You are here
Home > News > પરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ

પરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ – વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ

પરેશભાઈ પટેલે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની જવાબદારી સંભાળ્યા બાદ
વિસનગર પાલિકાની ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અત્યાર સુધી આંખમીચામણા કરવામાં આવી રહ્યા હતા. ત્યારે ટાઉન પ્લાનીંગના ચેરમેન પદે પરેશભાઈ પટેલે જવાબદારી સંભાળ્યા બાદ પાલિકા દ્વારા ૧૯ દબાણકર્તાઓને દબાણ દુર કરવા નોટીસ ફટકારવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. નોટીસ આપ્યા બાદ આ ગેરકાયદેસર બાંધકામ તોડવા તાત્કાલીક ટાઉન પ્લાનીંગની મીટીંગ મળે તે માટે ચેરમેન ઉતાવળા થઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગર પાલીકામાં ગઠબંધનનુ શાસન આવતાજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ, ફુલચંદભાઈ પટેલ વિગેરે સભ્યોએ કાર્યવાહી શરૂ કરી ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી. પાલિકાની નવી કમીટીઓની રચનામાં ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની પરેશભાઈ પટેલને જવાબદારી આપવામાં આવી છે ત્યારે ચેરમેન બન્યા બાદ જે માર્કેટો અને બાંધકામ સામે અગાઉ અરજીઓ થઈ હતી તે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે પાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી છે. કોની અરજી આધારે કયા બાંધકામ વિરુધ્ધ નોટીસ આપવામાં આવી છે તે જોઈએ તો, પાલિકા સભ્ય પરેશભાઈ પટેલે કમાણા ચાર રસ્તા પાસે લે આઉટ પ્લાન વિરુધ્ધ બનતુ માર્કેટનુ કામ અટકાવવા, કલ્પેશભાઈ ચીનુભાઈ રામી દ્વારા રામનગર સોસાયટીમાં લે આઉટ વિરુધ્ધનુ બાંધકામ દુર કરવા, વિરલકુમાર પટેલ દ્વારા ફતેહ દરવાજા કાઈટીયાવાસમાં મંજુરીથી વધારાનુ કરેલ બાંધકામ દુર કરવા, રાજેન્દ્ર કોલોનીના રહીસો દ્વારા મંજુરીથી વધુનુ બાંધકામ દુર કરવા, મહેશ વી.પટેલ દ્વારા હેરીટેજ સીટીમાં લે આઉટ વિરુધ્ધનુ બાંધકામ તથા રસ્તા ઉપર કરેલ દબાણ દુર કરવા, મુસ્તાકભાઈ બહેલીમ દ્વારા નવાવાસમાં પરમીશન વગરનુ બાંધકામ દુર કરવા માટે, જશવંતભાઈ માધવલાલ પટેલે ગળીયા સોસાયટીમાં લે આઉટ તથા પરવાનગી વગરનુ થયેલ બાંધકામ દુર કરવા, પટેલ કાન્તીભાઈ કચરાભાઈ દ્વારા દેવભુમીમાં લે આઉટ તથા મંજુરી વગરનુ બાંધકામ દુર કરવા, પટેલ રાજુભાઈ રણછોડભાઈ દ્વારા કડા રોડ ઉપર સાંઈ કોમ્પલેક્ષ માર્કેટમાં વહેળા પરનુ દબાણ દુર કરવા, પટેલ રૂપલકુમાર કાનજીભાઈ દ્વારા ઈન્દ્રપુરી સોસાયટીમાં પરમીશન કરતા થયેલ વધારાનુ બાંધકામ તોડવા, પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા માયા બજારમાં પરવાનગી વગરનુ બાંધકામ દુર કરવા, ફતેહ દરવાજાના પીયુષભાઈ બાબુલાલ પટેલ દ્વારા લાવારીસ બસ સ્ટેન્ડ વિસ્તારમાં મંજુર થયેલ નકશા વિરુધ્ધનુ બાંધકામ દુર કરવા, સુરેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ત્રણ દરવાજા ટાવર પાસેના માર્કેટમાં રસ્તા પૈકી પાર્કિંગનુ દબાણ દુર કરવા, સુખનિવાસ કોમ્પલેક્ષના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા, પત્રકાર ઈનુસભાઈ એ.મનસુરી દ્વારા માયાબજારમાં દુકાનો આગળ ટ્રાફીકને નડતરરૂપ ઓટલાનુ દબાણ દુર કરવા તથા કડા રોડ ઉપરના વહેરા પરનુ દબાણ દુર કરવા, મણીભાઈ જોઈતારામ પટેલ દ્વારા અમરગઢ સોસાયટીમાં વરંડાનુ દબાણ દુર કરવા, મુકેશભાઈ જે.ચૌહાણ દ્વારા ફતેહ દરવાજા ચોકમાં પાલિકાની જગ્યામાં દબાણરૂપ લાકડા હટાવવા, પાલિકા દ્વારા ધરોઈ કોલોની સામે બનતા માર્કેટમાં બીલ્ડીંગ કંટ્રોલ લાઈનમાં થતુ બાંધકામ અટકાવવા તથા માયા બજારમાં મંજુરી વગર થતુ બાંધકામ અટકાવવા અરજી થઈ હતી. જે અરજીઓ આધારે પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.
નોંધપાત્ર બાબત છેકે પાલિકા દ્વારા મંજુર કરાયેલ ઈમ્પેક્ટ ફીની ફાઈલોમાં મોટા કૌભાંડ થયા છે. જે કૌભાંડ બહાર પાડવા પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ હજુ સુધી એક પણ ફાઈલનુ કૌભાંડ બહાર પાડી શક્યા નથી. ટીપી ચેરમેન બન્યા બાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને તોડવા પ્રયત્નો શરૂ કર્યા છે ત્યારે તેમાં કેટલા સફળ રહેશે તે સમય બતાવશે.

Leave a Reply

Top