બંધ થવાના દાખલા છે. નૂતન કેળવણી મડળમાં અત્યારે આવુજ કંઈ થઈ રહ્યુ છે. કેળવણી મંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા એટલી વધી ગઈ છે કે તેઓ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા સંસ્થાને ખોટા ખર્ચના ખાડામાં ધકેલતા પણ વિચારતા નથી. ગુજરાત સાયન્સ કાર્નિવલમાં મુખ્યમંત્રીએ ઉદ્‌ઘાટન કરતા સંસ્થામાં ૨૦ થી ૨૫ લાખનો ખર્ચ થયાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક હિતેચ્છુઓ ખોટા ખર્ચના કારણે ચીંતા વ્યક્ત કરી રહ્યા છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તા.૨૦ અને ૨૧ જાન્યુઆરી સાયન્સ કાર્નિવલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ મહેસાણામાં રાજ્ય કક્ષાનુ પ્રજાસત્તાક પર્વ ઉજવાતુ હોઈ સરકાર એજ્યુકેશનને લગતો કોઈ કાર્યક્રમ કરવાનુ વિચારતી હતી. સરકાર દ્વારા એજ્યુકેશન કાર્યક્રમ કરવા માટે પ્રથમ ગણપત વિદ્યાનગર ખેરવા તેમજ કડી કેળવણી મંડળ જેવી માતબર શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોઈ મોટો ખર્ચ થાય તેમ હોઈ આ બન્ને સંસ્થાઓએ કાર્યક્રમ કરવા ઈન્કાર કર્યો હોવાનુ ચર્ચાય છે. ત્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સાયન્સ કાર્નિવલ થવાનો હોવાથી સરકાર તેમાં સહભાગી થવા ઈચ્છા દર્શાવતા તેમજ તેનુ ઉદ્‌ઘાટન કરવા મુખ્યમંત્રી હાજર રહેવાના હોઈ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ હરખપદુડા થઈ સરકારની ઈચ્છાને આવકારી હતી. જેની પાછળ રાજકીય મહત્વકાંક્ષા હતી. સરકારને કાર્યક્રમમાં સહભાગી બનાવવા એ વિચાર ન કર્યો કે આ નિર્ણયથી સંસ્થાને કેટલો ખર્ચ થવાનો છે. જાણવા મળ્યા પ્રમાણે મુખ્યમંત્રીનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ અને વીઆઈપી જમણવાર પાછળ સંસ્થાને રૂા.૨૦ થી ૨૫ લાખનો ખર્ચ થયો હોવાનુ અનુમાન છે. કેટલાક લોકો રૂા.૩૦ થી ૩૫ લાખ ખર્ચ થયો હોવાનુ પણ કહી રહ્યા છે.
સંસ્થા સાથે સંકળાયેલા એક હિતેચ્છુ એ લાગણી વ્યક્ત કરી છેકે ગુજરાતમાં એવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે રાજકારણના સહારા વગર વિકાસ પામી છે. પ્રકાશભાઈ પટેલ એમ કહેતા હતા કે હું કેમ્પસમાં રાજકારણમાં ઘુસવા દઈશ નહી ત્યારે તેઓ વિધાનસભામાં ટીકીટ લેવા નીકળ્યા હતા. સરકારમાં પોતાનુ રાજકીય કદ વધારવા ચુંટણી પહેલા સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં સંસ્થામાં કાર્યક્રમો કર્યા. ગણપત વિદ્યાનગર અને કડી કેળવણી મંડળે કાર્યક્રમ કરવાનો ઈન્કાર કર્યો ત્યારે પ્રકાશભાઈ પટેલે સરકારી કાર્યક્રમ કરવાની મંજુરી આપતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. નૂતન કેળવણી મંડળનો અમૃત મહોત્સવ કરી દાનની અપીલ કરવામાં આવી ત્યારે માંડ રૂા.૩ કરોડ જેટલુ દાન ભેગુ થયુ હતુ. એક બાજુ સંસ્થા લોકો પાસે દાનની અપીલ કરી દાન લઈ સંસ્થાનો વિકાસ કરવાની વાતો કરે છે ત્યારે રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા રૂા.૨૦ થી ૨૫ લાખના ખર્ચનો ધુમાડો કરી સંસ્થાને ખોટા ખર્ચના ખાડામાં ધકેલે તે કેટલુ વ્યાજબી? પ્રકાશભાઈ પટેલની રાજકીય મહત્વકાંક્ષા સંસ્થાને ભવિષ્યમાં નુકશાન કરશે. સંસ્થામાં રાજકારણ ઘુસતા આ યુનિવર્સિટી પણ નાગરિક બેંકના રસ્તે તો નહી જાયને?

Leave a Reply

Top