વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે

વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે

News, Prachar News No Comments on વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં – વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે

વડનગર બાદ પાટણમાં દલિતો ઉપર અત્યાચાર વિરોધમાં
વિસનગરમાં દલિત સમાજના ધરણા-જંગી રેલી કાઢી આવેદન અપાશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દલિતો ઉપર અત્યાચારના બનાવોના કારણે દલિત સમાજના વ્યક્તિઓ આત્મહત્યાકરવા મજબુર બની રહ્યા છે. વડનગર બાદ પાટણમાં ન્યાય મેળવવા દલિત સમાજના કાર્યકરે શરીર ઉપર કેરોસીન છાંટી અગનપીછોડી ઓઢતા આ બનાવથી સમગ્ર દલિત સમાજમાં દુઃખની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવને વખોડવા વિસનગરમાં એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા જણાવાયુ છે.
ગુજરાતમાં દલિત સમાજ ઉપર સમયાંત્તરે અત્યાચાર થઈ રહ્યા છે. રાજ્યમાં દલિત સમાજની સંખ્યા મોટી છે. પરંતુ દલિતોનુ શોષણ અને અન્યાય થતો રોકવામાં સરકાર સદ્‌ત્તર નિષ્ફળ નીવડી છે. જેના કારણે સમગ્ર દલિત સમાજ ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. પાટણ જીલ્લાના દદુખા ગામના સામાજીક કાર્યકર ભાનુભાઈ વણકરે સરકાર પાસેથી ન્યાય નહી મળતા દુઃખી થઈ પાટણ કલેક્ટર કચેરી ખાતે સરકારી અધિકારીઓ તથા અસંખ્ય પોલીસની હાજરીમાં શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યુ છે. આત્મવિલોપનની ચીમકી આપવા છતાં સરકારી તંત્રએ દલીત સમાજની અવગણના કરતા આ બનાવ બનવા પામ્યો છે. જે સમગ્ર દલિત સમાજ માટે દુઃખદ ઘટના છે. તાજેતરમાં વડાપ્રધાનના માદરે વતનમાં આવો બનાવ બન્યો હતો. જેમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકને શાળાના શિક્ષકો ત્રાસ આપતા સંચાલક મહેશભાઈ ચૌહાણે આત્મહત્યા કરી હતી. જેની ફરિયાદ થઈ છે પરંતુ આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. દલિતો ઉપરના વધતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા અને દલિતોને ન્યાય મળે તે માટે કુંભકર્ણની નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા માટે વિસનગર તાલુકા દલિત સમાજની એક મીટીંગ તા.૧૬-૨-૨૦૧૮ના રોજ બપોરે ૪-૦૦ કલાકે આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે મળી હતી. જેમાં ઉપસ્થિત શહેર અને તાલુકાના દલિત સમાજના આગેવાનોએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રના બહેરા કાને દલિતો ઉપર થતા અત્યાચારનો અવાજ પહોચાડવા તાલુકા દલિત સમાજ દ્વારા તા.૨૨-૨-૨૦૧૮ ને ગુરુવારના રોજ વિસનગરમાં એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. સવારે ૯-૦૦ કલાકે આઈ.ટી.આઈ.ચાર રસ્તાથી રેલી નીકળશે. તાલુકા સેવા સદને પહોચી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે. જે રેલીમાં ઉના કાંડની રેલી કરતા પણ મોટી સંખ્યામાં હાજર રહેવા વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા સમાજના સૌ કાર્યકરો આગેવાનોને જણાવ્યુ છે.
દલિતો ઉપરના અત્યાચારને વખોડવા માટે વિસનગરમાં તા.૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ વિસનગર તાલુકા દલિત સમાજ દ્વારા એમ.એન.કોલેજ સામે ર્ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તથા અન્ય સમાજના લોકોએ પણ ધરણા ઉપર બેસી વડનગર અને પાટણના બનાવને વખોડ્યો હતો.

Leave a comment

Back to Top