You are here
Home > Prachar News > ઈન્સ્ટોલેશન પછી ટેન્ડરીંગ કરાયાના હોબાળાથી – વિસનગર પાલિકાના ટેબલ ઉપરથી ઈન્ટરકોમ ગાયબ

ઈન્સ્ટોલેશન પછી ટેન્ડરીંગ કરાયાના હોબાળાથી – વિસનગર પાલિકાના ટેબલ ઉપરથી ઈન્ટરકોમ ગાયબ

ઈન્સ્ટોલેશન પછી ટેન્ડરીંગ કરાયાના હોબાળાથી
વિસનગર પાલિકાના ટેબલ ઉપરથી ઈન્ટરકોમ ગાયબ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સહકારી ક્ષેત્રના અનુભવી પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલને તેમના મંડળીના વહિવટમાં ક્યારેય પાછી પાની કરવી પડે તેવો અનુભવ થયો નહી હોય. પરંતુ પાલિકા વહિવટમાં ઓછો અનુભવ હોવાથી એક નિર્ણયમાં પાછી પાની કરવાનો બનાવ બન્યો છે. પાલિકામાં ઈન્ટરકોમના ઈન્સ્ટોલેશન બાદ ટેન્ડરીંગ કરવામાં આવતા આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. એકજ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાના ઈરાદાથી કરાયેલા કામનો હોબાળો થતા પાલિકાના જુદા જુદા વિભાગમાં લગાવાયેલ ઈન્ટરકોમ ગાયબ થઈ ગયા છે. અગાઉ ભ્રષ્ટાચારના મામલે પ્રમુખ અને ચેરમેનનો ખુલાસો માગનાર સંકલન સમીતી પ્રમુખ શકુન્તલાબેન પટેલના વહિવટમાં થયેલી દેખીતી ગેરરીતીનો ખુલાસો કરશે ખરા?
ગઠબંધનના શાસનમાં પાલિકાનો વહીવટ ખાનગી પેઢીની જેમ થઈ રહ્યો છે. મળતીયા કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તેવા નિર્ણયો થઈ રહ્યા છે. તેમ છતાં જાહેરમાં શપથ લેવડાનાર સંકલન સમીતી અને ભ્રષ્ટાચાર થશે તો વિરોધપક્ષમાં બેસીસ તેવુ કહેનારા મોં સીવીને ચુપચાપ બેઠા છે. કયો લાભ મળતા આ લોકો ચુપ બેઠા છે તેવી જાહેરમાં ચર્ચાઓ થઈ રહી છે. ધરોઈ રોડ ઉપર શો રૂમ પાસે મંજુરી અને ટેન્ડર વગર વરસાદી પાણીની લાઈનનુ કામ કરાવી તેના બીલો ચુકવી દેતા આ વિવાદ હજુ કલેક્ટરમાં સમ્યો નથી, ત્યાં પાલિકામાં ગેરરીતી કરી નંખાયેલ ઈન્ટરકોમનો વિવાદ થયો છે. પાલિકા કાર્યાલયના જુદા જુદા વિભાગમાં અંદરોઅંદર વાતચીત થાય તે માટે ગાંધીનગરના એક મળતીયા કોન્ટ્રાક્ટર દ્વારા ઈન્ટરકોમ ઈન્સ્ટોલેશન કરાયુ હતુ. જે કામગીરી બાદ કાચુ કપાયુ હોવાનુ જણાતા તા.૨૯-૧-૨૦૧૮ની જનરલમાં ઈન્ટરકોમની કરાયેલી કામગીરીને બહાલી આપવા માટે ઠરાવ કરાયો હતો. જેનો ભારે વિરોધ થયો હતો. જનરલ પહેલા સભ્યો વચ્ચેની સંકલનમાં પણ ઈન્ટરકોમના ઠરાવનો વિવાદ થતા લોકફાળાથી કામ કરવા નિર્ણય કરાયો હતો. જનરલના એજન્ડામાં આ મુદ્દો લેવામાં આવતા ભાજપના સભ્યોએ વિરોધ કરી આ ઠરાવને કલેક્ટરમાં પડકાર્યો હતો. પરંતુ ઘણા એવા લોકો હોય છેકે પાલિકાના પ્રમુખપદે બેસી એ ભુલી જતા હોય છેકે પોતે પ્રજાના સેવક નથી પરંતુ નગરના રાજા છે અને આવુ સમજનારા ભુલ કરી બેસતા હોય છે. ઈન્ટરકોમનો હોબાળો થયો હોવા છતા અને કલેક્ટરમાં આ વિવાદને પડકારાયો હોવા છતાં ઈન્ટરકોમનુ ટેન્ડરીંગ કરાયુ. જે ટેન્ડરની જાહેરાતની કોપી પણ પ્રાન્ત અને કલેક્ટરને પહોચતી કરવામાં આવી. ગેરરીતી કર્યા બાદ પાપ છુપાવવાના પ્રયત્નમાં બરાબરના ફસાતા છેવટે પાલિકા કાર્યાલયમાંથી રાતોરાત ઈન્ટરકોમ ગાયબ કરવાની ફરજ પડી. ઈન્ટરકોમ ક્યારે અને કોણ લઈ ગયુ તે માટે પાલિકાના સીસીટીવી ફૂટેજ ચેક કવરામાં આવે તો ઘણા બધા રહસ્ય ખુલે તેમ છે.
પાલિકામાં આટ આટલી ગેરરીતી થવા છતા સંકલન સમીતી ચુપ બેસી રહેતા એક સભ્યએ રોષ ઠાલવ્યો હતો કે, ગત વર્ષે પ્રજ્ઞાબેન પટેલ ઉપર કોન્ટ્રાક્ટર સાથે લેવડદેવડનો આક્ષેપ થતા સંકલન સમીતીએ તાત્કાલીક મીટીંગ બોલાવી પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પાસે ખુલાસો માગ્યો હતો. જેમાં પ્રજ્ઞાબેન પટેલ ઉપરનો કોઈ આક્ષેપ સાબીત થયો નહોતો. ત્યારબાદ ગત વર્ષે શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન ત્રિવેદી ઉપર પણ શિક્ષકની ભરતી મામલે આક્ષેપ થતા સંકલન સમીતીએ તાત્કાલીક મીટીંગ બોલાવી હતી. જેમાં પણ કોઈ આક્ષેપ સાબીત થયો નહોતો. ત્યારે પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં ગેરરીતી થતા સંકલન સમીતી કેમ ચુપ છે? સંકલન સમીતીએ કયા હિતમાં આંખે પાટા બાંધ્યા છે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. પાલિકામાં ભ્રષ્ટાચાર થશે તો હું વિરોધ પક્ષમાં બેસીસ તેવુ એક ટાવરની જાહેર સભામાં બોલનાર પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ પણ અત્યારે કેમ બોલવા માગતા નથી? ભ્રષ્ટાચાર નહી કરીએ તેવા શપથ ફક્ત દેખાવ પૂરતા લીધા હોય તેમ જણાય છે.

Leave a Reply

Top